અમલબેદ : દ્વિદળી વર્ગના રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. अम्लवेतस्, अकृम्लवेतस्; હિં. बरानिम्बु; અં. કૉમન સોરેલ) છે. મોસંબી, સંતરાં, લીંબુ, પપનસ વગેરે તેનાં સહસભ્યો છે.
બીજોરા જેવી આ એક લીંબુની જાત છે. નાનું, કાંટાળું ઝાડ, ભૂરી નાની કૂંપળો. એકપર્ણિકાવાળું, પક્ષવત્ દંડ ધરાવતું પર્ણ.
તેનાં સફેદ ફૂલ પહેલાં એપ્રિલ-મે માસમાં અને ફળ નવેમ્બર-ડિસેમ્બર માસમાં આવતાં, પરંતુ હાલમાં બારેમાસ ફૂલ-ફળ મળી રહે છે. પુષ્પની 4–8 પાંખડીઓ રાતી ઝાંય ધરાવે. 20—80 પુંકેસરો, મોટી ચકતી (disc) ઉપર આવેલું સ્ત્રીકેસર. તેનું ફળ ઘણું જ ખાટું હોય છે અને પાકતાં કેરી જેવી વાસ આવે છે.
કુમાઉનમાં સરજુ, ભાભરમાં ખાસીઆ અને ગારો ટેકરીઓ, સીતાકુંડ ટેકરી અને ચિતાગોંગમાં જંગલી અવસ્થામાં આ છોડ મળે છે. ઘણાખરા દેશોમાં ખૂબ વાવેતર થાય છે. પરિપક્વ અને અપક્વ ફળોનો રસ રસોઈમાં વપરાય છે, તેથી ખોરાક પચે છે અને સ્વાદ વધે છે.
મ. દી. વસાવડા
સરોજા કોલાપ્પન