અમરુ-શતક (ઈ. આઠમી સદી) : કવિ અમરુકૃત માધુર્ય તથા પ્રસાદગુણથી યુક્ત શૃંગારરસપ્રધાન સો શ્લોકવાળું સંસ્કૃત ખંડકાવ્ય. નાયક-નાયિકાનાં શૃંગારચિત્રો તથા કામશાસ્ત્રીય સંયોગ અને વિયોગના કલાત્મક ભાવોનું નિરૂપણ કરતું આ કાવ્ય મુખ્યરૂપે શાર્દૂલવિક્રીડિત, ઉપરાંત સ્રગ્ધરા, હરિણી, વસંતતિલકા જેવા છંદોમાં રચેલાં સો કે તેથી અધિક મુક્તકો ધરાવે છે. આ કાવ્યના અનેક શ્લોકો સંસ્કૃતના મૂર્ધન્ય આલંકારિકો વામન (ઈ. સ. 800) અને આનંદવર્ધન (ઈ. સ. 850) જેવા વિદ્વાનોએ પોતાની કૃતિઓમાં ઉદાહરણ તરીકે ઉદ્ધૃત કર્યા છે. કવિ અમરુનું વ્યક્તિત્વ તથા સમય અજ્ઞાત હોવા છતાં તેઓ નવમા શતકથી પૂર્વે થઈ ગયા હશે એવું અનુમાન કરવામાં આવે છે.
અમરુ જાતિએ સુવર્ણકાર હતા એવી એક કિંવદન્તી છે; તો બીજી એક કિંવદન્તી પ્રમાણે આદિ શંકરાચાર્યે શૃંગારનો અનુભવ કરવા માટે અમરુ નામના રાજાના શરીરમાં પોતાના આત્માનો પ્રવેશ કરાવી આ કાવ્યની રચના કરી હતી.
‘અમરુ-શતક’ ઉપર અર્જુનવર્મા(1215)ની ‘રસિકરંજની’ નામે ટીકા છે. રવિચંદ્ર વર્મા નામના અન્ય ટીકાકારે આ કૃતિના શૃંગારરસપ્રધાન શ્લોકોનો વેદાન્તપરક અર્થ કરવાનો પ્રયાસ કર્યો છે. વેમરાજ કે વેમભૂપાલ(14મી શતાબ્દી)ની ‘શૃંગારદીપિકા’ ટીકા તથા સૂર્યદાસની ‘શૃંગારતરંગિણી’ ટીકા પણ તેના પર લખાયેલી છે.
પ્રસિદ્ધ વિદ્વાન કેશવ હર્ષદ ધ્રુવે ગુજરાતીમાં તેનું પદ્યભાષાંતર કર્યું છે.
ભગવતીપ્રસાદ પંડ્યા