અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ : અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓનું સહિયારું મંડળ. તેની સ્થાપના 1930માં સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી થઈ હતી. તેનો મુખ્ય આશય અધિકારીઓ અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે એ હતો. માલિકોની પહેલથી કર્મચારીઓ અને કામદારોના મંડળની સ્થાપના થઈ હોય એવો બનાવ વિશ્વનાં મજૂરમંડળોના ઇતિહાસમાં આ પ્રથમ ગણાય. બીજું, મ્યુનિસિપાલિટીનો અધિકારી વર્ગ, ચૂંટાયેલા સભ્યો તથા પગારદાર કર્મચારીઓ વચ્ચે સભ્યપદ અંગે આ મંડળમાં કોઈ ભેદ રાખવામાં આવતો નથી. કારોબારીમાં પણ બધાંને પ્રતિનિધિત્વ અપાય છે. બધાં પોતપોતાની ફરજો પરસ્પર સહકારથી બજાવે એવી આ સંસ્થાની પરંપરા બંધાયેલી છે.
સંસ્થાના પ્રમુખપદે ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, આનંદીભાઈ ઠાકોર, અર્જુન લાલા, ચંદ્રકાંત દરુ, ડી. એમ. સંત તથા નટવરલાલ શાહ જેવા અગ્રણીઓ રહ્યા હતા. 1979થી 2000 સુધી તેના પ્રમુખપદે ઘનશ્યામ ત્રિવેદી તથા મંત્રીપદે દિનકર ભટ્ટ સેવાઓ આપી રહ્યા છે.
15 ઑગસ્ટ, 1942ના રોજ સંસ્થાની સામાન્ય સભાએ કૉંગ્રેસ મહાસમિતિના 8 ઑગસ્ટ, 1942ના ‘ભારત છોડો’ ઠરાવને ટેકો આપ્યો, જેના પરિણામસ્વરૂપે સરકારે મ્યુનિસિપલ બૉર્ડને બરતરફ કરી તેનો કારભાર પોતાના હસ્તક લીધો અને જે મ્યુનિસિપલ ભવન પર મહાત્મા ગાંધીએ 1929માં તિરંગો ધ્વજ ફરકાવ્યો હતો તે ઉતારી લેવામાં આવ્યો. તેના વિરોધમાં સપ્ટેમ્બર 1942માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સિટ ડાઉન’ હડતાળ શરૂ કરી. શહેરમાં પણ સામાન્ય હડતાળ પડી. આંદોલનમાં ભાગ લેનારાઓ માંથી આશરે 40 જેટલા કર્મચારીઓ અને ત્રણ અધિકારીઓની ધરપકડ થઈ. કેટલાક પર ન્યાયાલયોમાં કેસ ચલાવવામાં આવ્યા. તેમાંથી કેટલાકને જુદા જુદા સમયગાળા માટેની સજા તથા દંડ ફટકારવામાં આવ્યાં. દરમિયાન ‘સિટ ડાઉન’ હડતાળના ત્રીજા દિવસે ત્રણ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા અને મ્યુનિસિપલ ભવન પર તિરંગો ધ્વજ ફરી ફરકાવવાની પરવાનગી આપવામાં આવી. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓના બૉર્ડને ફરી પ્રસ્થાપિત કરવામાં ન આવતાં ચાલુ રહેલી હડતાળ છેક ચાર માસ સુધી લંબાઈ.
સંસ્થાના સભ્યોએ આઝાદી પૂર્વે શહેરમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડો દરમિયાન, 1969ના કોમી હુલ્લડ દરમિયાન, 1973ના પૂર દરમિયાન તથા 1973–74ના ‘નવનિર્માણ’ આંદોલન દરમિયાન અમદાવાદ શહેરીજનોને જાનના જોખમે સેવાઓ આપી હતી અને રાહતકાર્યમાં સક્રિય ભાગ લીધો હતો. ઉપરાંત, સૂરત અને મોરબીમાં રેલહોનારત દરમિયાન પણ કેટલાક કર્મચારીઓએ જે તે હોનારતના સ્થળ પર રાહત- કાર્ય કર્યું હતું.
વેતનસુધારા, વચગાળાની રાહત, દર ત્રણ વર્ષે સેટલમેન્ટ તથા નર્સિગ સ્ટાફની શિફ્ટડ્યૂટીની માગણીઓના સંદર્ભમાં મે 1980માં નોકર મંડળે પોતાના સભ્યોના મોં પર પટ્ટી બાંધીને અમદાવાદ શહેરમાં મૌન સરઘસ કાઢ્યું હતું તે ભારતનાં મજૂરમંડળોનાં આંદોલનોના ઇતિહાસમાં અનોખી ભાત પાડે તેવું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે