અમદાવાદ નગરપાલિકા/મહાનગરપાલિકા : ભારતના છઠ્ઠા નંબરના આ મહાનગરના ઇતિહાસની જેમ તેની મહાનગરપાલિકાનો ઇતિહાસ પણ ઊજળો અને અદ્વિતીય છે, તે એ અર્થમાં કે દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ઉદય પહેલાં આ શહેરના નાગરિકોએ પાયાની નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સ્વૈચ્છિક રીતે કર આપવાનું સ્વીકારેલું. શહેરના લાભ માટે કેટલી જકાત (octroi duty) લેવી તે નક્કી કરવા માટે છેક 1830માં 4 આગેવાન નાગરિકોની બનેલી સમિતિ રચવામાં આવેલી. આ રીત્રે એકત્ર થયેલાં નાણાંનો ઉપયોગ સ્વચ્છતા ને આરોગ્ય સેવાઓ(sanitation)ની સુધારણા માટે થતો. 1830-1857ના ગાળા દરમિયાન આ સમિતિ અસરકારક ભૂમિકા ભજવતી રહી. 1858માં તેને કાયદા હેઠળ મ્યુનિસિપાલિટીનો દરજ્જો મળ્યો. તે પછી લગભગ એક સદી પછી 1950માં તે મહાનગરપાલિકા બની. અમદાવાદની નગરપાલિકાના પ્રથમ પ્રમુખ શહેરના મિલઉદ્યોગના સ્થાપક રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ હતા. તેમના અનુગામીઓ પણ અગ્રગણ્ય સમાજસેવકો હતા. ડૉ. રાજેન્દ્રપ્રસાદ પટણામાં અને પંડિત જવાહરલાલ નેહરુ અલાહાબાદમાં નગરપાલિકાના પ્રમુખ હતા. તે જ સમયગાળામાં ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ નગરપાલિકાના પ્રમુખપદે હતા. ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ (સ્પીકર) દાદાસાહેબ માવળંકરે પણ આ સ્થાનેથી નગરસેવા કરેલી. અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર ચિનુભાઈ ચિમનલાલ શેઠ હતા અને 2000માં માલિનીબહેન અતીત મેયરપદે હતાં. તે પછી કૉંગ્રેસ સત્તા પર આવતાં હિંમતસિંગ પટેલ મેયરપદે આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ આ શહેરની વિકાસયાત્રા અને સામાન્યજનને નાગરિક સેવાઓના અભિગમનો સ્રોત સરદાર વલ્લભભાઈ પટેલે કંડારેલી પરંપરાઓમાંથી ફૂટેલો છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મ્યુનિસિપાલિટીને ઝઝૂમતી કરવાનું નેતૃત્વ તેમણે પૂરું પાડેલું. બ્રિટિશ આધિપત્યને ફગાવી દઈને સરકારી મદદ પાછી ખેંચવાનાં પગલાંઓનો પ્રતિકાર કરીને તેમણે મ્યુનિસિપાલિટીની ગર્લ્સ હાઈસ્કૂલ શરૂ કરેલી તે અને એવી બીજી ઘણી સંસ્થાઓ આ સંદર્ભમાં તેમનું વિરલ પ્રદાન છે. હાલની દૂધેશ્વરની પાણીની ટાંકી, જેને ‘વલ્લભ જલાગાર’ નામ આપવામાં આવેલું છે, તે અને સિત્તેર વર્ષ પહેલાં અત્યારના આશ્રમ રોડ જેવો રિલીફ રોડ તેમની વહીવટી અગમસૂઝની દેણ છે.
1924માં અમદાવાદની વસ્તી 80,000ની હતી, જે આજે 40 લાખનો આંક વટાવી ચૂકી છે. દર ચોકિમી.એ વસ્તીની ઘનતા 15,074 છે. આશરે 11 વર્ષ પહેલાં પૂર્વના વિસ્તારોના સમાવેશ પછી શહેરનું ક્ષેત્રફળ 190.84 ચોકિમી. થયું છે. શહેરના 43 વૉર્ડ છે જેના 129 ચૂંટાયેલા મ્યુ. કૉર્પોરેટરોનું જનરલ બોર્ડ રચાયેલું છે. સ્ટૅન્ડિંગ કમિટી સહિત આ કૉર્પોરેશનની 13 કમિટીઓ છે.
મ્યુ. કૉર્પોરેશનના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર છે, જેમના હાથ નીચે આઠ ડેપ્યુટી કમિશનરો ઉપરાંત જુદાં જુદાં ખાતાંના અધિકારીઓ તેમજ આશરે 30,000 જેટલા કર્મચારીઓ છે.
1997-98ના વર્ષ માટેનું અમદાવાદ મ્યુ. કૉર્પોરેશનનું અંદાજિત બજેટ રેવન્યુ આવક રૂ. 55,031.87 લાખ તથા રેવન્યુ ખર્ચ રૂ. 46,009.77 લાખનું છે. તેનાં જકાત અને મિલકતવેરા સિવાય આવકનાં બીજાં કોઈ મુખ્ય સાધનો નથી, છતાં બાળકના જન્મથી માંડીને માનવીની અંતિમયાત્રા સુધી તે અનેક નાગરિક સેવાઓ પૂરી પાડે છે, જે દેશનાં બીજાં મ્યુ. કૉર્પોરેશનો કરતાં વિશેષ અને વિશિષ્ટ છે. અમદાવાદ મહાનગરપાલિકા તેનાં ફરજિયાત કાર્યો ઉપરાંત, લોકકલ્યાણને સ્પર્શતી બીજી જાહેર સેવાઓ પણ આપતી રહી છે, જેવી કે, આંતરિક બસ વાહનવ્યવહાર, હૉસ્પિટલ દ્વારા તબીબી શિક્ષણ અને સારવાર માટેની સુવિધાઓ, દૂધની ડેરી (જે 1986થી સરકાર હસ્તક બની છે) તથા પ્રાથમિક શિક્ષણ આપતી ગુજરાતી ઉપરાંત મરાઠી અને ઉર્દૂ શાળાઓનું સંચાલન. શહેરને રોજનું 41.50 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે, જે શહેર વિસ્તાર માટે 125.41 અને પૂર્વ તથા પશ્ચિમના વિસ્તાર માટે માથાદીઠ સરેરાશ 165 લીટર છે. ભૂગર્ભ પાણીની પાઇપલાઇનની લંબાઈ 2,291.29 કિમી. છે. પાણીનાં 2,36,902 જોડાણો તથા 2,400 જેટલા જાહેર નળ છે. તેની લાંબા ગાળાની પાણીપુરવઠા યોજના રૂ. 75 કરોડની છે. ડ્રેનેજ પ્રૉજેક્ટ રૂ. 57 કરોડનો છે. ગંદા પાણીના નિકાલ માટે 1,220 જેટલી લાંબી લાઇનોનું માળખું છે, જેના દ્વારા સવા બે લાખ કિમી. ઉપરાંતની ગટરો મારફતે 84 એમ. જી. ડી.(million gallon per day) (એટલે કે 3 અબજ 36 કરોડ લીટર)ની કુલ ક્ષમતા ધરાવતા વાસણા અને પીરાણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણીનો નિકાલ થાય છે. તેની દસ વર્ષીય (1988-98) વિકાસ યોજના રૂ. 184 કરોડની છે, જેમાં શહેરના સમતોલ વિકાસ, વસ્તીની ગીચતામાં ઘટાડો, ટ્રન્ક ટર્મિનસ, પરિવહન કેન્દ્રો, પર્યાવરણીય સુધારણા, વિશાળ બાગબગીચા, નદીકાંઠાનો રળિયામણો વિકાસ, મનોરંજન અને હરવાફરવાનાં કેન્દ્રો વગેરે મહત્ત્વાકાંક્ષી આયોજનોનો સમાવેશ થાય છે.
પૂર્વ અને પશ્ચિમને જોડતા નદી ઉપરના 7 પુલો તથા 1,227 કિમી. લંબાઈના રસ્તા તેમજ સંખ્યાબંધ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજો મ્યુ. કૉર્પોરેશને બાંધેલા છે. શહેરની સફાઈ અને સ્વચ્છતા માટે અદ્યતન વૈજ્ઞાનિક કચરા-નિકાલને લગતી યોજના (solid waste management plant) અમલમાં મૂકવામાં આવી છે. યુનિવર્સિલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ બાળકોને વિવિધ રોગપ્રતિકારક રસી અને અન્ય રોગપ્રતિકારાત્મક પગલાંઓ લેવાય છે, જ્યારે સારવાર માટે 35 દવાખાનાં અને 24 પ્રસૂતિગૃહો ઉપરાંત ત્રણ જનરલ હૉસ્પિટલો, ચેપી રોગની હૉસ્પિટલ, ક્ષયરોગની હૉસ્પિટલ તથા આંખની હૉસ્પિટલ આ કૉર્પોરેશન ચલાવે છે, જેમની પથારીઓની કુલ સંખ્યા એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ કરતાં વધારે છે. કુટુંબ કલ્યાણ કેન્દ્રોની સંખ્યા 37 છે. આરોગ્ય અને તબીબી સારવાર પાછળ વર્ષે રૂ. 12 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. એટલું જ નહિ, દેશમાં મુંબઈ પછી આ જ મ્યુ. કૉર્પોરેશન મેડિકલ કૉલેજ ચલાવીને તબીબી શિક્ષણ પણ પૂરું પાડે છે. આગ-અકસ્માતથી જાનમાલના બચાવ માટે 10 ફાયર બ્રિગેડ સ્ટેશનો શહેરમાં ઊભાં કરવામાં આવ્યાં છે.
મ્યુ. કૉર્પોરેશન હેઠળ સ્કૂલબોર્ડ દ્વારા આશરે 2.39 લાખ જેટલાં બાળકોને 10 જુદી જુદી ભાષાઓમાં મફત પ્રાથમિક શિક્ષણ 567 પ્રાથમિક શાળા મારફત પૂરું પાડવામાં આવે છે. તેવી જ રીતે 16 બાલભવનોમાં બાળકોને સર્જનાત્મક અને ઇતર વાચનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ચાલીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં બાળકો માટે 100 આંગણવાડીઓ ચલાવવામાં આવે છે, જ્યારે વાહનવ્યવહાર સેવા મારફતે 166 જેટલા બસ રૂટ દ્વારા બસ સેવા પૂરી પાડવામાં આવે છે. તે આ માટે 820 બસોનો કાફલો ધરાવે છે, જેમાંથી 659 બસો રૂટ પર ફરતી હોય છે. મ્યુ. કૉર્પોરેશનના સંચાલન હેઠળ ઑલિમ્પિક કદનાં અને અંધઅપંગો માટેનાં વિશિષ્ટ સ્નાનાગારો સહિત 16 સ્નાનાગારો અને બે સ્ટેડિયમ, ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ત્રણ વિશાળ નાટ્યગૃહો તથા 16 કોમ્યુનિટી હૉલની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતના અગ્રેસર શેઠ મા. જે. પુસ્તકાલય ઉપરાંત 10 મ્યુ. પુસ્તકાલયો અને 6 વાચનાલયો જુદા જુદા વિસ્તારોમાં આવેલાં છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાળવાટિકા, પ્રાકૃતિક સંગ્રહસ્થાન તેમજ સંસ્કારકેન્દ્ર સંકુલ શહેરની સાંસ્કૃતિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓના કેન્દ્રસ્થાને છે.
અમદાવાદના ભૌગોલિક સ્વરૂપની ચારુતા છેક 1872 સુધી કોટવિસ્તારમાં આવેલી 356 જેટલી પોળોને કારણે હતી, જેમાં કાષ્ઠ, પથ્થરના આવાસો, પરબડીઓ, કૂવા અને એક સ્થળેથી બીજે સ્થળે દૂર સુધી જવાની અનુપમ રચના હતી. જ્યારે આજે ગગનચુંબી અદ્યતન ઇમારતો, સ્થાપત્યની દૃષ્ટિએ અવનવા બંગલા અને અસંખ્ય સોસાયટીઓ, સોડિયમ લાઇટથી ઝળહળતા રાજમાર્ગો, પરિવહનનાં અગણિત સાધનો અને પ્રાથમિક સુખાકારીની દરેક પ્રકારની સવલતોના મ્યુનિસિપલ કૉર્પોરેશને રચેલા જંગી માળખાને પરિણામે તેની વસ્તી અને સીમા પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ સર્વત્ર વિસ્તરી છે અને આધુનિક સિમેન્ટ-કૉંક્રીટની મહેલાતોની જુગલબંધીમાં પુરાતન અને અર્વાચીન, પરંપરિત તેમજ આધુનિકનાં અવનવાં સ્વરૂપોનો સમન્વય જોવા મળે છે. આ કૉર્પોરેશનના અત્યાર સુધીના લાંબા ઇતિહાસમાં 1974 અને 1975, આ બે વર્ષ તે સુપરસીડ થયેલું.
આશુતોષ વ્યાસ