અભ્યન્તર (1979) : આધુનિક ઊડિયા કવિ અનંત પટનાયકનો કાવ્યસંગ્રહ. તેને 1980નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. પટનાયકની આ કાવ્યસંગ્રહની કવિતા વિશેષત: અન્તર્મુખી છે. એમાં કવિ માનવની ભીતરની ચેતનાના ઊંડાણમાં ભાવકને લઈ જાય છે. સંવેદનો જગાડવા પૂરતો જ એમણે બાહ્યસૃષ્ટિનો આશરો લીધો છે. એમની કવિતા મુખ્યત્વે આન્તરસૃષ્ટિમાં જ રમણ કરે છે. તે પ્રયોગાત્મક કવિ છે. વિષય અને શૈલીની દૃષ્ટિએ આ સંગ્રહમાં અનેક ધ્યાનપાત્ર પ્રયોગો કર્યા છે. ભદ્ર સમાજમાં વપરાતી ભાષાની સાથેસાથે લોકબોલીનો પણ તેમણે છૂટથી ઉપયોગ કર્યો છે. એમના આ સંગ્રહ માટે ઓરિસા સરકારનો પણ પુરસ્કાર એમને મળ્યો છે.
વર્ષા દાસ