અભિષેકી, જિતેન્દ્ર (જ. 14 સપ્ટેમ્બર 1932, મંગેશી, ગોવા; અ. 16 નવેમ્બર 1998 મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. પિતા બળવંત અભિષેકી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત કીર્તનકાર હોવાને નાતે સારા ગાયક હતા. તેમણે સંગીતની તાલીમ શંકરબુવા ગોખલે પાસેથી મેળવી હતી. જિતેન્દ્રના દાદા અને પિતા પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. પિતા કીર્તન કરતા ત્યારે પુત્ર જિતેન્દ્ર તેમની પાછળ ઊભા રહીને તેમની સંગત કરતા. પિતાની ઇચ્છા જિતેન્દ્ર પણ કીર્તનકાર બને એવી હતી; પરંતુ જિતેન્દ્રને તેમાં રસ ન હતો. શાસ્ત્રીય ગાયનમાં તેમને વધુ રસ હતો. તેમણે સંગીતની પ્રારંભિક શિક્ષા તેમના પિતાશ્રી પાસેથી મેળવી હતી. પંદર વર્ષની ઉંમરે તેઓ પુણે આવ્યા, જ્યાં 1945-46 દરમ્યાન તેમણે નરહરિબુવા પાટણકર પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. 1949માં પૂણેની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી 1952માં તેઓ કૉલેજ તથા સંગીતનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મુંબઈ આવ્યા. ત્યાં સંસ્કૃત વિષય સાથે તેઓ મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા પાસ કરી. શરૂઆતમાં તેમણે માસ્ટર નવરંગ પાસે સંગીત શીખ્યા અને ત્યારબાદ આગરા ઘરાનાના અજમતહુસેનખાં, જગન્નાથબુવા પુરોહિત, નિવૃત્તિબુવા સરનાઇક, ગુલુબાઈ જસદણવાલા અને અલ્લાદિયાખાંના પૌત્ર બાબા અઝીઝુદ્દિનખાં પાસેથી શાસ્ત્રીય ગાયકીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમની ગાયકીમાં આગરા તથા અત્રોલી-જયપુર ઘરાનાની ગાયકીનું મિશ્રણ જોવા મળતું. તેમની ગાયકી આક્રમક અને પૌરુષયુક્ત ઢબની હતી. વીસમી સદીના સાતમા દાયકાને અંતે (1970) તેમણે દેશના દસ પ્રથમ પંક્તિના ગાયકોમાં સ્થાન પ્રાપ્ત કરેલું.
તેઓ પુણે તથા મુંબઈના આકાશવાણીના અને મુંબઈ-દૂરદર્શનના ‘એ’ ગ્રેડના કલાકાર હતા. 1952-59 દરમિયાન તેમણે મુંબઈ આકાશવાણીના કોંકણી વિભાગના સંગીત-સંયોજક તરીકે સેવાઓ આપી હતી.
મહારાષ્ટ્રના લોકસંગીતને નવો ઓપ આપી તેને પુનરુજ્જીવિત કરવામાં જિતેન્દ્ર અભિષેકીનો ફાળો મહત્વનો ગણાય છે; ઉપરાંત, મરાઠી નાટ્યસંગીતના ક્ષેત્રે પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના સંગીતનિર્દેશન હેઠળનાં ‘મત્સ્યગંધા’, ‘યયાતિ આણિ દેવયાની’, ‘કટ યાર કાળજાત ઘુસલી’ તથા ‘લેકુરે ઉદંડ ઝાલી’ જેવાં મરાઠી નાટકોની લોકપ્રિયતામાં આ નાટકોના સંગીતનો ફાળો મહત્વનો રહ્યો છે. આ બધાં જ નાટકોનું સંગીત શાસ્ત્રીય સંગીત પર આધારિત છે અને તેમાં ભારતીય ઉપરાંત પાશ્ચાત્ય વાદ્યોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતનાં વિભિન્ન નગરો ઉપરાંત જિતેન્દ્ર અભિષેકીએ સંગીતના કાર્યક્રમો માટે અમેરિકા તથા યુરોપના કેટલાક દેશોનો પ્રવાસ પણ ખેડ્યો હતો. શાસ્ત્રીય સંગીતની રાગ-રાગિણી પર આધારિત તેમની કૅસેટો પણ બહાર પડી છે. તેમના બહોળા શિષ્યવર્ગમાં પ્રભાકર કારેકર, રાજા કાળે તથા અજિત કડકડે વિશેષ ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે