અભિકરણ (agency) : કરાર આદિ વ્યવસ્થામાં એક પક્ષરૂપ વ્યક્તિના અધિકૃત પ્રતિનિધિ તરીકે થતો બીજી વ્યક્તિ સાથેનો વર્તાવ કે વ્યવહાર. સામાન્ય રીતે બે વ્યક્તિઓ કરાર કરે તો તે વ્યક્તિઓ જાતે જ વ્યવહાર કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો બધો જ વ્યવહાર જાતે જ કરવો જોઈએ તે જરૂરી નથી તેમ શક્ય પણ નથી. પ્રસંગ પડ્યે પોતાનું કાર્ય બીજી વ્યક્તિ પાસે કરાવવું હિતાવહ અને સરળ બને છે. બીજા માટે કાંઈ કૃત્ય કરવા અથવા ત્રીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારોમાં બીજાના પ્રતિનિધિ તરીકે વર્તવા નિમાયેલી વ્યક્તિ તે અભિકર્તા (agent) અને જે વ્યક્તિ માટે આવું કૃત્ય કરવામાં આવે અથવા આવી રીતે જેના પ્રતિનિધિ તરીકે વર્તવામાં આવે તે પ્રધાનકર્તા કહેવાય છે. આવા વ્યવહારને અભિકરણ (agency) કહેવામાં આવે છે.
અભિકર્તાનું કાર્ય પ્રધાનકર્તા અને ત્રાહિત વ્યક્તિઓ વચ્ચે કરારી સંબંધો પ્રસ્થાપિત કરવાનું છે. આમ, અભિકર્તા અભિકરણના વ્યવહારમાં પ્રધાનકર્તા અને ત્રાહિત વ્યક્તિઓ વચ્ચે કરારના સંબંધો ઉપસ્થિત કરતી એક ‘સાંકળ’ છે. સામાન્ય રીતે અભિકર્તાની નિમણૂક ચોક્કસ સૂચનાઓ આપીને કરવામાં આવે છે. અને આ સૂચનાઓની મર્યાદામાં રહીને અભિકર્તાને કાર્ય કરવાની સત્તા હોય છે. અભિકર્તાએ મર્યાદામાં રહીને કરેલાં આવાં કૃત્યો જાણે કે પ્રધાનકર્તાએ જાતે જ કર્યાં છે એમ ગણાય છે. અભિકરણનો એક સિદ્ધાંત છે કે, ‘જે બીજી વ્યક્તિ મારફત કરે છે તે જાતે જ કરે છે.’ અર્થાત્ અભિકર્તાનું કૃત્ય એ પ્રધાનકર્તાનું જ કૃત્ય ગણાય છે, જે તેને બંધનકર્તા રહે છે.
અભિકરણના સંબંધ માટે સામાન્યત: બે તત્ત્વો હોવાં જરૂરી છે : (1) પ્રધાનકર્તા અને અભિકર્તા વચ્ચે સમજૂતી, અને (2) પ્રધાનકર્તા વતી કાર્ય કરવાનો અભિકર્તાનો ઇરાદો. અભિકરણ નક્કી કરવા માટે અવેજ જરૂરી નથી. અભિકર્તાનો અધિકાર સ્વીકારવો તે તેની નિમણૂક માટે પૂરતો અવેજ છે. અભિકરણના કરારમાં જ સામાન્યત: પ્રધાનકર્તાએ અભિકર્તાને આપવામાં આવતી મહેનતાણાની રકમનો ઉલ્લેખ હોય છે.
અભિકરણના કરારોના અનેક પ્રકારો છે, જેમાં અભિકર્તાની સત્તા અને ફરજો, વેપારની રીતરસમ અને પ્રણાલિકા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જેમ કે દલાલ, વેપારી, આડતિયો, કમિશન એજન્ટ, હરાજી કરનાર આડતિયો ઇત્યાદિ. નીચેની રીતોથી અભિકરણ નિષ્પન્ન થાય છે : (1) વ્યક્ત સમજૂતીથી (2) ગર્ભિત સમજૂતીથી (3) પ્રતિબંધના સિદ્ધાંત અનુસાર (કોઈ વ્યક્તિ અભિકર્તા ન હોય છતાં તેને અભિકર્તા તરીકે જાહેર થવા દેવી) (4) જરૂરિયાતથી નિષ્પન્ન થતું અભિકરણ (કટોકટીના પ્રસંગમાં કોઈ વ્યક્તિની સંપત્તિ બચાવવા અને તેનો સંપર્ક સાધી શકાય તેવો ન હોય ત્યારે.) (5) અનુમોદનથી.
અનુમોદન એટલે શરૂઆતમાં સૂચના અને સત્તા વગર કરવામાં આવેલું કાર્ય, પાછળથી સ્વીકારવું તે. શરૂઆતમાં કરેલા અનધિકૃત કૃત્યનો પાછળથી સ્વીકાર કરવામાં આવે ત્યારે તે કૃત્ય કરતી વખતે જ અધિકૃત હતું તે જાતની પૂર્વકાલીન અસર અનુમોદનથી થાય છે. આવું અનુમોદન સ્પષ્ટ, ગર્ભિત કે વર્તણૂક દ્વારા થઈ શકે છે તે વાજબી સમયમાં થવું જોઈએ. જે વ્યવહારને પ્રધાનકર્તા અનુમોદન આપે તેની મહત્વની વિગતોની પૂરેપૂરી જાણ તેને હોવી જોઈએ. સમસ્ત વ્યવહારને જ અનુમોદન આપી શકાય, તેના કોઈ એક ભાગને નહિ. જે કાર્યનું અનુમોદન કરવાનું હોય, તે કાર્યના સમયે પ્રધાનકર્તા હયાત હોવો જોઈએ અને તે કાર્ય કરવાની સક્ષમતા ધરાવતો હોવો જોઈએ. વ્યવહાર કાયદેસરનો હોય તો જ અનુમોદન આપી શકાય. પરંતુ કોઈ ત્રીજી વ્યક્તિને નુકસાન પહોંચાડતું હોય અથવા તો તેના હક કે હિતનો અંત લાવતું હોય તો તેવા વ્યવહારને અનુમોદન આપી શકાય નહિ.
સક્ષમ વ્યક્તિ જ અભિકર્તા નીમી શકે. અર્થાત્ સગીર, ગાંડી વ્યક્તિ કે દારૂ પીધેલ વ્યક્તિ, અભિકર્તા નીમી શકે નહિ. પરંતુ પ્રધાનકર્તા અને ત્રાહિત વ્યક્તિ વચ્ચે કોઈ પણ વ્યક્તિ અભિકર્તા બની શકે. અર્થાત્ સગીર અભિકર્તા બની શકે. અભિકર્તાનો અધિકાર સ્પષ્ટ અથવા ગર્ભિત હોઈ શકે. કોઈ કૃત્ય કરવાનો અધિકાર ધરાવતા અભિકર્તાને, આવું કૃત્ય કરવા માટે જે જરૂરી હોય તે સર્વ કાયદેસર કૃત્યો કરવાનો અધિકાર હોય છે. આકસ્મિક તાકીદની પરિસ્થિતિમાં પ્રધાનકર્તાને ખોટમાંથી બચાવવા સામાન્ય ડહાપણવાળી વ્યક્તિ, પોતાના કામ બાબતમાં અનુરૂપ સંયોગોમાં જે કરે, તે સર્વકૃત્યો કરવા અભિકર્તાને અધિકાર છે.
અભિકર્તા તેની સત્તા બહારનું કૃત્ય કરે તે તેના અધિકારની અંદરના ભાગથી છૂટું પાડી શકાય તેમ હોય તો તેમાંનું તેના અધિકારની અંદર જેટલું હોય તેટલું જ ફક્ત પ્રધાનકર્તાને બંધનકર્તા છે. પરંતુ અધિકૃત અને બિનઅધિકૃત કૃત્યો આમ છૂટાં પાડી શકાય તેમ ન હોય તો તે વ્યવહારને પ્રધાનકર્તા માન્ય રાખવા બંધાયેલો નથી.
સામાન્ય નિયમ એવો છે કે અભિકર્તા ઉપ-અભિકર્તાની નિમણૂક કરી શકે નહિ. અભિકરણના ધંધા માટે મૂળ અભિકર્તાએ નીમેલી અને તેના અંકુશ નીચે વર્તતી વ્યક્તિ ઉપ-અભિકર્તા ગણાય છે. સામાન્ય સંજોગોમાં જે કાર્ય અભિકર્તાએ કરવાનું માથે લીધું હોય તે તેણે જાતે જ કરવું જોઈએ, સિવાય કે અભિકરણને લગતા ધંધા અથવા વેપારની સામાન્ય રસમ પ્રમાણે તે ઉપ-અભિકર્તા નીમી શકતો હોય; અથવા અભિકરણનું સ્વરૂપ એવું હોય કે ઉપ-અભિકર્તા નીમવાનું જરૂરી બનતું હોય; અથવા તો પ્રધાનકર્તાની પૂર્વસંમતિ મેળવી હોય; અથવા તો તાકીદના આકસ્મિક કે કટોકટીના પ્રસંગ ઊભા થયા હોય; અથવા તો ફક્ત ઔપચારિક વહીવટી કે કારકુની કામ કરવાનું હોય તેવા સંજોગોમાં ઉપ-અભિકર્તા નીમી શકાય છે.
આવા વખતે મૂળ અભિકર્તા ઉપ-અભિકર્તાની નિમણૂક કરે છે. અને તેની સલાહસૂચના મુજબ ઉપ-અભિકર્તા વર્તે છે. તે યોગ્ય રીતે નિમાયો હોય તો તે ત્રીજી વ્યક્તિની બાબતમાં પ્રધાનકર્તાનો પ્રતિનિધિ બને છે. અને પ્રધાનકર્તાએ પ્રથમથી નીમેલો અભિકર્તા હોય તે રીતે પ્રધાનકર્તા અભિકર્તાનાં કૃત્યો માટે જવાબદાર બને છે. ઉપ-અભિકર્તાનાં કૃત્યો માટે અભિકર્તા પ્રધાનકર્તાને જવાબદાર બને છે અને કપટ અથવા સ્વૈચ્છિક અપકૃત્યના પ્રસંગ સિવાય પ્રધાનકર્તાને તે જવાબદાર હોતો નથી. બીજી રીતે જોઈએ તો ઉપ-અભિકર્તા અને પ્રધાનકર્તાની વચ્ચે કરારથી પરિણમતો સીધો સંબંધ ઉપસ્થિત થતો નથી એટલે અભિકર્તાની પ્રધાનકર્તા તરફની જવાબદારી ઉપ-અભિકર્તા નીમ્યા પછી પણ કાયમ રહે છે. ઉપઅભિકર્તાએ અભિકર્તાના અંકુશ નીચે કાર્ય કરવાનું રહે છે, કારણ કે અભિકર્તા તેની નિમણૂક કરે છે. અને પોતાના કામનો થોડો ભાગ તે ઉપ-અભિકર્તાને સોંપતો હોય છે. એટલે જ ઉપ-અભિકર્તાનાં તમામ કાર્યો માટે અભિકર્તા જ જવાબદાર ગણાય છે.
જ્યારે અભિકરણના ધંધામાં પ્રધાનકર્તા તરફથી કામ કરવા બીજી વ્યક્તિને નીમવાનો સ્પષ્ટ અથવા ગર્ભિત અધિકાર ધરાવનાર અભિકર્તાએ તે અનુસાર બીજી વ્યક્તિને નીમી હોય ત્યારે આવી વ્યક્તિ ઉપ-અભિકર્તા નથી પણ અભિકરણના ધંધાનો જેટલો ભાગ તેને સુપરત કરવામાં આવ્યો હોય તેટલા માટે તે પ્રધાનકર્તાનો સીધો અભિકર્તા છે. એટલે કે તે પ્રતિસ્થાપિત (substituted) અભિકર્તા બને છે. આમ, પ્રતિસ્થાપિત અભિકર્તાની નિમણૂક બાદ મૂળ અભિકર્તાની પ્રધાનકર્તા તરફની જવાબદારી રહેતી નથી. કારણ કે પ્રતિસ્થાપિત અભિકર્તા પ્રધાનકર્તાને સીધો જવાબદાર થાય છે અને તેને મૂળ અભિકર્તાના સીધા અંકુશ નીચે કાર્ય કરવાનું હોતું નથી.
અભિકરણનો અંત બે રીતે આવે : (1) પક્ષકારના કૃત્યને કારણે, (2) કાયદાના અમલને કારણે. પક્ષકારના કૃત્યને કારણે એટલે, (1) સમજૂતીથી (2) પ્રધાનકર્તા રદ કરે ત્યારે; (3) અભિકર્તા રદ (ત્યાગ) કરે ત્યારે. કાયદાના અમલને કારણે એટલે (1) સમય પસાર થવાને કારણે; (2) ધ્યેય પરિપૂર્ણ થતાં; (3) વિષય-વસ્તુનો વિનાશ થતાં; (4) પ્રધાનકર્તા કે અભિકર્તાના મૃત્યુ કે ગાંડપણથી; (5) પ્રધાનકર્તાની નાદારીથી; (6) પ્રધાનકર્તા પરદેશી દુશ્મન બને ત્યારે; (7) ઉપ-અભિકર્તાના અધિકારનો અંત આવે ત્યારે; (8) અભિકર્તા વિરુદ્ધનો અધિકારમૂલ (title) સ્થાપે ત્યારે અને (9) પ્રધાનકર્તા અથવા અભિકર્તા કંપની હોય અને તેને આટોપી લેવામાં આવે ત્યારે.
પરંતુ નીચેના સંયાગોમાં અભિકરણનો અંત લાવી શકાય નહિ. (1) હિતસહિતનું અભિકરણ હોય. (2) અંશત: અધિકારનો ઉપયોગ થયો હોય અને (3) અભિકર્તાએ અંગત જવાબદારી ઊભી કરી હોય. આમાં હિતસહિતનું અભિકરણ એટલે કે જ્યારે અભિકર્તાને અભિકરણના વ્યવહારમાંથી મળેલ નાણાંમાંથી પોતાનું પ્રધાનકર્તા પાસેનું લેણું વસૂલ કરવાનો અધિકાર હોય ત્યારે અભિકર્તાને તે અભિકરણના વિષય-વસ્તુમાં હિત છે એમ કહેવાય.
અભિકરણના વ્યવહારમાં અભિકર્તાની મુખ્ય ફરજો: (1) સૂચન મુજબ કાર્ય કરવું, (2) યોગ્ય કુશળતા અને ઉદ્યમ દાખવવાં, (3) સમયસર યોગ્ય હિસાબો રજૂ કરવા, (4) પ્રધાનકર્તાના સંપર્કમાં રહેવું, (5) પોતાના હિસાબે ધંધો ન કરવો અને જો કરે તો તે ધંધામાંથી થયેલો નફો પ્રધાનકર્તાને સુપરત કરવો, (6) અભિકરણના ત્યાગ વખતે વાજબી નોટિસ આપવી.
અભિકર્તાના હકો આ પ્રમાણે છે : (1) મહેનતાણું મેળવવાનો હક, (2) ધારણાધિકાર(lien)નો હક, (3) નુકસાનનું વળતર મેળવવાનો હક.
અભિકરણમાં અભિકર્તા પ્રધાનકર્તા વતી કામ કરતો હોઈ, અભિકર્તાનાં કૃત્યો એ પ્રધાનકર્તાનાં જ કૃત્યો ગણાય છે. અને તે માટે પ્રધાનકર્તા જ જવાબદાર છે. અભિકર્તાની આ અંગે કોઈ અંગત જવાબદારી હોતી નથી. પરંતુ કેટલાક સંયોગોમાં અભિકર્તા અંગત રીતે જવાબદાર બને છે. જેમ કે (1) જ્યાં અભિકર્તાને અંગત જવાબદાર બનાવતો સ્પષ્ટ કરાર હોય. (2) પ્રધાનકર્તા પરદેશી નાગરિક હોય. (3) અવ્યક્ત પ્રધાનકર્તા હોય. (4) પ્રધાનકર્તા વિરુદ્ધ દાવો લાવી શકાય તેમ ન હોય. દા.ત., સગીર. (5) પ્રધાનકર્તા અસ્તિત્વમાં જ ન હોય. દા.ત., કંપનીની નોંધણી જ ન થઈ હોય. (6) જ્યારે ધંધાની રસમ એ પ્રકારની હોય. (7) જ્યાં અભિકર્તાનું અભિકરણમાં હિત સંકળાયેલું હોય. (8) ભૂલથી કે દગાથી નાણાં ચૂકવવામાં હોય. (9) અભિકર્તાએ દગો કે ગેરરજૂઆત કરી હોય. (10) ખોટી રીતે અભિકર્તા તરીકે પોતાની જાતની રજૂઆત કરી હોય. (11) અભિકર્તા પરક્રામ્ય લેખો (negotiable instruments) પર અંગત રીતે સહી કરે અને અભિકર્તા તરીકે સહી કરે છે એવી સ્પષ્ટતા ન કરે.
અભિકરણના કાયદાની જોગવાઈ ભારતીય કરાર ધારા, 1872ની કલમ 182 થી 238માં કરવામાં આવી છે.
પ્રફુલ્લ રમણલાલ દેસાઈ