અભયારણ્ય
ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ અનુસાર પર્યાવરણ અને વનસંપત્તિ તથા પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને મુક્ત વિહાર માટે રચવામાં આવેલા રક્ષિત વિસ્તારો. ભારતમાં પ્રાચીનકાળથી વન્યજીવન અને તેના સંરક્ષણને મહત્વ અપાયેલું છે. ઋષિઓના આશ્રમો પણ જંગલો વચ્ચે જ હતા, એટલે ત્યાં વનનાં પશુ-પક્ષીઓનાં કાર્ય અને સંરક્ષણની જાણકારી મળતી. કૌટિલ્ય (ઈ. પૂ. 300)ના ‘અર્થશાસ્ત્ર’માં શિકાર અંગેના નિયમોનો પ્રથમ વાર ઉલ્લેખ થયેલો જોવા મળે છે. દરેક દેવ-દેવીના વાહન તરીકે કોઈ ને કોઈ પશુપક્ષીને સ્થાન આપીને ધાર્મિક દૃષ્ટિએ પણ તેને સંરક્ષણ બક્ષેલું છે. વન્યજીવોની જાતિઓ અને વિપુલતાની દૃષ્ટિએ ભારત દેશ ઘણો જ સમૃદ્ધ છે. સમય જતાં ખેતી, ખોરાક અને રહેઠાણની સમસ્યાઓ ઊભી થતાં પશુ-પક્ષીનાં આશ્રયસ્થાનો છિનવાઈ ગયાં છે. તેમનો અમર્યાદ શિકાર થવાથી વન્યજીવનની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થયો છે. સસ્તનો(આંચળવાળાં પ્રાણીઓ)ની 66 જાતિઓ, પક્ષીઓની 38 જાતિઓ તથા ઉભયજીવ અને સરિસૃપની 18 જાતિઓ નષ્ટપ્રાય સ્થિતિમાં હોવાથી વન્યજીવન સંરક્ષણધારો 1972ના પરિશિષ્ટ–1 હેઠળ તેમને પૂરેપૂરું રક્ષણ આપવાનું જાહેર થયેલું છે. દુનિયાની દસ ટકા જેટલી સપુષ્પ વનસ્પતિની જાતિઓ પણ નષ્ટપ્રાય જાહેર થયેલી છે. ભારતમાં આવી 135 વનસ્પતિ જાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે.
દરેક જીવ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાની ક્ષમતા ધરાવે છે. જો તેમ ન કરી શકે તો તેની જાતિ કુદરતી રીતે જ નાશ પામે. કુદરતમાં થતા ફેરફારો ધીમા હોવાથી મોટાભાગના જીવ તેને અનુકૂળ થઈ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે છે. હાલને તબક્કે જોવા મળતી ઘણા બધા વન્યજીવોની નષ્ટપ્રાય હાલત માનવ દ્વારા પર્યાવરણમાં થયેલા ઝડપી ફેરફારોને લીધે છે.
માનવ, પશુ-પક્ષી અને વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય કે તેનો નાશ થાય તો તેની અસર મનુષ્યજાતિ પર પણ થયા વગર રહેતી નથી. અમુક પ્રાણી કે વનસ્પતિની જાતિ નષ્ટપ્રાય દશામાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જાય છે.
વન્યજીવન એક પ્રકારની રાષ્ટ્રીય સંપત્તિ છે, જેને પુન: સ્થાપિત કરી શકાય છે. ઔદ્યોગિક (industrial) પ્રગતિને માટે વન્ય જીવસંપત્તિનો અવિચારી ઉપયોગ થાય તે ઉચિત નથી. વન્ય જીવસંપત્તિનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલી સંપત્તિ પુન: સ્થાપિત થાય તે જરૂરનું છે. આને માટે વન્યજીવનની જાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને દેશના વિકાસની યોજના ઘડાવી જોઈએ. વન્યજીવ-સંરક્ષણનો આ મૂળ પ્રશ્ન છે.
ભારતના બંધારણના ઘડવૈયાઓએ કલમ 48 અને 51માં દેશનાં પર્યાવરણ અને વનસંપત્તિ તથા પ્રાણીસૃષ્ટિના રક્ષણ માટે સ્પષ્ટ જોગવાઈ કરેલી છે. તે માટે 1972નો વન્યપ્રાણી સંરક્ષણ ધારો ઘડેલો છે. વળી 1980માં વન્યજીવ સંરક્ષણ સમિતિએ કરેલી ભલામણ મુજબ કેન્દ્ર તથા રાજ્યકક્ષાએ પર્યાવરણ વિભાગ ખોલીને તેની દ્વારા અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યાં છે. આ જોગવાઈઓના આધારે ત્યાં વસતા વન્યજીવોને પૂરતું રક્ષણ મળે છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સજાની પણ જોગવાઈ છે.
જમીન તથા સમુદ્રના વનસ્પતિ અને પ્રાણીઓના વેપારને કારણે ઘણી જાતિઓનું અસ્તિત્વ ભયમાં મુકાયેલું હોવાથી તેને નિયંત્રિત કરવા એક આંતરરાષ્ટ્રીય સમજૂતી કરવામાં આવી છે, જેને ‘કન્વેન્શન ઑન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીશીઝ ઑવ્ વાઇલ્ડ ફૉના ઍન્ડ ફ્લોરા (સીઆઇટીઇએસ)’ કહે છે. તેને પરિણામે આયાતનિકાસનાં નાકાં પર તકેદારી રાખવા નિરીક્ષકો નિમાયેલા છે.
રાષ્ટ્રીય ઉદ્યાનો (National Parks) અને અભયારણ્યો (Sanctuaries): વાઇલ્ડ લાઇફ ઍક્ટ, 1972 હેઠળ રાજ્ય સરકારને પર્યાવરણના રક્ષણ કે વિકાસ માટે અથવા તેના વન્યજીવનની જાળવણી અર્થે રાજ્યના કોઈ પણ પ્રદેશને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે જાહેર કરવાની સત્તા મળે છે. દેશમાં અત્યારે 448 અભયારણ્યો અને 88 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે જેમાં દેશના ભૌગોલિક વિસ્તારના 4.2 ટકા એટલે કે 148,849 ચોકીમી. વિસ્તાર આવરી લેવાયો છે. આમાં હજી વધુ 59 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 184 અભયારણ્યો ઉમેરવાનું સૂચન થયેલું છે. જેનાથી દેશનો 5.6 ટકા વિસ્તાર (1,83,574 ચોકીમી) આરક્ષિત થઈ શકશે.
બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી; કેટલાંક નષ્ટપ્રાય જાતિઓની જાળવણી માટે જાહેર કરાયેલાં છે. જેમ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર(black buck)ની જાળવણી માટે વગેરે. કાન્હા તથા કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનો ત્યાંના વન્યજીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે તથા ઘાના પક્ષી અભયારણ્ય તેની પક્ષીવિવિધતા માટે જગમશહૂર છે.
રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વચ્ચે રહેઠાણવ્યવસ્થા(habitat management)ની દૃષ્ટિએ નીચે પ્રમાણે ભેદ છે :
રાષ્ટ્રીય ઉદ્યાન : (1) કુદરતી વાતાવરણમાં વન્યજીવસંરક્ષણના જ ચોક્કસ હેતુસર અનન્ય ધારાકીય સ્થિતિ. (2) માનવ-વસવાટ, ચરિયાણ તથા જંગલને લગતી કામગીરી સંપૂર્ણ પ્રતિબંધિત (3) વન્યજીવસંરક્ષણ અને વિકાસ અર્થે નાણાં અને કર્મચારીઓની વધુ સગવડ. (4) કુદરતી દૃશ્યો અને વન્યજીવનિરીક્ષણ માટે પર્યટન નિયંત્રિત.
અભયારણ્ય : (1) વન્યજીવવ્યવસ્થાને લગતી ધારાકીય સ્થિતિ મજબૂત ખરી, પણ અનન્ય નહિ. (2) અંશત: માનવવસવાટ, મર્યાદિત ચરિયાણ અને જંગલને લગતી કામગીરી થઈ શકે. (3) વન્યજીવવ્યવસ્થા માટે નાણાં અને કર્મચારીઓની સુવિધા સાધારણ. (4) વન્યજીવદર્શન માટે પર્યટનની સુવિધા. (5) સમય જતાં અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થિતિ સુધી લઈ જવાનો મોકો મળી શકે.
વિવિધ રાજ્યોમાં આવેલાં વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો :
ગુજરાત : ગુજરાત રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર 95,984 ચોકિમી. છે. ગુજરાતમાં 40 સસ્તન જાતિઓ તથા 425 પક્ષીજાતિઓ સંરક્ષણની અગત્ય ધરાવતી હોવાથી 21 વન્યજીવ અભયારણ્યો તથા 4 રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરાયાં છે; જેમાં 16,900.8 ચોકિમી.નો વિસ્તાર આવરી લેવાયો છે. દેશનું સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કચ્છના અખાતમાં જાહેર કરાયેલું છે. આ ઉપરાંત રાજકોટથી 60 કિમી. દૂર, જસદણ પાસે, શાળાનાં બાળકો વન્યજીવને જોઈ શકે તથા તેનો અભ્યાસ કરી શકે તે હેતુસર હિંગોળગઢ પ્રકૃતિશિક્ષણ અભયારણ્ય પણ સ્થાપવામાં આવેલું છે.
ગીર વન્યજીવ-અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન : આ અભયારણ્ય જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢથી 64 કિમી. દૂર અને વેરાવળથી 32 કિમી.ના અંતરે આવેલું છે. તેનો કુલ વિસ્તાર 1412 ચોકિમી. છે, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનના 258.71 ચોકિમી.નો સમાવેશ થાય છે. એશિયાના સિંહ અહીં વસે છે. આ જંગલમાં ઘાસ પણ વિપુલ પ્રમાણમાં થતું હોઈ અહીં માલધારીઓ પણ વસવાટ કરે છે, જેમને અન્યત્ર વસાવવાની કામગીરી પણ રાજ્યનું જંગલખાતું સંભાળે છે. ગીરના વન્યજીવ-અભયારણ્યના જીવોની જાળવણી અર્થે પથ્થરની દીવાલ બનાવવામાં આવેલી છે.
અહીં આવતા દેશ-પરદેશના પર્યટકો સિંહદર્શન કરી શકે તે માટે સાસણ પાસે દેવળિયા સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે જે ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન કહેવાય છે. આ પાર્ક 412 હેક્ટરમાં પથરાયેલો છે અને તેની આસપાસ જાળી લગાવવામાં આવી છે. પર્યટકો પાસેથી ફી લઈ પાર્કનું વાહન પાર્કમાં ફેરવે છે; ગીરમાં જોવા મળતાં લગભગ બધી જ જાતનાં વન્યજીવ અહીં જોવા મળી શકે છે. પાર્ક બુધવારે બંધ રહે છે. પર્યટકોને રહેવાની સુવિધા સાસણમાં છે, જે રાજકોટ તથા કેશોદથી અનુક્રમે 166 અને 86 કિમી. દૂર છે. આ બંને સ્થળે વિમાનઘર છે. વેરાવળ રેલવે સ્ટેશનથી સાસણ 32 કિમી. દૂર છે. વન્યજીવો નિહાળવા માટેનો ઉત્તમ સમય જાન્યુઆરીથી મે માસનો છે. (સંપર્ક : સેંક્ચુઅરી સુપરિન્ટેન્ડેન્ટ, ગીર લાયન સેંક્ચુઅરી, સાસણ, જિલ્લો જૂનાગઢ અને કૉન્ઝર્વેટર ઑવ્ ફૉરેસ્ટ્સ, વાઇલ્ડ લાઇફ સર્કલ, સરદાર બાગ, જૂનાગઢ.)
ગીર અભયારણ્યમાં જોવા મળતાં પ્રાણીઓમાં સિંહ ઉપરાંત દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભૂંડ, વાંદરાં, ઝરખ અને વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે.
2020માં સિંહોની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો હતો. ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 હતી. એ પહેલાં 2015માં સિંહોની સંખ્યા 523 હતી. પુખ્ત નર સિંહો 161, પુખ્ત માદા 260 અને સિંહ બાળ 137 તેમજ પાઠડા નર સિંહ 45, માદા 71 હોવાનું વસ્તીગણતરી અહેવાલમાં નોંધાયું છે.
પ્રાણીઓની સંખ્યામાં થતા વધારા કે ઘટાડાને જાણવા માટે અમુક વર્ષને અંતરે તેમની વસ્તી-ગણતરી કરવામાં આવે છે. ગીર અભયારણ્યનાં પ્રાણીઓની વસ્તી-ગણતરી નીચે મુજબ છે :
પ્રાણી | ગણતરી વર્ષ | ગણતરી વર્ષ | ગણતરી વર્ષ | ગણતરી વર્ષ |
1974 | 1979 | 1985 | 1990 | |
સિંહ (નર) | 53 | 65 | 66 | 99 |
સિંહ (માદા) | 77 | 82 | 75 | 122 |
સિંહ (બચ્ચાં) | 50 | 58 | 98 | 63 |
દીપડા | 155 | 161 | 201 | 212 |
ઝરખ | 71 | 84 | 192 | 97 |
ચિત્તલ | 4,517 | 8,431 | 10,466 | 8,085 |
સાબર | 706 | 760 | 772 | 404 |
નીલગાય | 1,528 | 2,033 | 2,081 | 771 |
ચૌશિંગા | 979 | 1,042 | 1,063 | 76 |
ચિંકારા | 195 | 330 | 371 | 337 |
વાંદરા | 3,938 | 6,895 | 6,912 | 2567 |
જંગલી ભૂંડ | 1,922 | 2,365 | 2,212 | 505 |
અભયારણ્યમાં ઘુડખરનાં ટોળાં ઉપરાંત નીલગાય, ચિંકારા, કાળિયાર, વરુ જેવાં પશુઓ અને ઘોરાડ જેવાં પંખીઓ દૃષ્ટિગોચર થાય છે. જંગલ ખાતા તરફથી ઘુડખર માટે પીવાના પાણીની, ઘાસચારાની તથા સારવારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ પશુઓની વસ્તી–ગણતરીની વિગતો નીચે મુજબ છે :જંગલી ગધેડા(ઘુડખર)નું અભયારણ્ય : જંગલી ગધેડો (wild ass), જેને સ્થાનિક લોકો ઘુડખર કહે છે તે કચ્છના નાના રણનું પ્રાણી છે. આ અભયારણ્ય 4,953.70 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. સુરેન્દ્રનગરથી હળવદ તરફ કચ્છના નાના રણમાં આડેસર, નાંદાબેટ, મેડકબેટ વગેરે સ્થળે ઘુડખરને નિહાળી શકાય છે. તેમને નિહાળવાનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીથી મેનો ગણાય. ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહ ઉપલબ્ધ છે. (સંપર્ક : સેંક્ચુઅરી સુપરિન્ટેન્ડેન્ટ, જંગલી ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા, જિલ્લો : સુરેન્દ્રનગર.)
પ્રાણી | ગણતરી વર્ષ 1976 | ગણતરી વર્ષ 1983 |
ઘુડખર | 720 | 1,989 |
નીલગાય | 96 | 687 |
વરુ | 61 | 65 |
કાળિયાર | 9 | 3 |
ચિંકારા | 191 | 906 |
અન્ય | 114 | 522 |
1983ની વસ્તી-ગણતરીમાં કચ્છના નાના રણ ઉપરાંત કચ્છના મોટા રણના કેટલાક ભાગનાં પ્રાણીઓનો પણ ઉપર સમાવેશ થયેલો છે.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન : કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન(વિસ્તાર 17.83 ચોકિમી.)નું મુખ્ય પ્રાણી કાળિયાર છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં, ભાવનગરથી 65 કિમી. દૂર વેળાવદર પાસે આવેલા આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થતાં ઘાસ અને ગાંડા બાવળનાં વૃક્ષો કાળિયારને ખોરાક તથા રહેઠાણ પૂરું પાડે છે. કાળિયાર ઉપરાંત અહીં વરુ પણ જોવા મળે છે. કાળિયારની વસ્તીગણતરી :
કાળિયાર | ગણતરી વર્ષ 1977 |
ગણતરી વર્ષ 1983 |
સમગ્ર ગુજરાતમાં 1983ની ગણતરી |
વર્ષ 1994 |
નર | 369 | 385 | 810 | 432 |
માદા | 1,124 | 826 | 1,891 | 792 |
બચ્ચાં | 183 | 7 | 422 | 121 |
કુલ | 1,676 | 1,218 | 3,123 | 1,345 |
નળસરોવર પક્ષી અભયારણ્ય : આ અભયારણ્ય (વિસ્તાર 115 ચોકિમી.) સુરેન્દ્રનગર જિલ્લામાં, સાણંદથી 35 કિમી. આવેલું છે. અહીં અનેક પ્રકારનાં યાયાવર (migratory) પક્ષીઓ જેવાં કે બગલાં, બતક, ચમચો (spoon bill), બાજ વગેરે જોવા મળે છે. નિરીક્ષણ માટેનો ઉત્તમ સમય નવેમ્બરથી જાન્યુઆરીનો છે. નળસરોવર ખાતે વનવિભાગનું શ્રેષ્ઠ વિશ્રામગૃહ છે તથા પક્ષીઓના નિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓની વ્યવસ્થા પણ છે. (સંપર્ક : રેન્જ ફૉરેસ્ટ ઑફિસર, નળસરોવર પક્ષી અભયારણ્ય, મુ. વેકરિયા, પોસ્ટ : સાણંદ, જિ. અમદાવાદ.)કાળિયાર નિહાળવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી મે માસ સુધીનો છે. વેળાવદરમાં રહેવાની વ્યવસ્થા છે. (સંપર્ક : રેન્જ ફૉરેસ્ટ ઑફિસર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, મુ. વેળાવદર, પોસ્ટ : વલભીપુર, જિ. ભાવનગર.)
ઉપરનાં ચાર અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરાંત ગુજરાત રાજ્યમાં નીચે મુજબનાં અભયારણ્યો (અ)/ રાષ્ટ્રીય ઉદ્યાનો (રા.ઉ.) છે. (1) રીંછ અ., જેસોર (જિ. બનાસકાંઠા), (2) બરડાસિંહ અ., રાણાવાવ (જિ. જૂનાગઢ), (3) રતનમહાલ રીંછ અ., રતનમહાલ. (જિ. દાહોદ). (4) ખીજડિયા પક્ષી અ., ખીજડિયા (જિ. જામનગર), (5) નારાયણ સરોવર અ., નારાયણ સરોવર (કચ્છ), (6) દરિયાઈ અ./રા.ઉ., જામનગર, (7) શૂલપાણેશ્વર (જિ. ભરૂચ) (8) પ્રકૃતિશિક્ષણ અ., હિંગોળગઢ (જિ. રાજકોટ), (9) વાંસદા રા. ઉ., વાંસદા (જિ. વલસાડ). (10) મોટું રણ (કચ્છ), (11) ઘોરાડ અ. (કચ્છ), (12) ચંચઈ-પાણીયા અ. (ગીર પાસે), (13) રામપરા અ. (રાજકોટ), (14) પોરબંદર પક્ષી અ. (પોરબંદર), (15) ઘોરાડ-ગાગા અ. (જામનગર), (16) બાલારામ-અંબાજી અ. (બનાસકાંઠા), (17) જાંબુઘોડા અ. (પંચમહાલ), (18) થોળ પક્ષી અ. (મહેસાણા), (19) પૂર્ણા અ. (સૂરત)
ઘાના પક્ષી અભયારણ્ય : ઘાના પક્ષી અભયારણ્ય (વિસ્તાર 29 ચોકિમી.) રાજસ્થાનમાં આવેલું છે. ભરતપુરથી લગભગ 2 કિલોમીટર દૂર, આગ્રાથી 50 કિમી. અને મથુરાથી 35 કિમી. અંતરે આવેલું છે. એક રીતે આખું અભયારણ્ય મોટું સરોવર જ છે, જેમાં અનેક રસ્તા બનાવેલા હોવાથી નાનાં નાનાં તળાવોના સમૂહ જેવું લાગે છે. આ રસ્તાઓને કારણે સરોવરના કોઈ પણ ખૂણે આસાનીથી પહોંચી શકાય છે. ચોમાસા અને શિયાળા દરમ્યાન લગભગ 500 હેકટર જેટલા વિસ્તારમાં પાણી ભરાયેલાં રહે છે અને પાણી-નિયંત્રણ માટેના દરવાજાઓ વડે ઊંડાઈ નિયંત્રિત કરી 1.5 મીટર જેટલી રાખવામાં આવે છે, જે પક્ષીઓને વધુ અનુકૂળ હોય છે. ઉનાળામાં પાણી સુકાતાં જાય છે તેમ તેમ પક્ષીઓની સંખ્યા પણ ઘટતી જાય છે.
ઘાના પક્ષી-અભયારણ્ય તેનાં જળચારી પક્ષીઓ અને આસપાસનાં જંગલના વન્યજીવોને કારણે દુનિયાનું એક અદ્વિતીય અભયારણ્ય ગણાય છે. આ વિસ્તાર જંગલની મધ્યમાં આવેલા કેવલદેવના મંદિરને લીધે તેને કેવલદેવ તેમજ અહીં ગીચ (ઘના) વનસ્પતિ હોવાથી ઘનાઘાના કહેવાયું અને છેવટે કેવલદેવ ઘાના પક્ષી અભયારણ્ય નામ પડ્યું જણાય છે.
આ પક્ષી-અભયારણ્યમાં વિવિધ પ્રકારનાં જળચર પક્ષીઓ રહેતાં હોવાથી અગાઉ રાજા-મહારાજાઓ તેમજ અંગ્રેજો તેમનો શિકાર કરતા અને તેની હરીફાઈ પણ થતી. 1902થી 1964ની સાલ સુધીની થયેલી આવી હરીફાઈઓની નોંધ પણ છે. વન્યજીવ-સંરક્ષણને લગતો કાયદો ઘડાયા પછી અહીં શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
તળાવની આસપાસ બાવળ, ખીજડી, બોર અને ખજૂરીનાં અનેક વૃક્ષો આવેલાં છે, જે પક્ષીઓને બેસવા તથા પ્રજનન માટે ખૂબ અનુકૂળ છે. અહીં કુલ 64 પ્રકારની વનસ્પતિના વંશ જોવા મળે છે, જેને કારણે પક્ષીઓ ઉપરાંત અન્ય ઘણા વન્યજીવો વસવાટ કરે છે; જેવાં કે વાંદરાં, જંગલી બિલાડી, મચ્છીમાર બિલાડી (fishing cat), વણિયર (civet), નોળિયો, ઝરખ, શિયાળ, લોંકડી, શેળો, શાહુડી, કાળિયાર, ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી ભૂંડ, અજગર વગેરે. અહીં પાણીમાં કટલાં, રોહુ, મ્રીગલ, કલબાસુ વગેરે માછલીઓ મોટા પ્રમાણમાં થાય છે, જે પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે.
અહીં કાયમી વસવાટ કરતાં બગલાં, બતક, કાંકણાસાર પ્રકારની અનેક પક્ષીજાતિઓ ઉપરાંત અનેક પ્રકારનાં યાયાવર પક્ષીઓ પણ શિયાળો ગાળવા આવે છે. આવાં યાયાવર પક્ષીઓનો અભ્યાસ જાણીતા પક્ષીશાસ્ત્રી ડૉ. સલિમ અલીએ પક્ષીઓના પગે ઍલ્યુમિનિયમની વીંટી પહેરાવીને કરેલો છે. આવાં પક્ષીઓ છેક રશિયા તથા ઈરાનમાંથી ફરી વાર પકડાયાં હતાં. બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી દ્વારા આ પ્રકારનાં સંશોધનો અવારનવાર હાથ ધરાતાં રહે છે. સાઇબેરિયન ક્રેન (siberian crane) સહિત અહીં કુલ 110 પ્રકારનાં યાયાવર પક્ષીઓની જાતિઓ નોંધાઈ છે. અહીં કુલ 322 પક્ષીજાતિઓ નોંધાયેલી છે.
આ અભયારણ્યમાં આવવા માટે ભરતપુર સ્ટેશન નજીકનું સ્થળ છે. રહેવાની સગવડ ઉપરાંત પક્ષીઓ ઓળખવા માટે ભોમિયો પણ મળી શકે છે. પક્ષીઓ નિહાળવાનો શ્રેષ્ઠ સમય ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો ગણાય છે. [સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, ભરતપુર (રાજસ્થાન)].
સરિસ્કા અભયારણ્ય : રાજસ્થાનમાં અલવર જિલ્લામાં (વિસ્તાર 195 ચોકિમી.) તા. 5-8-’59ના રોજ અભયારણ્ય તરીકે જાહેર થયેલું છે. તે જયપુરથી 108 કિમી. અને અલવરથી 21 કિમી. ના અંતરે આવેલું છે.
અહીંના વન્યજીવોમાં મુખ્યત્વે વાઘ, દીપડા, ઝરખ, જંગલી બિલાડી, વણિયર, સાબર, ચિંકારા, નીલગાય, ચૌશિંગા, તેતર, હરેવા (green pigeon) વગેરેનો સમાવેશ થાય છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, સરિસ્કા, વાયા શાહપુર, જિ. અલવર. જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર સિવાય આખું વર્ષ વન્યજીવ નિરીક્ષણ કરી શકાય છે.)
વનવિહાર રામસાગર અભયારણ્ય : (વિસ્તાર 59 ચોકિમી.) રાજસ્થાન રાજ્યમાં ભરતપુર જિલ્લામાં આવેલું છે. અહીં નીલગાય, ચિત્તલ, સાબર, દીપડા, વાઘ, જંગલી ભૂંડ, સસલાં તથા તેતર મુખ્ય વન્યજીવ છે, જેમને નિહાળવા માટે જુલાઈથી સપ્ટેમ્બર સિવાયનો વર્ષનો સમય સારો ગણાય છે. આ સ્થળ આગ્રાથી 75 કિમી. અને ધોલપુરથી 20 કિમી.ના અંતરે છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, ભરતપુર.)
આ ત્રણ ઉપરાંત રાજસ્થાનમાં અન્ય 10 અભયારણ્યો/રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જે નીચે મુજબ છે : (1) વાઘ સુરક્ષણ, રણથંભોર (જિ. સવાઈ માધોપુર), (2) દરાહ અ., કોટા, (3) જય સમંદ અ., ઉદેપુર, (4) માઉન્ટ આબુ અ., માઉન્ટ આબુ (સિરોહી), (5) તાલછાપર અ., સુજાનગઢ (ચુરૂ), (6) કુંભાલગઢ – રાણકપુર અ., ઉદેપુર, (7) જવાહરનગર અ., કોટા, (8) ડોલી આરક્ષિત વિસ્તાર, જોધપુર (Doli closed area). (9) સીતામાતા અ., ઉદેપુર (10) રણ અ., જેસલમેર તથા બારમેર.
દાચીગામ વન્યજીવ અભયારણ્ય : (વિસ્તાર 55 ચોકિમી.) જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરથી 26 કિમી. ના અંતરે આવેલું છે. તેનાં મુખ્ય પ્રાણીઓમાં દીપડા, કાળાં અને બદામી રીંછ, કસ્તુરીમૃગ, હેન્ગુલ (hangul), સેરો (serow) અને બર્ફીલા પ્રદેશના દીપડા(snow leopard)નો સમાવેશ થાય છે.
દાચીગામ અભયારણ્યમાં જોવા મળતું હેન્ગુલ સીમિત છે. હેન્ગુલ (Cervus elephus hangul) યુરોપના લાલ હરણને મળતી આવતી હરણની એક જાત છે. હેન્ગુલ અત્યારે નષ્ટપ્રાય ગણવામાં આવે છે. 1940ની સાલમાં તેમની સંખ્યા 3,000ની હતી જે 1970ની સાલ સુધીમાં ઘટીને 140થી 170ની થઈ ગયેલી. તેની 1970 સાલમાં /UCN/WWF ના ઉપક્રમે હેન્ગુલનાં પરિયોજના (The Project Hangul) હાથ ધરવામાં આવી અને હેન્ગુલના બચાવ માટે પ્રયત્નો આરંભાયા, જેને પરિણામે માર્ચ 1980માં તેની સંખ્યા વધીને 347ની થઈ છે.
દાચીગામ અભયારણ્યના વન્યજીવોના નિરીક્ષણ માટેનો ઉત્તમ સમયગાળો એપ્રિલથી નવેમ્બરનો છે. (સંપર્ક : ડિરેક્ટર, ગેઇમ ઍન્ડ ફિશિઝ, શ્રીનગર)
જમ્મુ-કાશ્મીરમાં દાચીગામ ઉપરાંત (1) રાજ પરીઆન, (2) શંકરાચારી અને (3) ચુમ્ની બાસીન અભયારણ્યો આવેલાં છે.
કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન : ખૂબ જ જાણીતા શિકારી અને પ્રાણીપ્રેમી જિમ કૉર્બેટના નામ પરથી ઓળખાતું આ રાષ્ટ્રીય ઉદ્યાન (વિસ્તાર 525 ચોકિમી.) ઉત્તર પ્રદેશમાં આવેલું છે. વાઘને બચાવવા માટે જ્યારે વાઘ પરિયોજના (The Project Tiger) શરૂ કરવામાં આવી ત્યારે વાઘની વસ્તી ધરાવતાં દેશનાં બીજાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સાથે કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને પણ આ યોજનાનો લાભ મળેલો. કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યપ્રાણીઓની વિવિધતા અને વિપુલતાને લીધે પર્યટકોને તે વિશેષ આકર્ષે છે. આ ઉદ્યાનમાં વાઘ ઉપરાંત હાથી, દીપડા, રીંછ, નીલગાય, સાબર, ચિત્તલ, જંગલી ભૂંડ, શાહુડી, મોર, લાલ જંગલી કૂકડો (red jungle fowl), તેતર, ગોરલ, ચૌશિંગા તથા નદીમાં મગર જોવા મળે છે. 1972ની સાલમાં અહીં વાઘની વસ્તી 44 હતી જે 1976માં વધીને 55ની થઈ હતી.
નૈનિતાલ અને ગઢવાલ બંને જિલ્લાઓમાં આવેલું આ ઉદ્યાન રામનગર રેલવે સ્ટેશનથી 50 કિમી. દૂર છે. નિરીક્ષણ માટેનો ઉત્તમ સમય નવેમ્બરથી મે માસનો ગણાય છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, રામનગર (નૈનિતાલ).)
ચંદ્રપ્રભા અભયારણ્ય : ઉત્તર પ્રદેશમાં આવેલું આ અભયારણ્ય (વિસ્તાર 78 ચોકિમી.) વારાણસીથી 65 કિમી. ના અંતરે છે. અહીંની પ્રાણી-સમૃદ્ધિમાં વાઘ, દીપડા, સાબર, ચિંકારા, રીંછ, નીલગાય, મોર, તેતર વગેરેનો સમાવેશ થાય છે. તેમને નિહાળવા માટે સપ્ટેમ્બરથી મે માસ દરમ્યાન જઈ શકાય. (સંપર્ક : ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર, વારાણસી.)
ઉત્તર પ્રદેશમાં ઉપરનાં બે ઉપરાંત બીજાં 12 અભયારણ્યો આવેલાં છે : (1) દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન (જિ. લખીમપુર), (2) ગોવિંદ પશુવિહાર (ઉત્તરકાશી), (3) નંદાદેવી (ચમોલી), (4) રાજાજી (સહરાનપુર), (5) મોતીચુર (દહેરાદૂન), (6) કિશાનપુર (લખીમપુર/ખેરી), (7) કેદારનાથ (ચમોલી), (8) કતારનિયા ઘાટ (બહરાઈચ), (9) રાણીપુર (બાંદા), (10) ચીલા (ગઢવાલ), (11) મહાવીર સ્વામી (લલિતપુર), (12) ચંબલ (લલિતપુર).
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન : કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન (વિસ્તાર 940 ચોકિમી.) મધ્ય પ્રદેશમાં આવેલું ખૂબ જાણીતું ઉદ્યાન છે. તે જબલપુરથી 170 કિમી.ના અંતરે આવેલું છે. આ ઉદ્યાનમાં સાતપુડા અને વિંધ્યાચલની 500 કિમી. જેટલી લાંબી ગિરિમાળાઓ ફેલાયેલી છે. અહીં સાગ અને વાંસનાં ગાઢાં જંગલો આવેલાં છે, તથા આ ઉદ્યાનને પણ વાઘ પરિયોજનાનો લાભ મળેલો છે. અહીં 1973 અને 1981ની સાલમાં મુખ્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવેલી જે નીચે પ્રમાણે છે :
પ્રાણી | વસ્તીગણતરી 1973 | વસ્તીગણતરી 1981 |
વાઘ | 43 | 83 |
દીપડા | 30 | 54 |
ચિત્તલ | 9,000 | 17,072 |
સાબર | 1,050 | 1,712 |
બારાસિંગ | 118 | 451 |
જંગલી ભૂંડ | 1,570 | 5,112 |
ગૌર (એક પ્રકારની જંગલી ભેંસ) | 550 | 421 |
1976ની સાલમાં ગૌર(Bos gauras)ની વસ્તીમાં પશુ પ્લેગ (rinder pest) નામનો રોગ ફેલાઈ ગયેલો, જેના કારણે ગૌરની સંખ્યામાં એકાએક ઘટાડો નોંધાયો હતો.
ઉપરનાં પ્રાણીઓ ઉપરાંત પણ અહીં બીજા વન્યજીવ જોવા મળે છે, જેવા કે મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, વાંદરાં, ધોલ કે જંગલી કૂતરા, ઝરખ, શિયાળ, રીંછ વગેરે, અને પક્ષીઓની લગભગ 200 જાતિઓ અહીં દૃષ્ટિગોચર થાય છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનવિભાગના સફળ સંચાલનને પરિણામે અને વન્યજીવોની રહેઠાણ વ્યવસ્થામાં સુધારો થવાને કારણે તેમની સંખ્યામાં ખાસ્સો વધારો નોંધાયો છે; તેથી જંગલ અને વન્યજીવોની વ્યવસ્થા માટે આ ઉદ્યાન રાષ્ટ્રમાં જાણીતું થયેલું છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનને વાયરલેસ નેટવર્કથી સજ્જ કરવામાં આવેલું છે, તથા 150 જેટલાં નાકાંઓ પર ચોકિયાતો ગોઠવવામાં આવેલા છે, જેથી જંગલ કાપવાનું કે પ્રાણીનો શિકાર કરવાનું ગેરકાયદેસર કાર્ય કોઈ કરી ન શકે. નાનામોટા અનેક બંધ બાંધી ઉનાળા માટે પ્રાણીઓને પીવાના પાણીની અહીં વ્યવસ્થા કરાઈ છે. પ્રાણી-સમૃદ્ધિના નિરીક્ષણ માટે માર્ચથી જૂન માસનો સમય યોગ્ય છે. (સંપર્ક : ફિલ્ડ ડિરેક્ટર, કાન્હા, મન્ડલા (મધ્ય પ્રદેશ).)
શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન : મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલું આ પણ એક સુંદર રાષ્ટ્રીય ઉદ્યાન છે (વિસ્તાર 156 ચોકિમી.) જે ઝાંસીથી 97 અને ગ્વાલિયરથી 120 કિમી.ના અંતરે આવેલું છે. અહીંના વન્ય જીવોમાં વાઘ, દીપડા, રીંછ, ઝરખ, સાબર, ચિત્તલ, ચૌશિંગા, કાળિયાર, નીલગાય, ચિંકારા, જંગલી ભૂંડ, મગર વગેરેનો સમાવેશ થાય છે. (સંપર્ક : ડિરેક્ટર, શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન, શિવપુરી, નિરીક્ષણ માટે જાન્યુઆરીથી જૂન માસ યોગ્ય છે.)
આ બે રાષ્ટ્રીય ઉદ્યાનો ઉપરાંત મધ્ય પ્રદેશમાં અન્ય અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો નીચે મુજબ છે : (1) બાંધવગઢ રા. ઉ., શાહડોલ (જિ. ઉમરિયા), (2) બોરી વન્યજીવ અ., હોશંગાબાદ (ઇટારસી), (3) કુટી જંગલી ભેંસ, બસ્તર (જગદાલપુર-બસ્તર), (4) તામોર પિગ્લા અ., સારગુજા (અંબિકાપુર), (5) સેમારસોટ અ., સારગુજા (અંબિકાપુર), (6) પન્ના અ., પન્ના (પન્ના), (7) ગોમર્ધ અ. (રાયગઢ), (8) બદાલખોલ અ., બદાલખોલ, (રાયગઢ), (9) બરનાવાપરા અ. (રાયપુર), (10) સીરપુર પક્ષી અ. (રાયપુર), (11) સીતાનંદી અ., સીતાનંદી (રાયપુર), (12) નોરાદેહી અ., નોરાદેહી (સાગર), (13) નરસિંહગઢ અ. (સીધી) (રાયગઢ), (14) દુલારી અ. (15) બાગદારા અ. (સીધી), (16) પંચમઢી અ., પીપળિયા (હોશંગાબાદ), (17) અચનાકમાર અ., કિરગીરોડી (બિલાસપુર), (18) રાતાપાણી અ., ઓબેદુલ્લાગંઝ (રાઈસેન), (19) પંચ અ. (ચિંદવાડા, શિવની), (20) સીંધારી અ. (રાઈસેન), (21) ગંડી સાગર અ. (મંદસોર), (22) ખેવની અ. (દેવાસ), (23) રાષ્ટ્રીય ચંબલ અ. (મોરેના).
તાડોલા રાષ્ટ્રીય ઉદ્યાન : આ રાષ્ટ્રીય ઉદ્યાન (વિસ્તાર 116.55 ચોકિમી.) મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લામાં આવેલું છે. અહીંના વન્યજીવોમાં વાઘ, દીપડા, રીંછ, મોર, સાબર, ચિત્તલ, નીલગાય, ચિંકારા, મગર વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળ ચંદ્રપુરથી 45, વરોરથી 56 અને સોનગાંવ(નાગપુર)થી 208 કિમી.ના અંતરે આવેલું છે. નિહાળવાનો યોગ્ય સમય મે-જૂન માસ છે. (સંપર્ક : વિભાગીય જંગલ અધિકારી (D.F.O.) ચંદ્રપુર.)
બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન : મુંબઈની નજીક આવેલું આ ઉદ્યાન (વિસ્તાર 67.977 ચોકિમી.) બોરીવલી રેલવે સ્ટેશનથી 3 કિમી. ના અંતરે આવેલું છે. અહીં દીપડા, સાબર, ચૌશિંગા, ચિત્તલ, માઉસ ડિયર (mouse deer), જંગલી ભૂંડ, વાંદરાં તથા જળચર પક્ષીઓ જોવા મળે છે. નિરીક્ષણ સમય જાન્યુઆરીથી માર્ચ યોગ્ય છે. (સંપર્ક : ડી. એફ. ઓ., બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન, બોરીવલી, મુંબઈ.)
આ સિવાય મહારાષ્ટ્ર રાજ્યમાં અન્ય બે રાષ્ટ્રીય ઉદ્યાનો અને દસ અભયારણ્યો આવેલાં છે, જે નીચે મુજબ છે : (1) પંચ રા. ઉ., સોનેગાંવ (નાગપુર), (2) નવેગાંવ રા. ઉ., દેવળગાંવ (ભંડારા), (3) ધાંકણા-કોલકજ અ. (જિ. અમરાવતી) (વાઘપરિયોજના), (4) યાવલ વન્યજીવ અ., રાવર (જલગાંવ), (5) રાધાનગરી (જંગલી ભેંસ) અ. (કોલ્હાપુર), (6) કર્નાળા પક્ષી અ., નવેલ (રાયગઢ), (7) તાનસા વન્યજીવ અ., અટગાંવ (થાણે), (8) નાગજીરા વન્યજીવ અ., ગોંગલે (ભંડારા), (9) બોર વન્યજીવ અ., વર્ધા, (10) કીણવટ વન્યજીવ અ., કીણવટ (યવતમાલ), (11) ઘોરાડ અ. (Great Indian Bustard) અહમદનગર. (12) દુઅલગાંવ દેહકુરી અ.
હજારીબાગ વન્યજીવ અભયારણ્ય : બિહાર રાજ્યમાં કુલ 15 અભયારણ્યો આવેલાં છે તે પૈકી એક હજારીબાગ જિલ્લાનું હજારીબાગ વન્યજીવ અભયારણ્ય છે. (વિસ્તાર 186.25) ચોકિમી.) તેના અગત્યના વન્યજીવોમાં વાઘ, દીપડા, સાબર, ચિત્તલ, નીલગાય, જંગલી ભૂંડ, જંગલી બિલાડી, મોર વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળ રાંચીથી 115 અને કોદરમાથી 50 કિમી.ના અંતરે આવેલું છે. નિરીક્ષણનો યોગ્ય સમય ઑક્ટોબરથી જૂન છે. (સંપર્ક : વિભાગીય જંગલ અધિકારી, હજારીબાગ, પશ્ચિમ વિભાગ)
બિહાર રાજ્યનાં અભયારણ્યો નીચે મુજબ છે : (1) ભીમબંધ, જામુઈ (મોંઘીર), (2) મહુદાવર, ચીપાદોહર (ડાલ્ટનગંજ), (3) દાલમાં, જમશેદપુર, (4) પલેમાઉ ચીપાદોહર (ડાલ્ટનગંજ), (5) ગૌતમબુદ્ધ, ગયા, (6) રાજગીર, રાજગીર (પટણા), (7) તોપચાનાહી, ધનબાદ, (8) લાવાલગ (હજારીબાગ), (9) લાનાઉલ, મદનપુર અને ઉદયપુર, બગાહા (ચંપારણ્ય), (10) કૈમુર, સસારામ (રોહતાસ), (11) બમિયાબારુ, સોનુઆ (સીંગભૂમ), (12) તાબો, ચક્રાધાર (સીંગભૂમ), (13) કોદારમા, દોદારમા (હજારીબાગ), (14) વાલ્મીકિનગર.
જલદાપરા વન્યજીવ અભયારણ્ય : પશ્ચિમ બંગાળ રાજ્યનું આ સુંદર અભયારણ્ય છે. (વિસ્તાર 115.53 ચોકિમી.) જલપાઈગુરી જિલ્લામાં હાસીમારાથી 5 અને મદારીહટથી 1 કિમી. દૂર આવેલું છે. અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં ગેંડો, હાથી, વાઘ, દીપડા. જંગલી ભૂંડ, ગૌર કરકર (barking deer), હૉગ ડિયર (hog deer) અને સાબરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અહીં અનેક પ્રકારનાં પક્ષીઓ પણ છે. નિરીક્ષણનો યોગ્ય સમય ડિસેમ્બરથી મેનો ગણાય છે. (સંપર્ક : વિભાગીય જંગલ અધિકારી, કૂચબિહાર, પો. બૉ. નં. પર.)
પશ્ચિમ બંગાળ રાજ્યમાં નીચે મુજબનાં વન્યજીવ અભયારણ્યો આવેલાં છે : (1) લોઠિયાન ટાપુ, ડાયમન્ડ હાર્બર (24 પરગણાં), (2) હોલીડે ટાપુ, ડાયમન્ડ હાર્બર (24 પરગણાં), (3) સજનાખલી, પૉર્ટ કેનિંગ (24 પરગણાં) (4) ગોરુમારા જલપાઈગુરી, ચાલસા, (જલપાઈગુરી), (5) ચપરામારી ચાલસા, નગાકાટા (જલપાઈગુરી), (6) મહાનંદી, સિલિગુરી (દાર્જીલિંગ) (7) સંચલ, ગૂર (દાર્જીલિંગ), (8) બલ્લવપુર (શાંતિનિકેતન) હરણ ઉદ્યાન, બોલેપુર (બીરભૂમ), (9) બેથવાડાબારી, બેથવાડાબારી (નાદિયા), (10) પરમાનંદન, ક્રિષ્ણાનગર (નાદિયા), (11) સુંદરવન વાઘ સુરક્ષણ, પૉર્ટ કેનિંગ (24 પરગણા).
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન : આ રાષ્ટ્રીય ઉદ્યાન (વિસ્તાર 430 ચોકિમી.) આસામ રાજ્યમાં આવેલું છે અને તેમાં વસતા ગેંડાઓને કારણે ખૂબ જ જાણીતું છે. તે જોરહટ જિલ્લાના શિવસાગર ફૉરેસ્ટ ડિવિઝનમાં આવેલું છે. તે મેરઠથી 96 અને ગુવાહાટીથી 217 કિમી. દૂર છે. અહીં ગેંડા ઉપરાંત જંગલી ભેંસ, હાથી, ગૌર, દીપડા, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, વણિયર, સ્વેંપ ડિયર (swamp deer) હૉગ ડિયર, સાબર, વાઘ, અજગર વગેરે અને પક્ષીઓમાં પણ તેતર, ખડમોર વગેરે જોવા મળે છે. નિહાળવા માટેનો ફેબ્રુઆરીથી મે માસનો સમય યોગ્ય ગણાય છે. (સંપર્ક : ડી. એફ. ઓ., શિવસાગર જંગલ વિભાગ, જોરહટ).
મનાસ વન્યજીવ અભયારણ્ય : લગભગ કાઝીરંગાના જેવી જ વન્યપ્રાણીઓની સમૃદ્ધિ ધરાવતું આ અભયારણ્ય (વિસ્તાર 80 ચોકિમી.) પણ આસામ રાજ્યના બારપેટા જિલ્લામાં આવેલું છે. આ અભયારણ્યને વાઘ-સુરક્ષણનો લાભ મળેલો છે. 1972ના વર્ષ દરમિયાન અહીં 31 વાઘની વસ્તી હતી, જે 1976ના વર્ષ સુધીમાં વધીને 41 થવા પામી હતી. વાઘ ઉપરાંત અહીં હાથી, દીપડા, ગૌર, જંગલી ભેંસ, ગેંડા, સોનેરી વાંદરાં, વણિયર, સ્વેંપ ડિયર, હૉગ ડિયર, સાબર, પિગ્મી હૉગ (pigmy hog) પાણીમાં રહેતી ઘો (water monitor), જંગલી ભૂંડ, ચિલોત્રો, ખડમોર વગેરે જોવા મળે છે. જોવા માટેનો શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરી માસ છે. (સંપર્ક : ફીલ્ડ ડિરેક્ટર, પ્રોજેક્ટ ટાઇગર, બારપેટા.)
આસામ રાજ્યમાં આવેલાં બીજાં વન્યજીવ અભયારણ્યોનાં નામ નીચે મુજબ છે : (1) ગરમપાણી; દીફુ, (2) લખાવા, નવગોગ. (3) ઓરંગ, તેઝપુર, (4) પોહા, ઉ. લખમીપુર, (5) સોનાઈ-રૂપા, તેઝપુર.
બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન : કર્ણાટક રાજ્યમાં આવેલું દેશનાં જાણીતાં રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકીનું એક. (વિસ્તાર 2874.20 ચોકિમી., ઊંચાઈ 1000 મીટર) તે મૈસુરથી 65 કિમી.ના અંતરે આવેલું છે. 1941માં ‘વેણુ ગોપાલ વન્યજીવ ઉદ્યાન’ તરીકે જાહેર કરવામાં આવેલું. 1973ની સાલમાં વાઘસુરક્ષણનો લાભ આ રાષ્ટ્રીય ઉદ્યાનને પણ મળ્યો હતો. તે સમયે અહીં માત્ર 11 વાઘ હતા. વાઘને અપાયેલ રક્ષણને લીધે તેની સંખ્યા વધીને 49ની થઈ છે. વાઘ ઉપરાંત અહીં દીપડો, રીંછ, જંગલી કૂતરા (ધોલ), ચિત્તલ, સાબર, કરકર, ચૌશિંગા અને વાંદરાં છે. તે ઉપરાંત અહીં 1118 હાથી તથા 488 ગૌર વસે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને અડીને નાગારોલ રાષ્ટ્રીય ઉદ્યાન (કોણુ જિલ્લો) કેરળનું વેનાડ વન્યજીવ અભયારણ્ય અને તામિલનાડુ રાજ્યનું મુદુમલાઈ અભયારણ્ય આવેલાં છે.
આ ઉદ્યાનમાં ચંદનનાં તથા સાગનાં વૃક્ષો અત્યંત ધ્યાનાકર્ષક છે. જેમાં મોર, વિવિધ જાતિના ગરુડ તથા જંગલી મરઘાં વસે છે. અજગર તથા નાગ આ જંગલની શોભામાં વધારો કરે છે. અહીંની નદીઓમાં મગર જોવા મળે છે. બેંગલોર (224 કિમી.) અથવા મૈસુર(80 કિમી.)થી અહીં આવી શકાય છે. મેથી ઑક્ટોબર માસ અહીંનું વન્યજીવન નિહાળવાની ઉત્તમ તક પૂરી પાડે છે. (સંપર્ક : ફીલ્ડ ડિરેક્ટર, પ્રોજેક્ટ ટાઇગર, ગવર્નમેન્ટ હાઉસ કૉમ્પલેક્સ મૈસુર.)
રંગનાથીટ્ટ પક્ષી અભયારણ્ય : આ અભયારણ્ય (વિસ્તાર 26.70 ચોકિમી.) શ્રીરંગનાથમથી 10 કિમી. દૂર આવેલું છે. આ અભયારણ્ય જળચર પક્ષીઓ માટે જાહેર કરાયેલું છે. બેંગલોરથી 110 કિમી. દૂર આવેલું આ અભયારણ્ય મૈસુર જિલ્લામાં આવેલું છે. અહીં ફાટી ચાંચ બગલાં, સફેદ કાંકણાસાર બગલાં, ઢોર બગલાં, ચમચાં જેવા પ્રકારનાં અસંખ્ય જળચર પંખીઓ મોટી સંખ્યામાં વસે છે. તે ઉપરાંત મગર પણ જોવા મળે છે. જુલાઈ અને ઑગસ્ટ માસ પક્ષી-નિરીક્ષણ માટે ઉત્તમ ગણાય છે. (સંપર્ક : કાઝર્વેટર ઑવ્ ફૉરેસ્ટ્સ વાઇલ્ડ લાઇફ સબ ડિવિઝન, મૈસુર.)
આ ઉપરાંત કર્ણાટકમાં નીચે મુજબનાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો આવેલાં છે : (1) બન્નારઘાટા રા. ઉ., બેંગલોર, (2) નાગેરોલ રા. ઉ., કૉણુ, (3) સોમેશ્વર અ., દક્ષિણ કન્નડ, (4) બ્રહ્મગિરિ અ., કૉણુ, (5) અરબીથીટુ અ., મૈસુર, (6) માલકોટ મંદિર અ., મંડ્યા, (7) ઘટપ્રભા પક્ષી અ., બેળગાંવ, (8) નુગુ અ., મૈસુર, (9) તુંગભદ્રા અ., બૈલ્લારી, (10) રાનેબેન્નુર કાળિયાર અ., રાને બેન્નુર (ધારવાડ), (11) મૂક અંબિકા અ., દક્ષિણ કન્નડ, (12) શરાવતી ખીણ અ., શિમોગા, (13) બીલીગિરિ રંગાસ્વામી અ., મૈસુર, (14) ભદ્રા અ., ચિક્કમંગલુર. (15) શાંતિહળળી અ., શિમોગા, (16) દાંડેલી અ., ઉત્તર કન્નડ.
હવે તમિલનાડુમાં આવેલાં કેટલાંક અભયારણ્યો અને ઉદ્યાનો વિશે જોઈએ.
ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન : આ રાષ્ટ્રીય ઉદ્યાનને (વિસ્તાર 2071 ચોકિમી.) હરણ ઉદ્યાન પણ કહે છે, કારણ કે અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં ચિત્તલ અને કાળિયાર છે. અહીંયાં એક સર્પ ઉદ્યાન પણ આવેલું છે. આ ઉદ્યાન મદ્રાસ (ચેન્નઈ) શહેરની પાસે આવેલું છે. આખા વર્ષ દરમ્યાન હરણોને જોઈ શકાય છે.
મુદુમલાઈ વન્યજીવ અભયારણ્ય : આ સુંદર અભયારણ્ય (વિસ્તાર 321 ચોકિમી.) ઉદકમંડલથી 64 કિમી. દૂર છે. અહીં 1940ની સાલથી પ્રાણીઓને રક્ષણ આપવામાં આવેલું છે. બંદીપુરને અડીને આવેલા આ અભયારણ્યમાં પ્રાણીઓ બંદીપુરમાં છે તેવાં જ છે. જેમ કે હાથી, ગૌર, ચિત્તલ, સાબર, વાઘ, દીપડા, રીંછ, જંગલી કૂતરા વગેરે. આ વનસમૃદ્ધિને નિહાળવા માટે ફેબ્રુઆરીથી જૂનનો સમય ઉત્તમ છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, કોઈમ્બતુર.)
વેદાંથાંગલ જળચર પક્ષી અભયારણ્ય : આ અભયારણ્ય (વિસ્તાર 0.3 ચોકિમી.) ચિંગલપુરથી 28 કિમી. દૂર છે. અહીંનાં જળચર પક્ષીઓમાં ઘણું વૈવિધ્ય છે. તેમાં નિરીક્ષણ માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સારો સમય છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ વૉર્ડન, ચેન્નઈ.)
તામિલનાડુનાં પાંચ અભયારણ્યો નીચે મુજબ છે : (1) અન્નામલાઈ અ. પોલ્લાચી (કોઈમ્બતુર). (2) મુન્દાન્થુરાઈ વાઘ અ., અંબાસમુદ્રમ (તીરુનેલવેલી). (3) પૉઇન્ટ કેલીમર અ., પૉઇન્ટ કેલીમર. (4) કાલાકદ અ., પલયામેથાઈ (તીરુનેલવેલી). (5) વેતાનગુડી અ., રામાન્થાપુરમ.
પેરિયાર વન્યજીવ અભયારણ્ય : પેરિયાર અભયારણ્ય (વિસ્તાર 777 ચોકિમી.) જવા માટે કોટ્ટાયમ થઈ ત્યાંથી 112 કિમી. પર આવેલા ઠેકડી જવું પડે છે. અહીંના મુખ્ય વન્યજીવોમાં વાઘ, હાથી, દીપડા, જંગલી કૂતરા, ગૌર, રીંછ, નીલગાય, જંગલી ભૂંડ, સાબર અને ભસતું હરણ વગેરે છે. તેમને નિહાળવા માટે ઑક્ટોબરથી એપ્રિલ માસ શ્રેષ્ઠ છે. (સંપર્ક : વાઇલ્ડ લાઇફ ઑફિસર, ઠેકડી, કેરળ.)
આ ઉપરાંત કેરળમાં નીચેનાં અભયારણ્યો આવેલાં છે : (1) એરવીકુલમ – રાજમલય રા. ઉ., મુનર, (2) પરંબીકુલમ અ., પરંબીકુલમ (પાલઘાટ), (3) નેચર, ત્રિવેન્દ્રમ, (4) પ્રેચીવઝાની, ત્રિચુર, (5) વેન્ગાર્ડ, કોઝીકોડ, (6) ઇડુક્કી, ઠેકડી.
ભારતનાં અન્ય રાજ્યો પૈકી આંધ્રમાં 14, આંદામાન નિકોબારમાં 4, અરુણાચલ પ્રદેશમાં 4, ગોવા-દમણ-દીવમાં 3, હરિયાણામાં 2, હિમાચલ પ્રદેશમાં 26, મણિપુરમાં 1, મેઘાલયમાં 1, મીઝોરામમાં 1, નાગાલૅન્ડમાં 2, ઓરિસ્સામાં 18, પંજાબમાં 3 અને સિક્કિમમાં 1 એમ અભયારણ્યો આવેલાં છે.
દુનિયાનો પ્રત્યેક દેશ તેના પર્યાવરણની તથા વન્યજીવોની જાળવણી માટે સચિંત છે, તેથી જંગલ અને તેમાં વસતાં પ્રાણીઓને રક્ષણ મળે તે હેતુથી રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય કે સુરક્ષિત વનો જાહેર થયાં છે. દુનિયાના વન્યજીવો પૈકી આફ્રિકાના વન્યજીવો પર્યટકોનું સવિશેષ ધ્યાન આકર્ષિત કરે છે. પૂર્વ આફ્રિકામાં ખાસ કરીને પક્ષીઓ તથા દરિયાઈ જીવો માટે અભયારણ્યો જાહેર કરાયાં છે. સૌથી જૂનું અને ખૂબ જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન દક્ષિણ આફ્રિકામાં ક્રુગર રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં ઘાસનાં મોટાં અને ગાઢાં મેદાનો આવેલાં હોવાથી તૃણાહારી પ્રાણીઓની વિવિધતા અને વિપુલતા ધ્યાનાકર્ષક બને છે. આ તૃણાહારી પ્રાણીઓ ઉપર જીવનારાં પશુઓ પણ અહીં વસે છે. કલહરીમાં ગેમ્સબોક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જેમાં સ્પ્રિંગબોક અને ગેમ્સબોક નામની હરણ (antelope) જાતિઓ જાણીતી છે. પૂર્વ અને મધ્ય આફ્રિકામાં મોટાં રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે. કેન્યામાં આવેલા સાવો રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર 20,720 ચોકિમી. છે. યુગાન્ડામાં 3 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ટાન્ઝાનિયામાં વિશ્વવિખ્યાત સેરન્ગેટી રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઝામ્બિયામાં કેફુ રાષ્ટ્રીય ઉદ્યાન અને લુઆન્ગવા ખીણ ઉદ્યાન આવેલાં છે. પ્રવાસીઓ જ્યાં પોતાની મોટરગાડી હંકારી જઈ શકે અને વન્યજીવોને નિહાળી શકે તેવા સફારી પાર્ક પણ ત્યાં વિકસાવાયા છે. ઝીમ્બાબ્વેમાં વાન્કાઈ, મોઝામ્બિકમાં ગોરોન્ગોસા, બોત્સવાનામાં ગોબ અને સેંટ્રલ કલહરી ગેઇમ રિઝર્વ આવેલાં છે.
વિનોદ સોની