અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ

May, 2024

અબ્રાહમ, ગૅરાલ્ડ અર્નેસ્ટ હીલ (Abraham, Gerald Ernest Heal) [જ. 9 માર્ચ, 1904, ન્યૂપૉર્ટ, આઇલ ઑવ્ ટાઇટ, બ્રિટન; અ. 18 માર્ચ, 1988, મિડહર્સ્ટ, અંતિમ ક્રિયા ગીલ્ડફોર્ડ(Guildford)માં, રાખ વૈરી એબર્નો (Ebernoe)માં બ્રિટન] : સંગીતજ્ઞ, સંગીતવિવેચક તથા સંપાદક. રશિયન સંગીત અંગેની જાણકારી-જ્ઞાન માટે તેઓ ખાસ પંકાયા. પિતાનું નામ અર્નેસ્ટ અબ્રાહમ અને માતાનું નામ ડોરોથી મેરી. પિતા ખાટકી (Butcher) હતા.

નેવી(નૌકાદળ)માં કારકિર્દી ઘડવાની તમન્ના ધરાવતા પૉર્ટસ્મથ (Portsmouth) ખાતે તાલીમ લેવી શરૂ કરી, પરંતુ તબિયત કથળવાથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. તેમણે પિયાનોવાદનનો, સંગીતના સિદ્ધાંતોનો તથા સંગીતના ઇતિહાસનો જાતે જ અભ્યાસ શરૂ કર્યો. તેમને લગભગ સ્વશિક્ષિત કહી શકાય. એક વરસ સુધી કોલોનમાં રહી મિલિટરી બૅન્ડ અને ઑરકેસ્ટ્રેશનનો અનુભવ મેળવ્યો.

1927માં અબ્રાહમનું લખેલું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું : ‘ઍલેક્ઝાન્ડર બોરોદીન’. ઓગણીસમી સદીના જ્યોર્જિયન-રશિયન સંગીતકાર બોરોદીન વિશેનો અભ્યાસ એ આ પુસ્તકનો વિષય હતો. પરંતુ પછીથી પોતે જ આ પુસ્તક રદ કર્યું. એ પછી વિવિધ સંગીતવિષયક સામયિકોમાં તેમણે સંગીતવિષયક અભ્યાસલેખો અને સંગીત અંગેના સંશોધનલેખો પ્રગટ કરાવ્યા. ‘નીત્શે’ (Nietzche) (1933), ટૉલ્સ્ટૉય (1935) તથા દોસ્તોયેવ્સ્કી (1936) પુસ્તકો પ્રગટ થયાં. જાતે જ રશિયન ભાષા શીખ્યા અને રશિયન સંગીતનો અભ્યાસ શરૂ કર્યો. રશિયન સંગીત અંગેના પોતે લખેલા વિશ્લેષણાત્મક લેખો ત્રણ પુસ્તકમાં ગ્રંથસ્થ કર્યા : ‘સ્ટડીઝ ઇન રશિયન મ્યુઝિક’ (1935), ‘ઑન રશિયન મ્યુઝિક’ (1939) તથા ‘એઇટ સોવિયેત કમ્પોઝર્સ’ (1943). રશિયન સંગીતનિયોજક (કમ્પોઝર) ચાઇકોવ્સ્કી ઉપર વિવિધ સંગીતજ્ઞોએ લખેલા લેખો તેમણે ‘ચાઇકોવ્સ્કી’ (1945) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા. ઉપરાંત સંગીતજ્ઞ એમડી કાલ્વોકોરેસીના સહકારમાં તેમણે બે ગ્રંથોનું સહલેખન કર્યું : ‘માસ્ટર્સ ઑવ્ રશિયન મ્યુઝિક’ (1936) તથા ‘મુસોગ્સર્કી’ (1946) (Mussorgsky) મુસોગ્સર્કી વિશે વધુ વિસ્તૃત, બૃહદ, વિશદ અભ્યાસ કરીને તેમણે એકલા હાથે ગ્રંથ તૈયાર કર્યો : ‘મોડેસ્ટ મુસોગ્સર્કી : હીઝ લાઇફ ઍન્ડ વર્કસ’ (1956).

અબ્રાહમે લખેલા બે ગ્રંથો ‘સ્લાવોનિક ઍન્ડ રોમૅન્ટિક મ્યુઝિક : એસેઝ ઍન્ડ સ્ટડીઝ’ (1968) તથા ‘એસેઝ ઑન રશિયન ઍન્ડ ઈસ્ટ યુરોપિયન મ્યુઝિક’ (1985) તેમની વિદ્વત્તાના શ્રેષ્ઠ પરિપાક ગણાયા છે. ઉપરાંત કેટલાક લોકપ્રિય સંગીત-નિયોજકો વિશે વિવિધ લેખકો અને સંગીતજ્ઞોએ લખેલા લેખોના સંચય સંપાદિત કર્યા : ‘શોપાં’ (Chopin) (1939), ‘શુબર્ટ’ (Schubert) (1946), ‘સિબેલિયસ’ (Sibelius) (1947), ‘ગ્રીગ’ (Grieg) (1948), ‘શુમાન’ (Schumann) (1952), ‘હેન્ડલ’ (Handel) (1954), ‘બીથોપન્સ સેકન્ડ પિરિયડ ક્વાર્ટેટ્સ’ (1942) ‘રિમ્સ્કી-કોર્સાકોવ’ (Rimsky-Korsakov) (1945), ‘ડિઝાઇન ઇન મ્યુઝિક’ (1949), ‘ધ ટ્રેડિશન ઑવ્ વેસ્ટર્ન મ્યુઝિક’ (1974).

‘ધ કન્સાઇઝ ઑક્સફર્ડ હિસ્ટરી ઑવ્  મ્યુઝિક’(1974)ના સંપાદક અબ્રાહમ હતા. ઉપરાંત ‘ન્યૂ ઑક્સફર્ડ હિસ્ટરી ઑવ્ મ્યુઝિક’(1979)ના પાંચ ગ્રંથોમાં તેમણે સંપાદક તરીકે કાર્ય કર્યું : વૉલ્યુમ III (આર્સ નોવા અને ટેનેસાંસ) (1960), વૉલ્યુમ IV (ધ એજ ઑવ્ હ્યુમેનિઝમ) (1968), વૉલ્યુમ VI (કૉન્સર્ટ મ્યુઝિક : 1630–1750) 1985, વૉલ્યુમ VIII (ધ એજ ઑવ્ બીથોવન) 1982, વૉલ્યુમ IX (રોમૅન્ટિસિઝમ : 1830–1890) 1990.

અબ્રાહમે અનેક સાંગીતિક સંગઠનોમાં સેવા આપી : ઇન્ટરનેશનલ સોસાયટી ફોર મ્યુઝિક એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પદ પર 1958થી 1961 સુધી, બ્રિટિશ રોયલ મ્યુઝિક ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ પદ પર 1970થી 1974 સુધી, રૉયલ મ્યુઝિક ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ પદ પર 1970થી 1974 સુધી. ઉપરાંત, હાયડન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોલોનના ડેપ્યુટી ચૅરમૅનપદે 1961થી 1968 સુધી, અર્લી ઇંગ્લિશ ચર્ચ મ્યુઝિક કમિટીના ચૅરમૅનપદે 1970થી 1980 સુધી તેઓ હતા. 1967થી 1968 સુધી તેઓ ‘ડેઇલી ટેલિગ્રાફ’ અખબારમાં સંગીતવિવેચક તરીકે સેવા આપી. વીસ ગ્રંથોમાં પથરાયેલા ‘ન્યૂ ગ્રોવ ડિક્શનરી ઑવ્ મ્યુઝિક ઍન્ડ મ્યુઝિશિયન્સ’ના લેખન અને સંપાદનમાં તેમણે કામગીરી કરી.

 

અમિતાભ મડિયા