અબ્દુલ વહીદ ‘કમલ’ (જ. 17 એપ્રિલ 1936, નારસરા, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી લેખક. તેમને તેમની નવલકથા ‘ઘરાણો’ બદલ 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઇતિહાસમાં એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ 36 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને પછી સેવાનિવૃત્ત થયા. તેઓ સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા.
1952માં તેમણે લેખનકાર્ય શરૂ કરીને 1964માં તેમનું પ્રથમ હિંદી એકાંકી ‘દેશ કા સિપાહી’ પ્રગટ કર્યું. તેમણે 6 રાજસ્થાની કૃતિઓ આપી છે; તેમાં 2 કાવ્યસંગ્રહો છે : ‘ઉકલતી ધરતી’, ‘ઉફન્તો અભૂ’ (1986); ‘ગલી રાલ દેસાર’ (1989) વાર્તાસંગ્રહ છે; ‘તૂ જાની કા મેં જાની’ (1993) નાટક છે; ‘દેશ કા સિપાહી’ (1964) એકાંકી અને ‘ઠંડી મિટ્ટી’ (1964) વાર્તાસંગ્રહ હિંદીમાં છે. તેમની વાર્તાઓ પરથી રાજસ્થાની અને હિંદી ફિલ્મો બની છે.
તેમને જવાહરલાલ નેહરુ બાળસાહિત્ય પુરસ્કાર, શિવચંદ ભારતીય પુરસ્કાર, રાજસ્થાન રત્નાકર, નવી દિલ્હીનો મહેન્દ્ર જાજોડિયા સાહિત્ય પુરસ્કાર, અલ્લાજીલાઈ બાઈ માંડ સંસ્થાન, બીકાનેરનો અલ્લાજીલાઈ બાઈ પુરસ્કાર અને રાજસ્થાની ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. હનુમાનગઢની સાહિત્ય પરિષદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલું.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ઘરાણો’માં રાજસ્થાની સામંતી સમાજમાં પ્રચલિત છોકરીને પેદા થતાં જ મારી નાખવાના કુરિવાજનું યથાર્થ ચિત્રાંકન છે. તેમાં નારીજાતિનું દયાજનક શોષણ અને તાડનની પરિસ્થિતિની વ્યથા ગૂંથવામાં આવી છે. પાત્રોનાં અંતર્દ્વન્દ્વની અસરકારક રજૂઆત, યથાર્થ પરિવેશનું સૂક્ષ્મ ચિત્રાંકન, નારીપાત્રોનાં સંઘર્ષ, સ્વાભિમાન, ત્યાગ અને સહિષ્ણુતાનો ઉત્કર્ષ તથા સુબોધ અને સરળ રૂઢિપ્રયોગોવાળી ભાષાને કારણે આ કૃતિ રાજસ્થાનીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન મનાય છે.
બળદેવભાઈ કનીજિયા