અબ્દુર્રહીમ ખાનખાનાન

January, 2001

અબ્દુર્રહીમ ખાનખાનાન (જ. 17 ડિસેમ્બર 1556, લાહોર; અ. 1 ઑક્ટોબર 1627, દિલ્હી) : મુઘલ શહેનશાહ  અકબર અને જહાંગીરના સમયનો મહાન સેનાધ્યક્ષ, રાજકારણી, કવિ તથા સાહિત્ય પ્રેમી અમીર. નામ મુહમ્મદ અબ્દુર્રહીમ. પિતાનું નામ બૈરમખાન. પિતાના મૃત્યુ સમયે માંડ ચારપાંચ વર્ષનો હતો ત્યારે અકબરે તેને પોતાની પાસે બોલાવીને મિર્ઝાખાનનો ખિતાબ અર્પણ કરેલો. શાહજાદાઓ સાથે તેનો ઉછેર થયો હતો. વિવિધ વિષયો તેમજ અરબી, ફારસી, તુર્કી, સંસ્કૃત અને હિંદી ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેણે નામના મેળવી. 1572માં ગુજરાતની ચઢાઈમાં તે પણ અકબરની સાથે હતો. વીસ વર્ષની વયે શાહજાદા સલીમ (પાછળથી શહેનશાહ જહાંગીર)ના અતાલીક (શિક્ષક) તરીકે કામ કર્યું. તેણે વિવિધ યુદ્ધોમાં પરાક્રમ બતાવ્યાં હતાં. ગુજરાતનો બીજો અંતિમ વિજય મેળવીને ખાને ખાનાનનો ખિતાબ હાંસલ કર્યો હતો. 1592-93માં સિંધવિજયથી તેની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું. લાંબી કારકિર્દી દરમિયાન ગુજરાત, સિંધ, દક્ષિણ ઇત્યાદિ અગત્યના પ્રાંતોની સૂબેદારી તેણે સંભાળી હતી.

પોતાની યશસ્વી કારકિર્દીનાં છેલ્લાં વર્ષો મોટે ભાગે દખ્ખણનાં મુસ્લિમ રાજ્યોને જેર કરવા માટે અકબર અને જહાંગીર દ્વારા નિયુક્ત થયેલા એક યા બીજા શાહજાદા સાથે કામગીરીમાં ગાળ્યાં હતાં. 1622-1625 દરમ્યાન જહાંગીરની નારાજગીનો ભોગ બનીને તેણે એકાંતવાસમાં થોડો સમય ગુજાર્યો હતો.

1627માં મૃત્યુ બાદ તેને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહની નજીક દફનાવેલા. તેનો ભવ્ય મકબરો મથુરા રોડ અને નિઝામુદ્દીન રેલવે સ્ટેશનના રસ્તા પર છે.

ખાનખાનાન સાહિત્યરસિક તેમજ કવિઓ અને કલાકારોનો પ્રશંસક હતો. તેનું પુસ્તકાલય અતિ સમૃદ્ધ હતું. તેના પુસ્તકાલયમાં સુલેખનકારો અને ચિત્રકારો સુંદર, સાદા અક્ષરમાં સચિત્ર  કૃતિઓ તૈયાર કરતા. તેની આવી અસંખ્ય કૃતિઓ વિશ્વનાં ભિન્ન ભિન્ન પુસ્તકાલયોમાં સચવાયેલી છે. રામાયણના ફારસી ભાષાંતરની અકબરની સચિત્ર પ્રત પરથી તેણે પોતાના કલાકારો પાસે કરાવેલી 135 ચિત્રોવાળી પ્રત વૉશિંગ્ટનની ફ્રિયર આર્ટ ગૅલેરીમાં છે. ગુજરાતની સૂબેદારીની અવધિમાં અમદાવાદમાં તેના પુસ્તકાલયમાં તૈયાર થયેલાં તેમજ અમદાવાદમાં તેણે ખરીદેલાં કે મેળવેલાં તેની નોંધ અને તેના સીલવાળી હસ્તપ્રતો હિંદ તેમજ વિદેશનાં પુસ્તકાલયોમાં સચવાયેલી છે.

ખાનખાનાન પોતે પણ કવિ હતો અને ફારસી અને હિંદીમાં ‘રહીમ’ અને ‘રહીમન’ તખલ્લુસથી કાવ્યો રચતો. મધ્યકાલીન હિંદી કવિતામાં રહીમનું પ્રદાન નોંધપાત્ર છે. તેની 11 જેટલી કૃતિઓ જ્ઞાત થઈ છે. દોહા, બરવૈ, સોરઠા, કવિત, સવૈયા અને માલિની જેવા છંદોનો એણે કુશળતાપૂર્વક પ્રયોગ કર્યો છે. તેની ‘દોહાવલી’ મુખ્યત્વે નીતિપરક દોહાઓ ધરાવે છે. દોહામાં લખાયેલ ‘નગરશોભા’માં સ્ત્રીઓનું શૃંગારપ્રધાન વર્ણન થયું છે. ‘બરવૈ’માં ગોપી-વિરહ-વર્ણન છે, જ્યારે ‘બરવૈનાયિકાભેદ’ અવધિ ભાષામાં લખાયેલો નાયિકાભેદનો અપૂર્વ ગ્રંથ છે. માલિની છંદમાં રચાયેલ હિંદી ગ્રંથ ‘મદનાષ્ટક’માં કૃષ્ણની રાસલીલાનું નિરૂપણ છે. રહીમે સંસ્કૃત, ફારસી અને હિંદી મિશ્રિત ભાષામાં ‘ખેટકૌતુકજાતકમ્’ નામે જ્યોતિષનો ગ્રંથ પણ રચ્યો છે. તેણે ફારસીમાં ‘દીવાન’ની રચના પણ કરી છે. તેનો બાબરની આત્મકથાનો ‘વાકેઆત-એ-બાબરી’ નામે કરેલો ફારસી અનુવાદ જાણીતો છે. તેનાં હિન્દી કાવ્યોનો સંચય ‘રહીમ રત્નાવલી’ શીર્ષક હેઠળ પ્રગટ થયો છે.

રહીમની નીતિ અને શૃંગારને લગતી રચનાઓ દરબારી વાતાવરણને અનુરૂપ છે, જ્યારે ભક્તિપરક રચનાઓ તત્કાલીન ભક્તિ-આંદોલનથી પ્રભાવિત છે. રહીમની ઉદારતા, વિનમ્રતા અને દાનશીલતાની અનેક કથાઓ પ્રચલિત છે.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ