અબૂ તુરાબ વલી (જ. ચાંપાનેર; અ. 1594) : પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’નો કર્તા. શીરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરો. પિતા શાહ કુત્બુદ્દીન શુકરુલ્લાહ. દાદા સૈયદ શાહ મીર તરીકે જાણીતા વિદ્વાન મીર ગ્યાસુદ્દીન, જે કુત્બુદ્દીનના સમયમાં (1451-58) ગુજરાતની મુલાકાત લઈ ગયેલા અને 1492માં પુત્ર મીર કમાલુદ્દીન સાથે ચાંપાનેરમાં વસી ગયેલા. અબૂ તુરાબ વલી ગુજરાતના સરદાર એતિમાદખાનની નોકરીમાં 1571માં હતો. અકબરે ગુજરાત જીત્યું તે વખતે તેની સાથે વાટાઘાટો કરવામાં અબૂ તુરાબ વલીએ મહત્વનો ભાગ ભજવેલો. 1577માં અકબરે તેને ‘મીરે હજ’ બનાવીને મક્કા મોકલેલો. હજથી પાછા ફરતાં તે ‘કદમે રસૂલ’ (હ. મોહંમદની પગછાપવાળો પથ્થર) સાથે લાવેલો, તેનું સ્વાગત અકબરે કરેલું અને તે પવિત્ર પથ્થર અબૂ તુરાબ ગુજરાતમાં લાવ્યો હતો. અમદાવાદ નજીક અસાવલમાં તેની સ્થાપના કરીને તેના પર ઘૂમટ સહિત સૂફી ઉપાશ્રય બાંધેલો. 1583માં એતિમાદખાન ગુજરાતનો સૂબો નિમાતાં અબૂ તુરાબ વલીને ‘અમીને સુબાહ’નો હોદ્દો મળેલો. તેનો પુત્ર મીર ગદાઈ અકબરનો મન્સબદાર હતો. ‘મિરાતે અહમદી’ પ્રમાણે અબૂ તુરાબ વલી 1594(હિ. 1003)માં અવસાન પામ્યો. તેનો મકબરો અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર બહેરામપુરામાં આવેલો છે. 12.5 મીટર ચોરસ પીઠ પર પ્રત્યેક બાજુ છ છ સ્તંભો દ્વારા ત્રણ પહોળી અને બે સાંકડી એમ પાંચ કમાનોની સુસંવાદી રચના કરવામાં આવી છે. મધ્યના 12 સ્તંભો અને ફરતા 20 સ્તંભોની કમાનો દ્વારા રવેશયુક્ત મધ્યખંડ રચાયો છે. મધ્યખંડના 12 સ્તંભો પર બીજા સ્તંભો ગોઠવી એક માળ જેટલી ઊંચાઈ વધારી છે અને તેના પર અર્ધવૃત્તાકાર ઘૂમટ કરેલો છે. આ માળને ફરતી રવેશની અગાસીમાં બીજા આઠ અર્ધઘૂમટ કરેલા છે. મધ્યખંડમાં ફરતી જાળીઓ હતી, જે તૂટી ગઈ છે. મધ્યની મુખ્ય કબરની બંને બાજુ એક એક અને મંડપના રવેશમાં બીજી બે મળીને કુલ પાંચ કબરો જોવામાં આવે છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ