અબૂ તમામ (જ. 806, જાસિમ, અરબસ્તાન; અ. 846, મોસલ) : અરબી કવિ. મૂળ નામ હબીબ બિન ઔસ. પુત્ર તમામ પરથી એમની અટક તમામ પાડેલી. આ નામથી જ તેઓ પ્રસિદ્ધ થયેલા. મિસર જઈને અરબી કાવ્યો તથા કાવ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી તે પાછા સિરિયા આવ્યા. અબ્બાસી ખલીફા અલમામૂન (ઈ.સ. 800-833) બાયઝેંટાઈન (830 – 833) યુદ્ધ જીતી પાછા આવ્યા, ત્યારે એમણે ખલીફાની પ્રશસ્તિ કરતું કસીદા કાવ્ય રચેલું. ખલીફા અલ મોઅતસિમના સમયમાં શ્રેષ્ઠ દરબારી કવિ તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી. એમણે અબ્દુલ્લા બિન તાહીરના દરબાર નિશાપુરના પ્રવાસનું રોમાંચક વર્ણન કરેલું છે. બરફવર્ષાને કારણે તેમને હમદાનમાં રોકાવાનું થતાં અબુલ વફા બિન સલમાનના પુસ્તકાલયનો ઉપયોગ કરીને તેમણે ઈ. સ. 844માં પ્રાચીન અરબી કવિતાનો સંગ્રહ ‘હમાસા’ કે ‘દીવાને હમાસા’ તૈયાર કરેલો, જેને કારણે તેમને ખૂબ પ્રસિદ્ધિ મળેલી છે. તેમના કસીદાઓમાં ઐતિહાસિક પ્રસંગોનો અંશ જોવા મળે છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ