અબૂ ઝૈદ-અબૂ અન્સારી (નવમી સદી) : અરબી વૈયાકરણ. નામ સઇદ બિન ઔસ. મદીનાના ખઝરજ પરિવારમાં જન્મ. બસરા શાળાનો અબૂ અમ્ર બિન અલઅલાનો શિષ્ય. કૂફા શહેરમાં જઈ એણે અલમુફદ્દલ અલ દબ્બી પાસેથી અરબી કાવ્યોની હસ્તપ્રતો એકઠી કરી, એનો ઉપયોગ પોતાના પુસ્તક ‘અલનવાદિર’માં કર્યો હતો. અબ્બાસી ખલીફા અલ મેહદીએ તેને બગદાદ આવવાનું નિમંત્રણ આપ્યું. તે અબૂ ઉબૈદા અને અલ્ અસ્મઇનો સમકાલીન હતો. પણ એણે બગદાદમાં રહીને રચેલું અરબી વ્યાકરણ પેલા બેનાં વ્યાકરણ કરતાં ચડિયાતું, અરબી ભાષાનું શ્રેષ્ઠ વ્યાકરણ ગણાય છે. એણે ઘણાં પુસ્તકો લખ્યાં છે, જેમાંથી અત્યારે તો બે જ ઉપલબ્ધ છે. ‘અલમતર’ (વર્ષા સંબંધી અરબી સંજ્ઞાઓનો સંગ્રહ) અને ‘અલન વાદિર ફિલ લુગા’ (દુર્લભ અરબી પદોનો સંગ્રહ) એ સંગ્રહોનું પ્રકાશન ઈ.સ. 1894માં બેરૂતમાંથી કરવામાં આવેલું.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ