અબૂ અલ અસ્વદ (મૃત્યુ ઈ.સ. 570) : અરબી કવિ. તેનું નામ અમ્ર, અટક અબુ અલ અસ્વદ, પિતાનું નામ કલસૂમ બિન માલિક. કબીલા તગલબનો શૂરવીર અને નામાંકિત સરદાર હતો. તેની શક્તિ અને નીડરતાને કારણે તેને ‘અરબનો સિંહ’ કહેતા. તેણે ‘બસૂસની લડાઈ’માં ભાગ લીધો હતો. હૈરાના બાદશાહ અમર બિન હિંદની માતા હિંદે, અમ્ર બિન કલસૂમની માતા લયલા બિન્ત મુહલહલનું અપમાન કરતાં કવિ અમ્રે બાદશાહ અમર બિન હિંદને તેની જ તલવારથી મારી નાખ્યો હતો (ઈ.સ. 569). પછી તેણે પોતાના સુવિખ્યાત કસીદાકાવ્યની રચના કરી, જેના કારણે તે અમર થઈ ગયો અને પ્રાચીન સમયના સાત સર્વોત્તમ અરબી કવિઓમાં સ્થાન પામ્યો. તેના કસીદા કાવ્યને કબીલા તગલબના લોકોએ રાષ્ટ્રીય ગીત સમાન મોઢે કરી લીધું હતું તેને કારણે આ કબીલાના નવયુવાનોમાં લાંબા સમય સુધી શૂરવીરતા અને નીડરતાના ગુણ ટકી રહ્યા હતા એમ કહેવાય છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ