અબુલ ફરજ રુની ગઝનવી (જ. 1035, લાહોર; અ. 1097) : ભારતનો સર્વપ્રથમ ફારસી કવિ અને વિદ્વાન. પિતાનું નામ મસૂદ. તેને ફારસી ભાષાનો ‘ઉસ્તાદે સુખન’ ગણવામાં આવે છે. લાહોરનો કવિ મસ્ઊદ સા’દ તેનો યુવાન દેશબંધુ હતો. ઉસ્તાદ રુનીએ ઘણાં કસીદા કાવ્યો સુલ્તાન ઇબ્રાહીમ બિન મસૂદ(ઈ.સ. 1059-99)ની પ્રશંસામાં લખ્યાં છે. સર્વોત્તમ કસીદા કવિ અન્વરીએ તેના કસીદાઓનું અનુકરણ કર્યું છે. અલંકારોના ઉદાહરણાર્થે તેની કાવ્યપંક્તિઓ ટાંકવામાં આવે છે. રુનીની ઘણી કાવ્યરચનાઓ નાશ પામી છે. માત્ર 134 કસીદાઓ અને કિત્આત, 57 રુબાઈઓ અને 3 ગઝલોનું પ્રકાશન થયું છે.
મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ