અબુલહસન (જ. જુલાઈ 1620; અ. 26 માર્ચ 1681) : અરબી ઇતિહાસકાર. નામ અહમદ બિન સાલિહ, પણ ‘ઈબ્ન અબિર્ રજાલ’ને નામે જાણીતો. યમન પ્રાંતમાં જન્મ. ઝેદી શિયા સંપ્રદાય. ઇતિહાસ ઉપરાંત એણે ધર્મશાસ્ત્રવિષયક પુસ્તકો પણ લખ્યાં છે. તેણે કુરાન, હદીસ અને ઇસ્લામી ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. એ સુન્આ શહેરનો અધિકારી નિમાયો હતો. એ સરકારી દસ્તાવેજ લખતો અને ધર્મશાસ્ત્ર અનુસાર ફતવા (નિર્ણય) આપતો. એની સર્વોત્તમ કૃતિ ‘મત્લઉલબદૂર વ મજ્મઉલ બદૂર’ જીવનચરિત્રોનો વર્ણાનુક્રમે ગોઠવાયેલો કોશ છે. એમાં ઇરાક તથા યમનની તેર સો વ્યક્તિઓનાં જીવનચરિત્રો અપાયેલાં છે. પુરાતત્વની દૃષ્ટિએ યમનના શિલાલેખો તથા સિક્કાઓના અધ્યયન માટે એ ગ્રંથ ઉપયોગી છે. એણે કુરાન પર ભાષ્ય લખનારાઓનાં ચરિત્રો પણ એક ગ્રંથમાં આપ્યાં છે.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ