અપ્પય્ય દીક્ષિત (અપ્પય કે અપ્પ દીક્ષિત) (જ. 1520, અડયપલ્લમ્, કાંચી દક્ષિણ ભારત; અ. 1593, ચિદમ્બરમ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત ભાષ્યકાર. ભારદ્વાજ ગોત્ર. જન્મ દક્ષિણ ભારતમાં કાંચીની પાસે અડયપ્પલમ્ ગામમાં. સમય 1554થી 1626નો પણ મતાન્તરે મનાય છે. તેમના પિતાનું નામ રંગરાજાધ્વરી. તેમની આશરે 57 કૃતિઓ છે એમ સિદ્ધ થયું છે. આ કૃતિઓનો વિષય મીમાંસા, અદ્વૈતવેદાન્ત, શિવાદ્વૈતવેદાન્ત અને અલંકારશાસ્ત્ર મુખ્ય રૂપે છે. તે ઉપરાંત શિવ, શક્તિ તથા વરદરાજ વિષ્ણુ જેવા દેવોનાં સ્તોત્રો પણ તેમણે રચ્યાં છે. વેદાન્તમાં બ્રહ્મસૂત્ર પરના શાંકરભાષ્ય ઉપર વાચસ્પતિ દ્વારા લખાયેલ ભામતી ઉપરની અમલાનન્દે લખેલ ‘કલ્પતરુ’ નામની ટીકા ઉપર દીક્ષિતજીએ ‘પરિમલ’ ટીકા લખી છે. એ સાથે ‘સિદ્ધાંતસંગ્રહ’ નામની અદ્વૈતવેદાન્તના સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડતી કૃતિ, તો શિવાદ્વૈત વિશે ‘શિવાર્કમણિદીપિકા’ નામની તેમની કૃતિ જાણીતી છે. અલંકારશાસ્ત્રમાં તેમણે ‘વૃત્તિવાર્તિક’, ‘ચિત્રમીમાંસા’ અને ‘કુવલયાનંદ’ એ ત્રણ કૃતિઓની રચના કરી છે.
સુપ્રસિદ્ધ વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિત તેમના શિષ્ય હતા. પંડિતરાજ જગન્નાથ દીક્ષિત સાથેનો તેમનો વિવાદ અને ખંડન-મંડન વિદ્વદમંડલમાં જાણીતાં છે.
ભગવતીપ્રસાદ પંડ્યા