અપ્પન્ તમ્પુરાન્ (જ. 1899; અ. 1947) : મલયાળમ લેખક અને પત્રકાર. આખું નામ રામ વરણ અપ્પન્ તમ્પુરાન્. કોચીન રાજ્યના રાજકુમાર. એમણે પત્રકારત્વ, નવલકથા, વિવેચન, સંશોધન, નિબંધ વગેરે ક્ષેત્રો ખેડ્યાં છે. એમણે ભારતીય પરંપરાગત શિક્ષણપ્રણાલી અનુસાર ગુરુકુળમાં શિક્ષણ લીધું હતું અને ત્યાંથી સ્નાતક થયેલા. વ્યાકરણ, તર્ક અને આયુર્વેદમાં પારંગતની ઉપાધિ પ્રાપ્ત કરેલી. ‘રસિકરંજિની’ નામનું સામયિક પણ શરૂ કરેલું. એ સામયિક માટે વિષયવૈવિધ્યની સાથે સુપ્રસિદ્ધ અંગ્રેજી સામયિક ‘મૉડર્ન રિવ્યૂ’ની બરાબરી કરવાનો તેમનો પ્રયત્ન હતો. તે સમયના બધા જ પ્રતિષ્ઠિત લેખકો તે સામયિકમાં પોતાની રચનાઓ મોકલતા. એમણે ‘મંગલોદયમ્’ નામનું બીજું સામયિક પણ શરૂ કરેલું. આ બંને સામયિકોનું મલયાળમ ભાષાના સાહિત્યિક પત્રકારત્વમાં ઊંચું સ્થાન છે. એમણે ‘ભૂતરાયર’ નામની એક બૃહદ્ ઐતિહાસિક નવલકથા પણ રચી છે. એમના નિબંધો પાંચ ભાગોમાં ‘મંગલમાલા’ નામે પ્રગટ થયા છે. જેમાં તેમનું વિવિધ વિષયોનું અગાધ જ્ઞાન, ભાષાપ્રભુત્વ તથા શૈલીવૈવિધ્યનો પરિચય થાય છે. એમનું ‘દ્રવિડ વૃત્તંગલમ્’ દ્રાવિડી છંદોનાં સ્વરૂપ અને ક્રમિક વિકાસનું વિશ્લેષણાત્મક નિરૂપણ છે. એમણે કાવ્યલેખનથી શરૂઆત કરેલી, પરંતુ પછીથી ગદ્યસાહિત્ય તરફ વળેલા. એમણે ‘ભાસ્કર મેનન’ નવલકથા લખી તે મલયાળમ સાહિત્યમાં પ્રથમ જાસૂસી નવલકથા ગણાય છે. એ ઉપરાંત એમણે ‘મુન્નાટ્ટુ વીરમ્’ (1930), ‘કલા વિપથર્યમ્’ (1932) તથા ‘કુમુદમ્’ (1940) એ ત્રણ નાટકો રચ્યાં હતાં. પ્રાચીન મલયાળમ હસ્તપ્રતોનું સંશોધન અને સંપાદન પણ તેમણે કર્યું છે, જેમાં ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ પ્રથમ મલયાળમ કૃતિ તરીકે ધ્યાન ખેંચે છે. આમ, અપ્પન્ તમ્પુરાન્ મલયાળમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાનના અધિકારી છે.
અક્કવુર નારાયણન્