અપીલ : ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતના ન્યાયનિર્ણયની ન્યાયિક ફેરવિચારણા. નીચલી અદાલતના ન્યાયનિર્ણયથી અસંતુષ્ટ પક્ષકાર ઉપલી અદાલત સમક્ષ તે અંગેનાં પોતાનાં કારણો જણાવી જે ન્યાયિક કાર્યવાહી કરવા માટેની દાદ માગતી અરજી દાખલ કરે તેને અપીલ કહેવામાં આવે છે. દીવાની અદાલતના હુકમ કે હુકમનામા સામેની અપીલ અંગેના પ્રબંધો સિવિલ પ્રોસીજર કોડ, 1908ની કલમો 96થી 111 તથા આદેશો 41થી 45માં આપવામાં આવેલા છે, જ્યારે ફોજદારી અપીલ અંગેના પ્રબંધો ક્રિમિનલ પ્રોસીજર કોડ, 1973ની કલમો 372થી 394માં આપવામાં આવેલા છે. ભારતમાં સુપ્રીમ કૉર્ટની અપીલને લગતી હકૂમત અંગેના પ્રબંધો ભારતના સંવિધાનના અનુચ્છેદો 132થી 136માં છે.
અપીલ કરવાનો અધિકાર કાનૂનજન્ય અધિકાર છે એટલે અપીલ કરવા અંગેનો પ્રબંધ હોય તો જ અપીલ થઈ શકે, અન્યથા અપીલ થઈ શકે નહિ.
ગુજરાત રાજ્યમાં આવેલી દીવાની અદાલતો પૈકી માત્ર જિલ્લા અદાલતો અને ગુજરાતની વડી અદાલતને અપીલને લગતી હકૂમત છે. અમદાવાદની સ્મૉલ કૉઝ કૉર્ટના ન્યાયાધીશે ભાડા કબજાના દાવામાં કરેલા હુકમ કે હુકમનામા સામેની અપીલ તે જ કૉર્ટની બે ન્યાયાધીશોની બનેલી એપેલેટ બેન્ચ સમક્ષ થઈ શકે છે. જ્યારે ભાડા કબજા સિવાયના અન્ય દાવામાં આ કૉર્ટ હુકમનામું કરે તો તે સામેની અપીલ ન્યૂ ટ્રાયલ ઍપ્લિકેશન પ્રેસિડન્સી સ્મૉલ કૉઝ કૉર્ટ્સ ઍકટ, 1880ના પ્રબંધો મુજબ સાત દિવસની મુદતમાં કરવાની હોય છે. સિવિલ જજ જુનિયર ડિવિઝનના હુકમ કે હુકમનામા સામેની અપીલ જિલ્લા અદાલતમાં અને જિલ્લા અદાલત કે અમદાવાદની સિટી સિવિલ કૉર્ટના હુકમ કે હુકમનામા સામેની અપીલ ગુજરાતની વડી અદાલત સમક્ષ દાખલ કરી શકાય છે.
સામાન્ય રીતે સિવિલ જજ સીનિયર ડિવિઝનના હુકમ કે હુકમનામા સામેની અપીલ ગુજરાતની વડી અદાલતમાં દાખલ કરી શકાય, પરંતુ સરકાર અગર સરકારી અમલદારે પોતાના હોદ્દાની રૂએ કરેલા કાર્ય સામેનો દાવો હોય અને દાવાનો આંક રૂ. 20,000થી ઓછો હોય તો હુકમનામા સામેની અપીલ જિલ્લા અદાલતમાં કરવી પડે છે.
ન્યાયિક કાર્યવાહીના પક્ષકારો વચ્ચે કાર્યવાહીના વિષયવસ્તુ બાબત સમાધાન થાય અને તે મુજબ હુકમનામું થાય તો તે સામે અપીલ થઈ શકે નહિ.
ફોજદારી કેસમાં કામ ચલાવનાર અદાલત તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મૂકે તો તે સામેની અપીલ ગુજરાતની વડી અદાલતમાં કરવી પડે.
સામાન્ય નિયમ એવો છે કે અપીલ સાંભળનાર અદાલત વિધિમાન્ય ખાસ સંજોગો સિવાય મૌખિક પુરાવો લઈ શકે નહિ કે નવો દસ્તાવેજી પુરાવો દાખલ કરી શકે નહિ.
ઉમાકાન્ત મા. પંડિત