અપસ્ફોટન (knocking) : અંતર્દહન એન્જિનમાં પ્રસ્ફોટન (detonation)થી ઉત્પન્ન થતો ઘડાકા જેવો તીવ્ર ધ્વનિ. યોગ્ય રીતે કાર્ય કરતા પેટ્રોલ એન્જિનના દહનકક્ષ(combustion chamber)માં પેટ્રોલ-હવાનું મિશ્રણ અમુક ચોક્કસ દબાણે હોય ત્યારે ચોક્કસ સમયે સ્પાર્ક-પ્લગમાંથી તણખા ઝરતાં ઉત્પન્ન થતું અગ્ર (flame front) એકધારી ગતિએ આગળ વધે છે અને સઘળું મિશ્રણ સળગે છે. તેને લીધે તાપમાન તથા દબાણ વધે છે. દટ્ટા(piston)ને ગતિ મળે છે. વધુ સારી ઉષ્મા-કાર્યક્ષમતા (thermal-efficiency) મેળવવા માટે ઊંચો દાબ ગુણોત્તર જરૂરી છે. પણ સામાન્ય સંજોગોમાં ઊંચા દબાણે અપસ્ફોટન થાય છે. સ્પાર્ક પ્લગમાંથી ઝરતા તણખાને પેટ્રોલ-હવા મિશ્રણ ઝીલે ને વ્યવસ્થિત દહન થાય તે પહેલાં જ્વાલાની આગળનું મિશ્રણ એકાએક સળગી ઊઠે છે અને નિરંકુશ રીતે બળે છે. આથી જોરદાર ઉચ્ચ આવૃત્તિ(frequency)વાળા દાબ-તરંગ પેદા થાય છે, અને એન્જિન ધ્રુજારો અનુભવે છે. આમ થતાં સ્પાર્ક-પ્લગ વધુ ગરમ થાય છે અને મિશ્રણ જરૂરી દબાણ તળે આવતા પહેલાં સળગી ઊઠે છે, જેને પરિણામે ઊર્જાનું નિર્માણ બિનકાર્યક્ષમ (inefficient) થાય છે અને યંત્રને નુકસાન થાય છે.
એમ માલૂમ પડ્યું છે કે ઉપશાખાયુક્ત (branched) હાઇડ્રોકાર્બન-–સંયોજનોનું અપસ્ફોટન ઓછું થાય છે. વળી એરોમૅટિક એમીન, અને કાર્બધાત્વિક (organometallic) સંયોજનો ઉમેરવાથી અપસ્ફોટન ઘટાડી શકાય છે. આથી પેટ્રોલમાં આઇસોહાઇડ્રોકાર્બનનું પ્રમાણ શક્ય તેટલું વધારે રખાય છે, અને ટેટ્રાઇથાઇલ લેડ [(C2H5)4Pb] જેવાં અપસ્ફોટનરોધી (antiknock) સંયોજનો ઉમેરાય છે. દહનના અંતે સીસું સ્પાર્ક-પ્લગ તથા નળાકારની દીવાલો ઉપર જામે નહિ તે માટે ઇથિલીન ડાયબ્રોમાઇડ/ક્લોરાઇડ ઉમેરાય છે. આ સંયોજનો સ્વયંઉપચયન(auto-oxidation)ની પ્રક્રિયા-શૃંખલાને અવરોધીને અપસ્ફોટન અટકાવે છે. પ્રક્રિયાને અંતે છૂટું પડતું સીસું લેડ બ્રોમાઇડ/ ફલૉરાઇડમાં રૂપાંતરિત થઈને નિષ્કાસ વાયુઓ (exhaust gases) સાથે બહાર આવી જાય છે.
ઉપેન્દ્ર છ. દવે