અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ (aphelion and perihelion) : ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા એવા જ કોઈ પિંડની ભ્રમણકક્ષામાં સૂર્યથી અનુક્રમે મહત્તમ અને લઘુતમ અંતરે આવેલાં સ્થાનો. પૃથ્વી ઉપરથી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે કે આખું વર્ષ સૂરજનું બિંબ એકસરખું દેખાતું નથી. મતલબ કે વર્ષના અમુક ચોક્કસ દિવસો દરમિયાન સૂર્યબિંબના ભાસમાં એકસરખાપણું જણાતું નથી. જાન્યુઆરીના આરંભમાં તે સહેજ મોટું, જ્યારે જુલાઈના આરંભમાં તે સહેજ નાનું બનતું જણાય છે. સૂર્યના દૃષ્ટવ્યાસમાં થતા આ ફેરફારનો અર્થ એ થયો કે જાન્યુઆરી અને જુલાઈ માસનાં પૃથ્વીસૂર્ય અંતર સરખાં નથી. પહેલી યા ત્રીજી જાન્યુઆરીની આસપાસ પૃથ્વી સૂર્યની વધુ નજદીક હોય છે, જ્યારે ત્રીજી જુલાઈની આસપાસ વધુ દૂર. આ બતાવે છે કે પૃથ્વીની કક્ષા વર્તુળાકાર નથી અને સૂર્ય એના કેન્દ્રમાં નથી.
હકીકતે, પૃથ્વીની કક્ષા દીર્ઘવૃત્તની હોય, તો જ આમ બને. આને કારણે જ, જાન્યુઆરી માસના પ્રારંભમાં સૂર્યપૃથ્વીનું અંતર ઘટીને 14,70,00,000 કિમી. (9,13,41,000 માઈલ) થઈ જાય છે, જ્યારે જુલાઈના પ્રારંભમાં તે વધીને 15,20,00,000 કિમી. (9,44,48,000 માઈલ) જેટલું થાય છે. ખગોળીય અંતરોમાં આટલો તફાવત નહિવત્ ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો, પૃથ્વીની કક્ષા દીર્ઘવૃત્ત છે ખરી, પણ એ દીર્ઘવૃત્ત વર્તુળને લગભગ મળતું આવે તેવું છે. પૃથ્વીની કક્ષાની દીર્ઘવૃત્તતા (વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો કક્ષીય ઉત્કેન્દ્રતા યા કક્ષીય કેન્દ્રચ્યુતિ–orbital eccentricity) બહુ ઓછી છે. સૂર્યમાળાના અન્ય ગ્રહોની કક્ષાઓ પણ લગભગ વર્તુળાકાર યા વર્તુળને મળતા દીર્ઘવૃત્તની જ છે. આમાં બુધ અને પ્લૂટો થોડો અપવાદ ગણી શકાય, કારણ કે એ બંનેની કક્ષાનું દીર્ઘત્વ પૃથ્વીને હિસાબે વધુ છે. કેટલાક લઘુગ્રહો અને ધૂમકેતુઓની કક્ષાઓનું દીર્ઘત્વ તો એમના કરતાં પણ ક્યાંય વધુ છે. આપણે જાણીએ છીએ કે કેપ્લરના ગ્રહગતિના ત્રણ નિયમો પૈકી પહેલા નિયમ મુજબ વર્તુળને તો એક જ કેન્દ્ર હોય છે, પણ દીર્ઘવૃત્ત(ઉપવલય)ને બે કેન્દ્ર હોય છે, જેમને નાભિઓ કહેવાય છે. સૂર્ય આ દીર્ઘવૃત્તના કેન્દ્રમાં નથી, પણ તેની એક નાભિમાં છે. આ કારણે જ કક્ષામાં ફરતો ગ્રહ, લઘુગ્રહ યા ધૂમકેતુ એક વખતે સૂર્યની વધુમાં વધુ નજદીક આવે છે અને બીજી વખતે તે દૂરમાં દૂર જાય છે. આ બંને અંતિમોને દર્શાવવા ખગોળશાસ્ત્રમાં ‘પેરિહીલિયન’ (ઉપસૌર બિંદુ) અને ‘ઍફીલિયન’ કે ‘ઍપહીલિયન’ (અપસૌર બિંદુ) એવા બે ભિન્ન શબ્દો વપરાય છે. વ્યાખ્યા આપવી હોય તો ‘પેરિહીલિયન’ એટલે ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા સૂર્યની પરિકમ્મા કરતા કોઈ પણ પિંડ(જેમ કે માનવસર્જિત અંતરીક્ષયાન)ની ભ્રમણકક્ષામાંનું સૂર્યથી લઘુતમ અંતરે આવેલું સ્થાન, અને ‘એફીલિયન’ એટલે ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા એવા જ કોઈ પિંડની ભ્રમણકક્ષામાંનું સૂર્યથી મહત્તમ અંતરે આવેલું સ્થાન.
પોતાની આસપાસ ફરતા ગ્રહ યા ધૂમકેતુને સૂર્ય હમેશાં પોતાના તરફ ખેંચતો રહે છે. આ કારણે આવો પિંડ સૂર્યની જેમ નિકટ આવતો જાય છે તેમ તેના પરનું સૂર્યનું આકર્ષણ વધતું જાય છે. સૂર્યના આકર્ષણનો સામનો આ પિંડ પોતાના કક્ષાવેગથી કરે છે. આ કારણે આવો પિંડ સૂર્યની પાસે આવે છે ત્યારે એનો કક્ષામાં દોડવાનો વેગ વધુ હોય છે અને સૂર્યથી દૂર જાય છે ત્યારે તે ઓછો થઈ જાય છે. બીજી રીતે કહીએ તો કેપ્લરના ગ્રહગતિ માટેના બીજા નિયમ મુજબ ‘ઍફીલિયન’ વખતે કક્ષામાં ઘૂમતા પિંડનો વેગ ઘટે છે, જ્યારે ‘પેરિહીલિયન’ વખતે તે વધે છે. પૃથ્વીની વાત કરીએ તો ‘ઍફીલિયન’ સમયે તેનો કક્ષાવેગ દર સેકંડે 29.3 કિમી. હોય છે, જ્યારે ‘પેરિહીલિયન’ સમયે તે વધીને સેકંડે 30.3 કિમી. જેટલો થાય છે. આમ પૃથ્વીનો યા અન્ય કોઈ પણ ગ્રહનો કે પછી ધૂમકેતુનો કક્ષાવેગ હમેશાં વધતો-ઘટતો રહે છે. ગણતરીમાં સરળતા ખાતર પિંડના સરાસરી વેગને ધ્યાનમાં લેવાય છે. પૃથ્વીનો સરાસરી કક્ષાવેગ સેકંડે 29.8 કિમી. અથવા દર કલાકે 1,07,000 કિમી. જેટલો છે.
જેવી રીતે સૂર્યમાળાના પિંડો સૂર્યની આસપાસ ઘૂમે છે, તેવી જ રીતે ગ્રહોની આસપાસ એમના ઉપગ્રહો (કુદરતી ચંદ્રો) દીર્ઘવૃત્તાકાર કક્ષામાં ઘૂમે છે. આ દરેક માટે અલગ અલગ શબ્દો પ્રયોજાય છે. જેમ કે ગુરુના ચંદ્રો કે પછી શનિના ચંદ્રો માટેના નિકટતમ બિંદુને અનુક્રમે ‘પેરિજોવ’ અને ‘પેરિસૅટર્નિયમ’, જ્યારે દૂરતમ બિંદુને અનુક્રમે ‘ઍપોજોવ’ અને ‘ઍપોસૅટર્નિયમ’ કહેવાય છે. પૃથ્વીની આસપાસ ઘૂમતા ચંદ્ર કે પછી માનવસર્જિત (કૃત્રિમ) ઉપગ્રહની કક્ષાના દૂરતમ બિંદુને ‘ઍપોજી’ અને નિકટતમ બિંદુને ‘પેરિજી’ કહેવાય છે. તેવી જ રીતે, આપણા ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા કરતા કૃત્રિમ ઉપગ્રહની ભ્રમણકક્ષાનાં દૂરતમ તથા નિકટતમ બિંદુઓને અનુક્રમે ‘ઍપોલ્યૂન’ અને ‘પેરિલ્યૂન’ કહેવાય છે.
સૂર્યમાળાની બહાર આવેલા પિંડોની ભ્રમણકક્ષાનાં નિકટતમ તેમજ દૂરતમ બિંદુઓ માટે પણ આ રીતે અલગ-અલગ શબ્દો પ્રયોજાય છે. જેમ કે યુગ્મતારા(binary stars)માંના બે તારા એમના સામાન્ય ગુરુત્વકેન્દ્રની આજુબાજુ ફરતા હોય છે. આ બંને તારાઓ ફરતા ફરતા જે બિંદુએ પાસેમાં પાસે આવે તે બિંદુને ‘પેરીઍસ્ટ્રોન’, જ્યારે દૂરમાં દૂર હોય તે બિંદુને ‘એપઍસ્ટ્રોન’ કહેવાય છે. તેવી જ રીતે, મંદાકિનીના કેન્દ્ર(galactic centre)થી સૂર્ય જેવા કોઈ પણ તારાની ભ્રમણકક્ષાનું દૂરતમ બિંદુ તે ‘ઍપોગેલૅક્ટિકોન’, જ્યારે નિકટતમ બિંદુને ‘પેરિગેલૅક્ટિકોન’ કહેવાય છે.
સુશ્રુત પટેલ
પ્ર. દી. અંગ્રેજી