અપરાજિત-પૃચ્છા : વાસ્તુ-શિલ્પ-સ્થાપત્ય પરનો સંસ્કૃત ગ્રંથ. જેમાં વિશ્વકર્મા અને તેમના પુત્ર અપરાજિત વચ્ચેના સંવાદનું વિવરણ છે. શાબ્દિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે ‘જે ક્યારેય પરાજિત ન થાય, તે વ્યક્તિ દ્વારા પૂછવામાં આવેલી વાતો’. સનાતની સાહિત્યની પરંપરા મુજબ અહીં પણ પ્રશ્નોત્તરી છે. એક અભ્યાસુ અનુમાન મુજબ તેની રચના ઈસુની ૧૧મી સદીના ગાળામાં થઈ હતી. તે મુજબ આ સમયગાળો ભારતના શાસ્ત્રીય સ્થાપત્યનો મહત્ત્વનો તબક્કો ગણાય. તે વખતે સ્થાપત્ય રચનામાં શુદ્ધતા અને નિયમિતતા આવે તે માટે આ ગ્રંથની રચના કરવામાં આવી હશે. આ રચનામાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ભારતીય શાસ્ત્રીય સ્થાપત્ય પરંપરાની વાત જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે રાજા ભોજના પ્રોત્સાહનથી તેમના રાજ્યકાળમાં આ રચના તૈયાર કરવામાં આવી હતી. એક અન્ય અભિપ્રાય મુજબ આપ પુસ્તકના મૂળ પ્રકાશક શ્રી ભુવનદેવાચાર્ય છે.
આ પુસ્તકમાં નાગર શૈલીનાં મંદિરોનું સ્થાપત્ય, મંદિરો સાથે સંકળાયેલ શિલ્પકળા, વાસ્તુ, પુરુષ મંડલા, નગર અને ગૃહઆયોજન, યંત્ર-મંત્ર-તંત્રના સિદ્ધાંત, શિલ્પ તથા શિલ્પીનાં લક્ષણ, ભૂમિનું લક્ષણ તથા પરીક્ષણ, દિશાઓનું નિર્ધારણ તથા તેમનું મહત્ત્વ, જળાશયોની રચના, મંત્ર-આહુતિ કે પ્રાણપ્રતિષ્ઠા જેવા ક્રિયાકાંડ માટેની સ્પષ્ટતા, સ્થાપત્યમાં સંભવિત દોષ તથા તેનું નિરાકરણ તથા પ્રમાણમાપના સિદ્ધાંતો જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. એમ કહી શકાય કે આ ગ્રંથમાં સ્થાપત્યકળા, ધર્મ, તકનીક તેમજ સામાજિક વ્યવસ્થાને પરસ્પર સાંકળી લેવાઈ છે. અહીં ગણિતના સિદ્ધાંતો છે, ધર્મની ભાવના છે, દૃશ્ય અનુભૂતિની સમૃદ્ધિ માટેના પ્રયત્નો છે અને જીવનને અર્થપૂર્ણ તેમજ વ્યવહારુ બનાવવાનો અભિગમ પણ છે. સ્થાપત્યને ધર્મ – અર્થ – કામ – મોક્ષ સાથે જોડવાનો આ એક સંનિષ્ઠ પ્રયત્ન છે. અહીં સ્થાપત્ય સાથે આધ્યાત્મનું પરિમાણ જોડવાનો પ્રયત્ન પણ દેખાય છે.
હેમંત વાળા
