અપઘર્ષકો (abrasives) : કોઈ વસ્તુ(લાકડું, પથ્થર, ધાતુ, કાચ વગેરે)ની સપાટીને ઘસીને લીસી કરવા, ચળકતી કરવા અથવા તેને ચોક્કસ માપ પ્રમાણે આકાર આપવા માટે વપરાતા અતિકઠિન પદાર્થો. આ પદાર્થો ચૂર્ણ રૂપે, અથવા તેના કણોને સરાણની સપાટી ઉપર, કાપડ કે કાગળ ઉપર અથવા કર્તન ઓજાર (cutting tool) ઉપર ચઢાવેલી અણી (bit) રૂપે વપરાય છે.
આદિ માનવે પથ્થરના ટુકડાને વધુ સખત પથ્થર વડે ઘસીને તેમાંથી ઓજાર કે હથિયાર બનાવ્યાં, ત્યારથી અપઘર્ષકોનો વપરાશ શરૂ થયો ગણાય. ઔદ્યોગિક વિકાસ થતાં અતિ ચોક્કસ માપનાં તથા વધુ લીસી સપાટીવાળાં યંત્રોના ભાગોની જરૂર પડે છે. વળી વધુ ને વધુ કઠિન મિશ્ર ધાતુઓ વપરાશમાં આવે છે. આથી તેને ઘસવા-કાપવા માટે વિવિધ સ્તરની કઠિનતાવાળા અપઘર્ષકો વપરાય છે.
કુદરતમાં મળી આવતા અપઘર્ષકો ઉપરાંત સંશ્ર્લેષિત (synthetic) અપઘર્ષકો બનાવવામાં આવે છે. કુદરતી અપઘર્ષકોમાં હીરો (સૌથી વધુ કઠિન), કોરન્ડમ (Al2O3), એમરી (લોહયુક્ત Al2O3), ગાર્નેટ (ઍલ્યુમિનો સિલિકેટ), ફેલ્ડસ્પાર (Na/K/Ca, એલ્યુમિનો સિલિકેટ), માટી, ચૂનો, ચાક, પ્યુમિસ (થીજેલો ફીણયુક્ત લાવા), તથા સિલિકા (રેતાળ પથ્થર, રેતી, ચકમક, કીસલગુહર) અગત્યનાં ગણાય. સંશ્ર્લેષિત અપઘર્ષકોમાં કાર્બોરન્ડમ (SiC), ઍલ્યૂમિનિયમ ઑક્સાઇડ, બોરૉન કાર્બાઇડ (B4C), ટાઇટેનિયમ કાર્બાઇડ (TiC) અને હીરો અગત્યનાં છે. અપઘર્ષકોના ભૂકાને કણોના માપ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે અને સરાણ ઉપર ઑક્સિક્લોરાઇડ સિમેન્ટ વડે ચોંટાડાય છે. કાચકાગળમાં રેતીને સરેશની મદદથી કાગળ ઉપર ચોંટાડેલી હોય છે.
કર્તન-ઓજારોનાં (બિટ) ખાસ પદ્ધતિથી ઓજારના છેડે લગાડવામાં આવે છે. સરાણ ઉપરના અપઘર્ષકોના કણોની ધાર બૂઠી થાય ત્યારે તે ખરી પડીને નીચેના સ્તરના ધારદાર કણો વપરાશમાં આવે તે રીતે ગોઠવવામાં મદદ કરી શકે તેવું સિમેન્ટ-મિશ્રણ વપરાય છે. સંશ્લેષિત હીરા મુખ્યત્વે શારડીની ધારદાર અણીઓ તરીકે વપરાય છે, અને તેનું બારીક ચૂર્ણ કુદરતી હીરાને ઘસવાના કામમાં વપરાય છે. ઘરવપરાશના અપઘર્ષકો પ્રમાણમાં ઓછી કઠિનતા ધરાવે છે. સામાન્ય રીતે વધુ કઠિન અપઘર્ષકો દુર્ગલનીય (refractory) હોય છે, તેથી ભઠ્ઠીઓમાં ઉપયોગી છે.
ઉપેન્દ્ર છ. દવે