અપકેન્દ્રી પંપ : તરલ(fluid)ને ત્રિજ્યાની દિશામાં બહારની તરફ પ્રવેગ આપવા માટેની યાંત્રિક રચના. બધા પ્રકારના પંપો કરતાં અપકેન્દ્રી પંપ વડે તરલના વધુ જથ્થાની હેરફેર થઈ શકે છે. આ પ્રકારના પંપો તરલના થડકારરહિત અસ્ખલિત પ્રવાહ, મોટી ક્ષમતા માટેની અનુકૂળતા, સરળ સંચાલન અને ઓછી કિંમતને કારણે સામાન્ય રીતે પસંદ કરવામાં આવે છે. તરલની શ્યાનતા (viscosity) ઊંચી હોય અથવા કાંઈક ઊંચા દબાણે લઈ જવાની જરૂરિયાત હોય ત્યારે આ પંપ પસંદ કરવામાં આવતો નથી.
આ પંપમાં મુખ્યત્વે ગોળ ફરતા એક કે વધુ પ્રણોદક (impeller) બહારના સ્થિર કેસિંગ(ખોળ)માં બેસાડેલ હોય છે. કેસિંગનું કાર્ય તરલને પ્રણોદક તરફ અને તેની બહાર અથવા બહુક્રમ (multistage) પંપમાં એક પ્રણોદકમાંથી બીજા પ્રણોદક તરફ લઈ જવાનું હોય છે. પંપના અગત્યના ભાગો નીચે મુજબ છે : (1) નિઘર્ષણ વલયો (wearing rings) જે પ્રણોદકને ફરવા જેટલી જ જગા કેસિંગ જોડે રાખે છે, જેથી તરલનું વહેણ નિકાસસ્થાનથી ચૂસણસ્થાને ઓછામાં ઓછું થાય. (2) શાફ્ટ, જે પ્રણોદકને ટેકવે છે અને ફેરવે છે. (3) ભરણ (stuffing) બૉક્સ અથવા સીલ (seal), જે શાફ્ટ અને કેસિંગ વચ્ચેથી તરલને ટપકતું (leakage) અટકાવે છે. ગોળ ફરતું પ્રણોદક અપકેન્દ્રી બળને કારણે તરલને દબાણ અને ગતિજ ઊર્જા (kinetic energy) આપે છે. કેસિંગમાં રાખેલ સંગ્રાહક – ખંડ (collection chamber) તરલની મોટા-ભાગની ગતિજ ઊર્જાને દબાણ-ઊર્જામાં રૂપાંતરિત કરે છે. પ્રણોદકમાં તરલ દાખલ થઈને બહાર નીકળે ત્યાં સુધી અવરોધ વગરનો માર્ગ હોય છે. તરલ પ્રણોદકની એક કે બંને બાજુથી દાખલ થાય છે.
જો કોઈ પ્રબંધ ન કરવામાં આવે તો પ્રણોદકનું પરિભ્રમણ અટકતાં તરલ પાછું નીચે વહી જાય છે. આ જ કારણથી પંપને ચાલુ કરતા પહેલાં તરલથી ભરી દેવામાં આવે છે. આને ‘પ્રાઇમિંગ’ (પૂર્વ સંભરણ) કહે છે. પ્રાઇમિંગ કર્યા વગર ચલાવી શકાય તેવા અપકેન્દ્રી પંપ બહુ પ્રચલિત નથી. નિયત ગતિએ એક પ્રણોદકને ચલાવવામાં આવે તો પ્રવાહમાં ફેરફાર કરવા છતાં ઉત્પન્ન થતા દબાણમાં અમુક જ ફેરફાર થઈ શકે છે. આ કારણથી વધારે દબાણની જરૂર હોય ત્યારે બેથી ત્રીસ પ્રણોદકોનો ઉપયોગ કરીને બહુક્રમ પંપ(multi-stage pump)નું આયોજન કરવામાં આવે છે. વાયુદાબક (gas compressor) પણ આ જ નિયમ અનુસાર કાર્ય કરે છે.
અપકેન્દ્રી પંપ કૂવા-પાતાળમાંથી સિંચાઈને પાણી ખેંચવા માટે, ગંદા પાણીના નિકાલમાં, રસાયણોનું સ્થળાંતર કરવા માટે એમ વિવિધ હેતુસર ઉપયોગમાં લેવાય છે.
ઉપેન્દ્ર છ. દવે