અનુશાસન : અનુશાસન એટલે ઉપદેશ, આજ્ઞા, અનુકૂલન, આદેશ, માર્ગદર્શન. વૈદિક સાહિત્યમાં આ શબ્દ એવા અર્થોમાં પ્રયુક્ત થયેલો છે. ધર્મનિરૂપણ કે ધર્મોપદેશ એવો પણ તેનો અર્થ છે. भावे ल्युद् પ્રત્યયાન્ત અનુશાસન શબ્દના યથાર્થ જ્ઞાપન, નિરૂપણ, કર્તવ્યોપદેશ એવા અર્થો છે. करणे ल्युद् પ્રત્યયાન્ત તે શબ્દનો અર્થ શાસ્ત્રોપદેશ એમ થાય છે. શબ્દાનુશાસન એટલે અસાધુ શબ્દોથી સાધુ શબ્દોને જુદા તારવી સમજાવવા. યોગાનુશાસન એટલે યોગશાસ્ત્રનો ઉપદેશ. મહાભારતના અનુશાસન પર્વમાં ધર્મનિરૂપણ દ્વારા ઉપદેશ કે માર્ગદર્શન એવા અર્થ અનુસાર પ્રસંગો, આખ્યાનોપાખ્યાનો આદિનો સંગ્રહ છે. એ જ રીતે કાવ્યાનુશાસન, છંદાનુશાસન વગેરે.
નટવરલાલ યાજ્ઞિક