અનુનય (1978) : ગુજરાતી કવિ જયંત પાઠકનો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કાવ્યસંગ્રહ. સંગ્રહનાં ચોસઠ કાવ્યો પૈકી મોટાભાગનાંનો રચનાકાળ 1974-1977 દરમિયાનનો છે. ગીત, ગઝલ, સૉનેટ ઉપરાંત માત્રામેળ અને સંસ્કૃત વૃત્તોમાં તથા ગદ્યલયમાં આલેખેલાં બીજાં કાવ્યોમાં કવિએ પ્રકૃતિસૌંદર્ય, વતનપ્રેમ, ગ્રામજીવન, કુટુંબભાવો અને યુગસંદર્ભમાં માનવીનાં વિષાદ, વેદના આદિ વિષયોનાં સંવેદનો આલેખ્યાં છે. વેદનાનો સૂર ઊંડો છતાં હતાશાપૂર્ણ નથી. માનવીમાં શ્રદ્ધા છે. (‘તમને એટલે કે માણસને’) માનવસહજ વેદના તથા દૌર્બલ્ય સાથે માનવીય ગૌરવને પણ કવિ સબળ અભિવ્યક્તિ આપે છે – (‘માણસ’). યુગના ભારની ભીંસ ‘ભાર’ કાવ્યમાં લાઘવ અને ચોટપૂર્વક અનુભવાય છે. સાંજ, સવાર, બપોર અને ઋતુ-ઋતુનાં ખાસ કરીને વર્ષાનાં રમણીય ચિત્રો કવિએ દોરેલાં છે. ‘જાતકકથા’ સમી સૉનેટરચના, ‘ક્યાં સુધી ?’ જેવી ગઝલ અને ‘કાગળ’, ‘છેવટનું ગીત’, ‘આંસુડે વરસાદ પડ્યો’ જેવી ગીતરચનાઓ તે તે કાવ્યપ્રકારમાં કીમતી ઉમેરારૂપ છે. ‘પાછો વળું’ એ રચના તો પાંચે ઇંદ્રિયોથી પીવાની રચના છે. પ્રણયક્રીડા આલેખતાં છંદોબદ્ધ કાવ્યો અત્યંત મનોરમ બનેલાં છે. ગદ્યલય દ્વારા કવિ યુગચેતના અને માનવવેદનાને કળામય વાચા આપે છે. ગીતોનો લય મસ્તી અને તાજગીવાળો છે. કવિએ યોજેલ કલ્પનો, ઇન્દ્રિયવ્યત્યયો અને અલંકારો પરંપરા સાથે વિચ્છેદ કર્યા વગર પણ કવિની આધુનિકતાનો બોધ કરાવે છે. અલ્પ અપવાદો સિવાય અભિવ્યક્તિ નકશીદાર અને તાજગીવાળી બની છે. કવિતાની કવિતામાં આપેલી વ્યાખ્યા પણ કાવ્ય રૂપે ગળે અને હૈયે ઊતરે તેવી છે.
પ્રાગજીભાઈ ભાંભી