અનુદાન (grant-in-aid) : રાજ્ય સરકારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત વગેરે સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા દેશોમાં સરકારના નીચલી કક્ષાના એકમોને નાણાકીય મદદના સાધન તરીકે અનુદાન ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે રાજ્ય સરકારો કે પ્રાદેશિક સરકારોની નાણાકીય જરૂરિયાતોની સરખામણીમાં તેમને ઉપલબ્ધ નાણાકીય સાધનોનું પ્રમાણ ઓછું હોય છે. એના પરિણામે તેમના અંદાજપત્રમાં સર્જાતી ખાધ અનુદાન દ્વારા ઘટાડવામાં આવે છે.
જુદા જુદા દેશોમાં અનુદાનના ઉદ્દેશો જુદા જુદા છે. અમેરિકામાં રાજ્યો પોતાના વિસ્તારની પ્રજાને કોઈ એક આર્થિક કે સામાજિક સેવા પૂરી પાડવા કે તેનું વિસ્તરણ કરવા પ્રેરાય તેમજ સેવાઓનું લઘુતમ ધોરણ જાળવી રાખવા શક્તિમાન બને એ બે ઉદ્દેશો હોય છે. ઑસ્ટ્રેલિયામાં રાજ્યો સંભવિત આપત્તિઓનો સામનો કરી શકે એ ઉદ્દેશને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કૅનેડામાં પ્રાદેશિક અસમતુલા ઘટાડવાના ઉદ્દેશને અગ્રતા આપવામાં આવી છે. ભારતમાં નાણાંપંચોએ અનુદાનના બે ઉદ્દેશો મહત્ત્વના ગણ્યા છે : (1) રાજ્યોની અંદાજપત્રીય ખાધ ઘટાડવી કે જેથી તેઓ જાહેર સેવાઓ વર્તમાન સપાટીએ જાળવી શકે અને (2) રાજ્યો-રાજ્યો વચ્ચે જાહેર સેવાઓની બાબતમાં પ્રવર્તમાન અસમાનતા ઘટાડવી.
અનુદાનના મુખ્ય બે પ્રકારો છે : સર્વસામાન્ય કે બિનશરતી અનુદાન અને વિશિષ્ટ કે શરતી અનુદાન. રાજ્યો કેન્દ્ર સરકાર તરફથી મળેલા અનુદાનનો ગમે તે હેતુ માટે ઉપયોગ કરી શકે તો એ સર્વસામાન્ય અનુદાન કહેવાય છે. પણ કેન્દ્ર સરકાર રાજ્યોને ચોક્કસ હેતુ માટે એવું અનુદાન આપે કે જેનો અન્ય હેતુ માટે ઉપયોગ થઈ શકે નહિ, તો એ વિશિષ્ટ અનુદાન કહેવાય છે. આર્થિક આયોજનના સંદર્ભમાં વિશિષ્ટ અનુદાનને યોજનાકીય અનુદાન અને સર્વસામાન્ય અનુદાનને બિનયોજનાકીય અનુદાન પણ કહેવામાં આવે છે.
ભારતમાં બંધારણની કલમ 282 હેઠળ કેન્દ્ર સરકાર આયોજન પંચની ભલામણ અનુસાર ગમે તે રાજ્યને ગમે તે હેતુ માટે અનુદાન આપી શકે છે. જ્યારે બંધારણની કલમ 275 હેઠળ તે નાણાપંચની ભલામણ અનુસાર રાજ્યોની બિનયોજનાકીય અંદાજપત્રની ખાધ પૂરવા શરતી તેમજ બિનશરતી અનુદાન આપે છે. કેન્દ્ર સરકારની માફક રાજ્ય સરકાર દ્વારા પણ અનુદાન આપવાની જોગવાઈ હોય છે.
ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાળા