અનુક્રમણી : વૈદિક મંત્રોના ઋષિ, દેવ આદિ બાબતો વિશેની સૂચિઓ. આવી સૂચિઓ વિષયવાર જુદી જુદી પણ હોય છે અને સર્વ વિષયોના સંગ્રહરૂપ સર્વાનુક્રમણીઓ હોય પણ છે. વૈદિક ઋષિઓનાં આજુબાજુ વસતાં કુળોમાં સચવાયેલા મંત્રોને સર્વસુલભ કરવાના હેતુથી વેદવ્યાસે તેમને સંહિતાઓમાં સંગૃહીત કર્યા ત્યારે મંત્રોના ઋષિ, દેવતા અને છંદનો પરિચય સુલભ હતો. પ્રતિદિન યજ્ઞાનુષ્ઠાન અને બ્રહ્મયજ્ઞને લીધે સંહિતાઓના અનુવાકાદિનો પણ પરિચય હતો. કાલક્રમે આ પરિચય ક્ષીણ થતાં ઋષિ, દેવતા, છંદના અસ્ખલિત સ્મરણના અભાવે વિધિવિધાનમાં મંત્રોના પ્રયોગમાં અડચણ થવા લાગી. તેના ઉપાય રૂપે શૌનકે સર્વપ્રથમ ઋગ્વેદના મંત્રોની વિવિધ સૂચિઓ રચી. તે અનુક્રમણીઓના નામે ઓળખાય છે. શૌનક વેદવ્યાસની પરંપરામાં તેમના અનંતરકાલીન હોઈ તેમની સૂચિઓનું પ્રામાણ્ય અસંદિગ્ધ છે. શૌનકની પ્રસિદ્ધ દસ રચનાઓ છે. (1) આર્ષાનુક્રમણી, (2) દૈવતાનુક્રમણી, (3) છંદોનુક્રમણી, (4) અનુવાકાનુક્રમણી, (5) સૂક્તાનુક્રમણી, (6) પાદાનુક્રમણી, (7) ઋગ્વિધાન, (8) બૃહદ્દેવતા, (9) સ્માર્તસૂત્ર કે શૌનકસ્મૃતિ, (10) ઋક્પ્રાતિશાખ્ય. આ સૂચિઓ ઋગ્વેદના અધ્યયનમાં અત્યંત ઉપકારક છે. એમાં પહેલી ત્રણ અનુક્રમણીઓ કર્મકાંડમાં મંત્રપ્રયોગ માટે ઉપયોગી છે. અનુવાક્ સૂક્ત અને પાદની અનુક્રમણીઓ નિત્ય બ્રહ્મયજ્ઞ માટે ઉપયુક્ત છે. પાદાનુક્રમણી વિશે શૌનકે જ કહ્યું છે કે કેટલીક ઋચાઓમાં પાદનિશ્ચય કરવામાં સંશય થાય એમ છે. તેથી પાદાનુક્રમણીની રચના કરાઈ છે. આ અનુક્રમણીનું પાદવિધાન એવું નામાન્તર એમ માનવા પ્રેરે છે કે ઋચાઓનાં ચરણોના વિધિપ્રયોગોનો પણ એ અનુક્રમણીમાં નિર્દેશ હશે. આર્ષાનુક્રમણીમાં 320 શ્લોકો છે. છંદોનુક્રમણીમાં પ્રથમ મંડલ સિવાયનાં સર્વ મંડલોની શ્લોકસંખ્યા 238 છે. પ્રથમ મંડલ સાથે તે પ્રાય: 300 શ્લોકોની હશે એમ મેકડોનલનું ધારવું છે. આ બંને અનુક્રમણીઓ પોથી સ્વરૂપે છે. દેવતાનુક્રમણીની કોઈ પોથી મળતી નથી. ષડ્ગુરુશિષ્યે તેમાંથી આપેલાં દસેક અવતરણો ઉપરથી તે મિશ્ર પદ્યસ્વરૂપની હોવાનું અનુમાન થાય છે. અનુવાકાનુક્રમણી પર ષડ્ગુરુશિષ્યની ટીકા છે. મેકડોનલે સર્વાનુક્રમણી સાથે આ અનુક્રમણીનો પાઠ અને ટીકા છાપ્યાં છે. તેમાં 45 પદ્યો અને અંતે એક ગદ્યવાક્ય છે. તેમાં 85 અનુવાકો ગણાવ્યાં છે. ઋગ્વિધાનમાં વિવિધ કામ્ય અનુષ્ઠાનો માટે મંત્રોનો નિર્દેશ છે. સૂક્તાનુક્રમણી વિશે કશી માહિતી મળતી નથી. પાદાનુક્રમણી પણ મળતી નથી. શૌનકસ્મૃતિ અથવા શૌનક સ્માર્તસૂત્ર પણ પ્રાપ્ત નથી. બૃહદ્દેવતા એક રીતે અનુક્રમણી જ કહેવાય. તેમાં આઠ અધ્યાયમાં બારસો પદ્યો છે અને મંડલના અનુક્રમે દેવતાઓ વિશેની પુરાકથાઓ અને સૂક્તોમાંના પ્રસંગો વિશેનાં આખ્યાનો આપેલાં છે. ઋક્પ્રાતિશાખ્યમાં મંત્રાર્થ માટે ઉપયુક્ત સ્વર, વર્ણ, પદ, સંહિતાની શુદ્ધિ નિશ્ચિત કરી છે.
શૌનક પરંપરામાં થયેલા કાત્યાયને શૌનકની છૂટીછવાઈ અનુક્રમણીઓને બદલે ઋગ્વેદની એક જ સર્વાનુક્રમણી રચી છે. સર્વાનુક્રમણી પર ષડ્ગુરુશિષ્યની વિસ્તૃત ટીકા છે. કાત્યાયને શુક્લયજુ : સર્વાનુક્રમણી પણ રચી છે. તેના ઉપર શ્રીદેવ મહાયાજ્ઞિકની ટીકા છે.
ઋગ્વેદ પર વેંકટમાધવની અનુક્રમણી એક વિશિષ્ટ પ્રકારની અનુક્રમણી છે. વસ્તુત: વેંકટમાધવે પોતાના ભાષ્યમાં પ્રત્યેક અષ્ટકના પ્રત્યેક અધ્યાયને આરંભે સ્વર, આખ્યાત, નિપાત, શબ્દાનુવૃત્તિ, ઋષિ, છંદ, દેવતા, મંત્રાર્થ એમ વિષયવાર રચેલી કારિકાઓનો આ સંગ્રહ છે, જે, ઋક્સંહિતાના અધ્યયન માટે અત્યંત ઉપયુક્ત છે.
સામવેદનું ‘સામવિધાન બ્રાહ્મણ’ વસ્તુત: સામપ્રયોગની અનુક્રમણી જ છે. સાયણના મતે, ઉપગ્રંથસૂત્ર કાત્યાયનની કૃતિ છે. તેમાં સામગાનના પ્રતિહાર ભાગનો પરિચય છે. પતંજલિકૃત નિદાનસૂત્રમાં છંદોનું વર્ણન છે. કલ્પાનુપાદસૂત્ર, અનુપદસૂત્ર, ઉપનિદાનસૂત્ર, પંચવિધાનસૂત્ર, લઘુઋક્તંત્રસંગ્રહ, સામસપ્તકલક્ષણ એ કૃતિઓમાં સંહિતાપાઠ અને સામગાન વગેરેનું વર્ણન છે.
અથર્વવેદની એક બૃહત્સર્વાનુક્રમણી અજ્ઞાતકર્તૃક છે. અથર્વપરિશિષ્ટ વિવિધ પ્રયોજનોવાળી વિસ્તૃત અનુક્રમણી છે. પંચપટલિકા તથા દંત્યોષ્ઠવિધિ પણ અનુક્રમણી પ્રકારની રચનાઓ છે.
સાંપ્રતકાલીન વિદ્વાનોમાં પં. ભગવદ્દત્તે એક બૃહત્સર્વાનુક્રમણી રચી છે. વિશ્ર્વેશ્વરાનંદ વેદ પ્રતિષ્ઠાને ઋગ્વેદ અને અથર્વવેદની અનુક્રમણીઓ સંપાદિત કરી છે.
નટવરલાલ યાજ્ઞિક