અનુકૂલન (માનસશાસ્ત્ર) (adjustment) : પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અને અન્ય લોકો સાથે સંતોષકારક રીતે તે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્ય લોકોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા.
સામાન્ય મનુષ્યને જીવનમાં ભાતભાતના ‘મુશ્કેલ’ લોકો સાથે પનારો પડતો હોય છે. ક્રોધી પિતા, રોદણાં રડતી માતા, ઈર્ષાળુ સગાંસંબંધીઓ, વઢકણી સાસુ, નાની બાબતોમાં ચીકાશ કરી કંટાળો આપનાર અધિકારી, બડાઈખોર મિત્ર કે ઝઘડાખોર પડોશી : આ બધાં સાથે સુમેળ સાધવાનું પોતાની ઇચ્છા હોય કે ન હોય તો પણ શીખવું પડે છે. એ જ રીતે જીવનના જુદા જુદા તબક્કે ઊભી થતી મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે પણ એક યા બીજી રીતે સુમેળ સાધવાનો હોય છે. સુમેળ સાધવાની આ મનોવૈજ્ઞાનિક ક્રિયાને અનુકૂલન (adjustment) કહી શકાય.
અનુકૂલન વિવિધ રીતે કરી શકાય : (1) વ્યક્તિ પોતાની ઇચ્છાઓ કે લક્ષ્યોને પડતાં મૂકીને અથવા થોડા સમય માટે મુલતવી રાખીને બીજી વ્યક્તિ કે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે અનુકૂળ બની જાય. (2) વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે પોતાની ઇચ્છાઓ કે લક્ષ્યોમાં ફેરફાર કરે પોતાની અને સામી વ્યક્તિની ઇચ્છાઓનું સમાધાન કરે અથવા (3) પોતાની અને સામી વ્યક્તિની ઇચ્છાઓનું સમાધાન કરે અથવા (4) વ્યક્તિ પોતાની ઇચ્છાઓને મક્કમપણે વળગી રહે અને સામી વ્યક્તિમાં કે અડચણરૂપ ભૌતિક સામાજિક પરિસ્થિતિમાં ફેરફાર કરી તેમને પોતાની ઇચ્છાને અનુકૂળ બનાવી દે.
માત્ર વ્યક્તિઓએ જ નહિ. પણ લોકોનાં જૂથોએ અને સામાજિક કે અન્ય સંસ્થાઓએ પણ અનુકૂલન કરવું પડે છે.
વિદેશમાં કામ કરતી ઔદ્યોગિક, વ્યાપારી, સાંસ્કૃતિક કે સેવા સંસ્થાઓ માટે ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન કરવું અનિવાર્ય બને છે.
ઘણા લાક્ષણિક સંજોગોમાં અનુકૂલન જરૂરી બને છે. ખાસ કરીને જીવનનો નવો તબક્કો શરૂ થતાં વ્યક્તિએ અનુકૂલન કરવાનું હોય છે. દા.ત., વિદ્યાર્થી પહેલી વાર શાળાએ જાય, કે નવી શાળા કે કૉલેજમાં પ્રવેશ લે ત્યારે ત્યાંના સહવિદ્યાર્થીઓ, અધ્યાપકો, આચાર્ય અને સંસ્થાના નિયમો અને વાતાવરણ સાથે અનુકૂલન કરવું પડે. નોકરી કે ધંધો શરૂ કરતી વખતે કે બદલતી વખતે સહકર્મચારીઓ, અધિકારીઓ કે ગ્રાહકો સાથે અનુકૂળ થવું પડે. નોકરી ગુમાવનાર વ્યક્તિએ પોતાની બેકાર હાલત સાથે અનુકૂલન કરવું પડે.
પરગામ, બીજા પ્રદેશ કે વિદેશમાં રહેવા જનાર માટે ત્યાંની જુદી પરિસ્થિતિઓ, રીતરિવાજો, ભિન્ન કાયદાકાનૂનો, નવા પડોશીઓ વગેરે સાથે અનુકૂળ બનવું જરૂરી બને છે. લગ્ન, છૂટાછેડા કે પુનર્લગ્ન પછી પણ અનુકૂલનના ખાસ પ્રયત્નો કરવા જરૂરી બને છે. ખાસ કરીને સ્ત્રીએ સાસરિયાં સાથે અનુકૂલન કરવું પડે. ઘરે સંતાનનો જન્મ થાય એ ઘટના પણ નવાં બનેલાં માતાપિતા પાસેથી અનુકૂલનના વિશેષ પ્રયત્નો માંગી લે છે. મધ્યવયનાં માતાપિતાએ પોતાનાં કિશોર કે યુવાન સંતાનોની શારીરિક, માનસિક કે અન્ય સમસ્યાઓ તરફ સજાગ રહીને તેમની વધતી જતી માંગણીઓ પ્રત્યે અનુકૂલન કરવાનું હોય છે. કુટુંબીજન કે ગાઢ મિત્રની ગંભીર માંદગી, અકસ્માત કે મૃત્યુ જેવી ઘટનાઓ પણ વિશેષ અનુકૂલન માંગી લે છે. વૃદ્ધાવસ્થામાં જો વ્યક્તિની તંદુરસ્તી અને શરીરની ક્ષમતાઓ ઘટે, તેનાં સંતાનો અળગાં રહે અને સમાજ તેની ઉપેક્ષા કરે તો એ પ્રત્યે પણ વૃદ્ધ વ્યક્તિએ અનુકૂલન સાધવાનું હોય છે.
ઘણા લોકો પાસે વધારે પડતો ફુરસદનો સમય હોય તો એ સમય કઈ રીતે પસાર કરવો એ પણ અનુકૂલનનો પ્રશ્ન બને છે. જ્યારે કુદરતી આપત્તિઓ કે યુદ્ધ, સામાજિક સંઘર્ષો, આંતરવિગ્રહ, ગુનાખોરીમાં વૃદ્ધિ રોગચાળો કે પ્રદૂષણ જેવી માનવસર્જિત આફતો આવે ત્યારે આખા જનસમુદાયે તેના પ્રત્યે અનુકૂલન (adjustment) કરવું પડે છે.
ઉપરનાં ર્દષ્ટાંતો સૂચવે છે કે અનુકૂલનને પરિવર્તન સાથે સંબંધ છે. એ નીચેની આકૃતિ વડે સમજી શકાય :
આમ અનુકૂલન લગભગ જીવનના આરંભથી અંત સુધી સતત ચાલતી ક્રિયા છે. અમુક ક્રિયા કરવાથી કાયમ માટેનું અનુકૂલનની નવી નવી સમસ્યાઓ સર્જાતી રહે છે અને અનુકૂલનના યોગ્ય પ્રયત્નો કરતા રહેવું પડે છે. વ્યક્તિમાં નવી નવી જરૂરતો ઊપજતી રહે છે અને એના સંતોષ માટે નવી નવી રીતો પ્રચલિત બનતી રહે છે. રોજેરોજ આપણને જુદા જુદા આચારવિચારવાળા નવા નવા માણસોનો સંપર્ક થતો રહે છે, જેમની સાથે બંધબેસતું અનુકૂલન કરવું જરૂરી બને છે. રાજ્યના કાનૂનો અને સમાજનાં ધોરણો તેમજ તેના અમલની રીતો બદલાતી રહે છે. નાનામોટા રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ફેરફારો થતા રહે છે. નવી વૈજ્ઞાનિક શોધો અને તેના નવા ઉપયોગોને લીધે લોકોની જીવનશૈલીમાં ઝડપી પરિવર્તનો થતાં જાય છે. સંદેશવહનનાં અને જનસંપર્કનાં વિવિધ માધ્યમોને કારણે વિશ્વમાં બનતા બનાવોની તરત જ આપણને જાણ અને અસર થાય છે. તેમાંથી અનૂકૂલનની જરૂરિયાત ઊપજે છે. ઝડપી પરિવહનને લીધે પણ બીજા દેશમાં બનતા બનાવોની સીધી કે આડકતરી અસર આપણા જીવન પર થતી હોવાથી અનૂકૂલન જરૂરી બને છે. આમ આ એક સાર્વત્રિક ક્રિયા છે. દરેક વ્યક્તિએ અનુકૂલન કરવું પડે છે. અનુકૂલન વ્યક્તિના યોગક્ષેમ ઉપર અને વ્યક્તિત્વવિકાસ ઉપર પણ અસર કરે છે.
જ્યારે વ્યક્તિની ઇચ્છાઓ અને સમાજની માંગ વચ્ચે સંઘર્ષ થાય ત્યારે અનુકૂલન જરૂરી બને. એ અંગે બે મત પ્રવર્તે છે : (1) પારંપરિક કે સમાજકેન્દ્રી અને (2) આધુનિક કે વ્યક્તિકેન્દ્રી. સમાજકેન્દ્રી મત પ્રમાણે જ્યારે વ્યક્તિ-સમાજની જરૂરતો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે વ્યક્તિ પોતાની ઇચ્છાઓને કચડી નાખે અને સમાજને અનુરૂપ થઈ જાય તેને અનુકૂલન કહેવાય. આ મત પ્રમાણે સમાજ પ્રત્યે ચુસ્ત રીતે વફાદાર રહી પોતાનાં અંગત હિતોનો ભોગ આપવો એ અનુકૂલન છે. જૂની પેઢીના લોકો મહદંશ આ રીતે અનુકૂલન કરતા હતા. વ્યક્તિકેન્દ્રી મત પ્રમાણે અનુકૂલન એટલે અંગત ઇચ્છાઓને મહત્ત્વ આપવું અને બીજા લોકોને પોતાની ઈચ્છાઓ સાથે બંધબેસતા કરવા. નવી પેઢીના ઘણા લોકો આ રીતે અનુકૂલનનો પ્રયત્ન કરતા હોય છે. સમાજકેન્દ્રી રીતે અનુકૂલન કરનાર વ્યક્તિનો નૈતિક જુસ્સો ઊંચો રહે પણ તે પોતાની અંગત પ્રગતિના સંતોષથી વંચિત રહે એવો સંભવ છે. વ્યક્તિકેન્દ્રી રીતે અનુકૂલન કરનાર વ્યક્તિની સ્વ-આવિષ્કારની જરૂરત મહદંશે સંતોષાય છે પણ તે સ્વાર્થી, અન્યાયી અને નિષ્ઠુર બને એવો સંભવ રહે છે.
અનુકૂલન સુધારવા માટે નીચેના ઉપાયો સૂચવી શકાય : અન્ય લોકોનાં વર્તન અને વ્યક્તિત્વને સમજવાના પ્રયત્નો કરતા રહેવું. આસપાસના ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણમાં થતા ફેરફારોને ધ્યાનમાં લેતા રહેવું. સામાજિક, આર્થિક, રાજકીય, વગેરે ક્ષેત્રે બનતી ઘટનાઓ વિશે માહિતગાર રહેવું. એ માટે પોતાના અને બીજા લોકોના અનુભવો, પુસ્તકો, વર્તમાનપત્રો અને અન્ય પ્રચારમાધ્યમોનો આધાર લઈ શકાય. અત્યારે જે બને છે તેના ઉપરથી નજીકના ભવિષ્યમાં શું બનવાની શક્યતાઓ છે તે શોધવું. ખાસ કરીને તમારા માટે અનુકૂલનની કેવી કેવી સમસ્યાઓ હવે ઊપજી શકે છે અને વધારે અસરકારક અનુકૂલન સાધવા માટે તમને હવે પછી કેવી કેવી તકો મળી શકશે તે વિચારવું. પછી આવી સંભવિત સમસ્યાઓ અંગે (ફરીથી) અનુકૂલન સાધવાના ઉપાયો તેમજ આવનારી તકો ઝડપી લઈને અનુકૂલન સુધારવાના વિવિધ ઉપાયો શોધવા. પહેલેથી વિચાર્યું હશે તો તમે સમયસર અનુકૂલનનાં પગલાં લઈ શકાશે.
સ્પષ્ટ અને સમતોલ અભિરુચિ અને જરૂરિયાતો વિકસાવી. ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિથી દૂર રહી પોતાની શક્તિઓ અને મર્યાદાઓનો વાસ્તવિક ખ્યાલ બાંધવો જરૂરી છે. બીજા લોકો પાસેથી લેવાની અપેક્ષા રખાય તેટલા પ્રમાણમાં તેમને આપવાની પણ માનસિક તૈયારી રખાય, જેથી લાંબાગાળા સુધી સંતોષકારક અનુકૂલન ટકી રહે. પોતાના વ્યક્તિવિકાસ માટે સતત પ્રયત્ન કરતા રહેવું પણ સાથે સાથે પોતાનાં સારાં નરસાં બંને પાસાંનો નમ્રતાથી સ્વીકાર કરવો.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે