અનુકરણ (કાવ્યશાસ્ત્ર) (mimesis) : ગ્રીક વિવેચનશાસ્ત્રની સંજ્ઞા. ગ્રીક સંજ્ઞા ‘માઇમેસિસ’(mimesis)ના અંગ્રેજી પર્યાય ‘ઇમિટેશન’નો ગુજરાતી પર્યાય. ગ્રીક વિવેચનામાં આ સંજ્ઞાનો પ્રથમ પ્રયોગ ક્યારે અને કોના હાથે થયો તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. ગોર્જીઆસ ટ્રેજિડીને ‘હિતકારક ભ્રમણા’ કહીને ઓળખાવે છે તેમાં તેનો અણસાર જોઈ શકાય. ડિમોક્રિટસ એમ માનતો કે કલાનો ઉદભવ અનુકરણમાંથી થાય છે. પંખીઓનાં ગીતોના અનુકરણમાંથી સંગીતની કલા જન્મી. પરંતુ અનુકરણનો વિવેચનની મહત્ત્વની સંજ્ઞા તરીકે સર્વપ્રથમ પ્રયોગ પ્લેટો પાસેથી મળે છે. ‘રિપબ્લિક’ના ત્રીજા અને દસમા ખંડમાં તેનો પ્રયોગ જોવા મળે છે. ત્રીજા ખંડમાં તે ‘ચરિત્રાનુકૃતિ’ (impersonation) એવા સંકુચિત અર્થમાં પ્રયોજાઈ છે, જ્યારે દસમા ખંડમાં તેનો ‘નકલ’ના વ્યાપક અર્થમાં પ્રયોગ થયો છે.

પ્લેટો ભાવનાવાદી ફિલસૂફ હતો. તે પદાર્થોનાં ભાવનારૂપોને સત્ય, અને વાસ્તવિક પદાર્થોને અસત્ય માનતો. પલંગના ઉદાહરણ દ્વારા તે સમજાવે છે કે પલંગો અનેક છે પણ પલંગની વિભાવના કે ખ્યાલ–પલંગત્વ એક જ છે અને એક જ હોઈ શકે. પલંગની વિભાવના માટે તે ‘ઈશ્વરે બનાવેલો પલંગ’ તેવો શબ્દપ્રયોગ પણ કરે છે. પલંગ વગેરે પદાર્થો નશ્વર છે અને તેથી અસત્ય છે, જ્યારે તેમની વિભાવના સનાતન છે અને તેથી સત્ય છે. સુથાર પલંગની વિભાવનાનું અનુકરણ કરીને લાકડાનો પલંગ બનાવે છે. લાકડાનો પલંગ દર્પણમાં ઝિલાયેલા પલંગના પ્રતિબિંબ જેવો નકલરૂપ છે. નકલરૂપ હોવાથી તે અસત્ય છે અને સત્યથી એક ડગલું દૂર છે. ચિત્રકાર સુથારે બનાવેલા પલંગની નકલ કરીને તેનું ચિત્ર દોરે છે તેથી તે સત્યથી બે ડગલાં દૂર છે. વળી, ચિત્રકાર પલંગ કેવી રીતે બનાવી શકાય તેના જ્ઞાન વગર પલંગનું ચિત્ર દોરે છે, તે પલંગનું નહિ પણ તેના દેખાવનું ચિત્ર દોરે છે. આમ, પલંગનું ચિત્ર સત્યથી અનેક ડગલાં દૂર છે. ચિત્રકલાને અસત્ય ઠરાવ્યા પછી તે ચિત્રકલા અને સાહિત્યનું સમીકરણ રચે છે. ચિત્રકાર પદાર્થની નકલ કરે છે તેમ કવિ નર-નારીના વ્યવહારની નકલ કરે છે. કવિ પણ ભૌતિક જગતની નકલ કરતો હોવાથી તે પણ સત્યથી બે ડગલાં દૂર છે તેમ દર્શાવે છે. પ્લેટો પરમ સત્યનો આગ્રહી છે. કલા-સાહિત્યની પ્રવૃત્તિ સત્યથી બે ડગલાં દૂર હોવાથી તે પોતાની કલ્પનાના ‘આદર્શનગર’માંથી કલાકારો અને સાહિત્યકારોને દેશનિકાલની સજા ફરમાવે છે.

પ્લેટોના આ પ્રકારના કલાવિરોધનો જવાબ આપણને તેના જ શિષ્ય એરિસ્ટોટલના ગ્રંથ ‘પોએટિક્સ’માંની વિચારણામાંથી મળી રહે છે. એરિસ્ટોટલ પણ કલા-સાહિત્યને અનુકરણની પ્રવૃત્તિ માને છે, પણ તેની વિચારણામાં ‘અનુકરણ’ સંજ્ઞા નવો અર્થ ધરાવે છે. તેના મત અનુસાર અનુકરણ એ માનવની સહજવૃત્તિ છે, જેના પરિતોષથી તે આનંદ અનુભવે છે. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને નૃત્ય તે અનુકરણના વિવિધ પ્રકારો છે. અનુકરણ આ કલાઓનો સર્વસામાન્ય ધર્મ છે. ઉપાદાન, વિષયવસ્તુ અને રીતિ તેનાં વ્યાવર્તક લક્ષણો છે. લય, ભાષા અને સંવાદ (harmony) તે અનુકરણનાં મુખ્ય ઉપાદાનો છે. સંગીત લય અને સંવાદ દ્વારા અનુકરણ કરે છે. નૃત્ય માત્ર લય દ્વારા અનુકરણ કરે છે. સાહિત્ય ભાષા દ્વારા કે ભાષા અને સંગીત દ્વારા અનુકરણ કરે છે. અનુકરણનું વિષયવસ્તુ ક્રિયાપ્રવૃત્ત મનુષ્યો છે. કથનાત્મક અને નાટ્યાત્મક તેની રીતિઓ છે.

એરિસ્ટોટલના મતે અનુકરણ એટલે પ્લેટોની જેમ નકલ નહિ, પણ કોઈક પ્રકારની સર્જનપ્રક્રિયા છે, તેનો અણસાર ઉપાદાનની ચર્ચામાં મળે છે. ‘પદ્યનું માધ્યમ’ નહિ પણ ‘અનુકરણની પ્રક્રિયા’ તે કવિનો ધર્મ છે એમ દર્શાવતાં તે કહે છે કે ‘‘તે કવિ છે કારણ કે તે અનુકરણ કરે છે, એટલે કે અનુકરણ તે કવિ સાથે સંબધ ધરાવતો કોઈ ધર્મ છે.’’

નવ-પ્લેટોવાદી રોમન ચિંતક પ્લોટિનસ (Plotinus) પ્લેટોના ભાવનાવાદની ભૂમિકાએ જ અનુકરણ એટલે અસત્ય નહિ તેમ સ્થાપિત કરે છે. તે દર્શાવે છે કે કલાકારો નકલની નકલ કરીને સત્યથી દૂર જવાને બદલે ભાવનારૂપોનું આલેખન કરીને સત્યની સમીપ જાય છે.

ઓગણીસમી સદીમાં રંગદર્શિતાવાદ(romanticism)નો ઉદય થયો ત્યાં સુધી એક યા બીજા સ્વરૂપે અનુકરણની વિભાવના સાહિત્યક્ષેત્રે મહત્ત્વનું સ્થાન ધરાવતી રહી છે.

દિનેશ કોઠારી