અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન. પિતા ગોંડલ રિયાસતમાં પોલીસ અધિકારી હતા. ભાનુશંકરે ગોંડલની શાળામાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વિજ્ઞાન શાખાની કેળવણી અમદાવાદની કૉલેજમાં લીધી.
અભ્યાસકાળ દરમિયાન એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમની ખ્યાતિ હતી. બધી જ પરીક્ષાઓમાં તેઓ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા હતા. તેઓએ 1933માં એલ.સી.પી.એસ. પરીક્ષા અમદાવાદની મેડિકલ સ્કૂલમાંથી પ્રથમ ક્રમે પાસ કરી અને સરકારી નોકરીમાં જોડાયા. ચાર વર્ષ સુધી અમદાવાદ તથા ડાંગ જિલ્લામાં કામ કર્યા પછી તેઓ મુંબઈની સરકારી હૉસ્પિટલમાં જોડાયા. તે દરમિયાન કેટલોક વખત તેમણે પાટણમાં પણ સેવાઓ આપી હતી. દાક્તરી સેવા સાથે તેમણે એમ.બી.બી.એસ.ની પદવી માટેનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. 1940માં તેમણે આ પરીક્ષા પસાર કરી અને ત્યારબાદની જરૂરી તાલીમ પણ પૂરી કરી. મુંબઈ ઇલાકાના સરકારી ખાતામાં ક્રમશ: બઢતી મેળવી તેઓએ સમગ્ર ઇલાકાના મુખ્ય સર્જન તરીકેનું પદ પ્રાપ્ત કર્યું હતું. ભારત પર અંગ્રેજોનું શાસન હતું તે સમયગાળામાં પહેલી જ વખત કોઈ ભારતીય ડૉક્ટરને આ ઉચ્ચ હોદ્દો અપાયો હતો. આ હોદ્દા પર તેમણે મુંબઈમાં ત્રણ વર્ષ કામ કર્યું. 1956 સુધી સરકારી નોકરીમાં જુદા જુદા સ્થળે કામ કર્યા પછી હૃષીકેશ ખાતેના શિવાનંદ આશ્રમના સ્થાપક સ્વામી શિવાનંદ સરસ્વતીની સલાહ મુજબ તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને આજીવન બ્રહ્મચર્યના વ્રત સાથે સ્વામીજીના શિષ્ય બન્યા અને તેમણે ‘શિવાનંદ’ નામ ધારણ કર્યું. તે સમયે તેમની અંગત ઇચ્છા તો સંન્યાસ ધારણ કરવાની હતી, પરંતુ સ્વામીજીની આજ્ઞા અનુસાર તેમણે ગૃહસ્થ જીવનમાં જ રહી સૌરાષ્ટ્રમાં લોકસેવા કરવાનું બીડું ઉઠાવ્યું. સૌરાષ્ટ્રના તે વખતના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તા વીરચંદ પાનાચંદ શાહ પાસેથી પ્રેરણા મેળવી તેઓ વીરનગરની હૉસ્પિટલમાં જોડાઈ ગયા. આ હૉસ્પિટલનું શિવાનંદ મિશન દ્વારા સંચાલન થતું હતું. ડૉ. અધ્વર્યુના માર્ગદર્શન હેઠળ આ હૉસ્પિટલે ટૂંક સમયમાં વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. 1986માં એંશી વર્ષની ઉંમરે તેઓ હૃષીકેશના શિવાનંદ આશ્રમમાં પોતાનાં પત્ની સાથે જોડાયા અને ત્યાં બંનેએ સંન્યસ્તની દીક્ષા લીધી. ત્યારથી તેઓ સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજી અને તેમનાં પત્ની મૈત્રેયીદેવી નામથી ઓળખાતાં થયાં, જોકે ત્યારબાદ પણ તેઓ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ જાણીતા રહ્યા છે.
વીરનગરની હૉસ્પિટલમાં જોડાયા પછીના ચાર દાયકા(1948થી 1988)ના ગાળામાં તેમણે અનેક સ્થળે વિવિધ સંસ્થાઓના ઉપક્રમે નેત્રયજ્ઞોનું વિનામૂલ્ય આયોજન કર્યું હતું અને તે દ્વારા આંખની બીમારીથી પીડાતા અસંખ્ય દર્દીઓની સેવા કરી હતી. આ પ્રકારના દર્દીઓમાં મોટાભાગના ગરીબ વર્ગના લાભાર્થી હતા. તેમણે એકલા હાથે કરેલાં આંખનાં ઑપરેશનોની સંખ્યા અઢી લાખથી પણ વધારે આકારવામાં આવી છે, જે સમગ્ર ભારતમાં એક વિક્રમ ગણાય છે.
લોકસેવાના તેમના કાર્યમાં પ્રેરણારૂપ બનેલા મહાત્મા ગાંધી ઉપરાંત જૈન મુનિશ્રી ન્યાયવિજયજી પણ હતા.
1957માં તેમણે ‘દિવ્ય જીવન’ નામથી એક ગુજરાતી માસિક શરૂ કર્યું જે આજે પણ નિયમિત રીતે પ્રકાશિત થાય છે. ઉપરાંત, તેમણે સ્વામી શિવાનંદ દ્વારા લખેલાં ઘણાં પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે