અધ્યાત્મરામાયણ (15મી સદી) : ભગવાન રામનું ચરિત વર્ણવતો સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ. ‘અધ્યાત્મરામચરિત’ અથવા ‘આધ્યાત્મિક રામસંહિતા’ એવાં નામોથી પણ આ ગ્રંથ ઓળખાય છે. આ ગ્રંથ વાલ્મીકિના રામાયણને આધારે લખાયેલો હોવાથી વાલ્મીકિના રામાયણની જેમ સાત કાંડોનો બનેલો છે. તેમાં 65 સર્ગો છે. પંદરમી સદીમાં તે રામ શર્મા નામના કોઈક શિવભક્તે લખેલો છે. ભવિષ્યપુરાણમાં તેના લેખકનું નામ રામશર્મા આપ્યું છે, પરંતુ કેટલાક વિદ્વાનો તેનું નામ રામાનંદસ્વામી હતું એમ માને છે. કેટલાક વિદ્વાનો ‘અધ્યાત્મરામાયણ’ બ્રહ્માંડપુરાણનો એક ભાગ છે એમ પણ માને છે. કર્તાએ રામની વાર્તા ઉમા અને મહેશ્વર વચ્ચે સંવાદ રૂપે રજૂ કરી છે. સાથે સાથે રામની વાર્તા જીવ અને બ્રહ્મ વચ્ચેના સંબંધની વાત છે એમ તત્વજ્ઞાનની દૃષ્ટિએ લખી છે. અદ્વૈતના સિદ્ધાન્તનો ગાઢ પ્રભાવ આ ગ્રંથમાં ઠેર ઠેર દેખાય છે. અદ્વૈત વેદાંત ઉપરાંત યોગ અને તંત્રશાસ્ત્રની અસર પણ ઘેરી છે. ભાગવતમાંની ભક્તિનો આધાર પણ આ ગ્રંથમાં લેવામાં આવ્યો છે એવો કેટલાક વિદ્વાનોનો મત છે. રામને વિષ્ણુના અવતાર તો લેખક માને છે, પરંતુ રામને નિર્ગુણ પરબ્રહ્મ તરીકે પણ નિરૂપ્યા છે. સીતાને યોગમાયા કહી છે. એમાં રામ વિશે અવારનવાર જુદાં જુદાં સ્તોત્રો આપવામાં આવ્યાં છે. તેના સાતમા કાંડમાં તો કૌશલ્યાને રામે તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. ભાગવતમાં આવતી કૃષ્ણની બાળલીલાઓની જેમ અહીં રામની બાળલીલાઓને વર્ણવવામાં આવી છે. મહાભારતમાં જેમ કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે તેવી રીતે આ ગ્રંથમાં રામ લક્ષ્મણને રામગીતાનો ઉપદેશ કરે છે. તુલસીદાસના હિંદી ભાષામાં લખાયેલા ‘રામચરિતમાનસ’ અને એકનાથે તત્કાલીન મરાઠી ભાષામાં લખેલા ‘ભાવાર્થરામાયણ’માંની ઘણી કલ્પનાઓ અધ્યાત્મરામાયણમાં જોવા મળે છે. આમ વાલ્મીકિની રામકથાને મુખ્યત્વે લેવા છતાં ‘અધ્યાત્મરામાયણ’ ફેરફારો કરીને રામકથાને રજૂ કરે છે. મધ્યકાલીન સંતો, કવિઓ અને ગુજરાતી સાહિત્ય પર અધ્યાત્મરામાયણની અસર થઈ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી