અધ્યાત્મરામાયણમ્ (18મી સદી) : મુનિપલ્લિ સુબ્રમણ્ય કવિએ રચેલ તેલુગુ કાવ્ય. એમાં 104 કીર્તનો છે, જેમાં વધારેમાં વધારે સંખ્યા યુદ્ધકાંડનાં પદોની છે. એમાં સંગીત અને કવિતાનો સુભગ સમન્વય થયેલો છે. રસવૈવિધ્યપૂર્ણ આ કૃતિનાં ગીતો મધુર સ્વરે ગાઈ, એની પર આજીવિકા રળનાર એક વર્ગ છે, જે એની લોકપ્રિયતા દર્શાવે છે.
કવિને રાજ્યાશ્રય સાંપડ્યો હતો. કવિ તિરુપતિ વ્યંકટેશ્વરના પરમ ભક્ત હતા. તેઓ બ્રાહ્મણ પરિવારના હતા. આજે પણ ‘અધ્યાત્મ- રામાયણમ્’ લોકોમાં પ્રચલિત છે. કવિએ સંસ્કૃત અધ્યાત્મરામાયણનો આધાર લઈ પોતાની આગવી રીતે એની રચના કરી છે. તે ભાવવિભોર થઈને મધુર સૂરે એનાં પદો ગાતા. એમણે એ કૃતિનું અર્પણ પણ વ્યંકટેશ્વર ભગવાનનાં શ્રીચરણોમાં કર્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા