અધોયુતિ અને ઊર્ધ્વયુતિ (inferior conjunction and superior conjunction) : સૂર્યવર્તી ગ્રહો (inferior planets) પૈકી કોઈ ગ્રહ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને ત્રણે એક-સીધ(aligment)માં ગોઠવાયેલાં દેખાય તે અધોયુતિ યા અંતર્યુતિ. જ્યારે કોઈ પણ બે કે વધુ ખગોળીય પિંડો અંતરીક્ષમાં એકમેકની પાસે આવી જાય, એક કતારમાં ગોઠવાઈ જાય કે પછી નિર્ધારિત સીધમાં આવે ત્યારે આવી સ્થિતિને સૂચવવા માટે ખગોળશાસ્ત્રમાં ‘યોગ’ યા ‘યુતિ’ જેવો શબ્દ વપરાય છે. ઘણી વાર જ્યોતિપિંડો પાસેપાસે ન પણ આવે, તેમ છતાંય પૃથ્વી ઉપરથી જોતાં તે નજદીક આવ્યાનો દૃષ્ટિભ્રમ ઊભો કરે ત્યારે પણ એમની વચ્ચેની આભાસી નિકટતા સૂચવવા ‘યુતિ’ શબ્દ પ્રયોજાય છે; જેમ કે આકાશમાં મંગળ ગ્રહ ચંદ્રની લગોલગ આવેલો દેખાય તો એને ચંદ્ર-મંગળની યુતિ કહેવાય. બે ગ્રહો ભેગા થવાનો, કે પછી ગ્રહ અને ચંદ્ર ભેગા થવાનો કે પછી ગ્રહ અને તારો ભેગા થવાનો આભાસ ઊભો થાય ત્યારે ખગોળીય ‘ઍપલ્સ’ (appulse) શબ્દ વપરાય છે. ગુજરાતીમાં તેના પર્યાય રૂપે ‘સન્નિધિ’ શબ્દ પ્રયોજી શકાય.
યુતિ શબ્દ ગ્રહ અને સૂર્યના સંદર્ભમાં પણ વપરાય છે. જેમ કે બુધ અને શુક્ર આ બે ગ્રહો પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા છે. તેમના આવા સ્થાનને કારણે તેમને અંદરના યા સૂર્યવર્તી ગ્રહો (inferior planets) કહેવાય છે. આમાંનો કોઈ એક ગ્રહ ફરતો ફરતો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ગોઠવાઈ જાય ત્યારે સૂર્ય, આ ગ્રહ અને પૃથ્વી એક પંક્તિમાં આવી જાય છે. બુધની વાત કરીએ તો આવું દર વર્ષે ત્રણેક વાર બને છે. જ્યારે શુક્રની વાત કરીએ તો આવું દર 584 દિવસે એક વાર બને છે. આવી સીધને અધોયુતિ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, પૃથ્વી ઉપરથી જોતાં આવી યુતિ વખતે અંદરના ગ્રહના તથા સૂર્યના વિષુવાંશ (right ascension) એક જ બની જાય છે. એક અંતર્યુતિથી બીજી અંતર્યુતિ વચ્ચેના સમયગાળાને યુતિકાળ (synodial period) કહેવાય છે. ઉપર જોયું તેમ બુધ માટે આ યુતિકાળ આશરે 116 દિવસ જ્યારે શુક્ર માટે તે આશરે 584 દિવસ જેટલો છે.
આવી અંતર્યુતિ માટે માત્ર આ બે ગ્રહો જ જવાબદાર છે એવું નથી. ક્યારેક ધૂમકેતુઓ કે પછી એપૉલો યા એટન જેવા લઘુગ્રહો (asteroids) સૂર્યની અત્યંત નજદીક પહોંચી જઈને સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગોઠવાઈ જાય ત્યારે પણ આવી જ યુતિ રચાય છે. પૃથ્વીની કક્ષાની બહારના મંગળ, ગુરુ, શનિ વગેરે જેવા ગ્રહો દ્વારા અંતર્યુતિ ક્યારેય રચાતી નથી.
સૂર્યવર્તી ગ્રહો વડે રચાતી આવી અંતર્યુતિ વખતે આ ગ્રહો પૃથ્વીની પણ નજદીક આવી જાય છે. શુક્ર તો લગભગ 4 કરોડ કિમી.(2 કરોડ 50 લાખ માઈલ)ના ફાસલે આવી જાય છે. કોઈ પણ ગ્રહ પૃથ્વીની આટલો નજદીક ક્યારેય નથી આવતો. આ બંને ગ્રહો પૃથ્વીની પાસે આવી જાય છે ખરા; પણ કમનસીબે એ દેખી શકાતા નથી, કારણ કે ચંદ્ર જેમ અમાસ વખતે નથી દેખાતો, તેવું જ આ ગ્રહોનું પણ બને છે; મતલબ કે, આ ગ્રહની અંધારી સપાટી આપણા તરફ તકાયેલી રહે છે. અલબત્ત, શુક્ર આમાં થોડો અપવાદ કહી શકાય. અંતર્યુતિની આસપાસના દિવસોમાં શુક્રને દૂરબીનમાંથી નિહાળતાં, એનો અપ્રકાશિત ભાગ રાખોડી, તામ્રવર્ણી યા ક્વચિત્ લીલા રંગની ઝાંય દર્શાવે છે. આવી આભાની જાણ તો છેક 1643થી ખગોળવિદોને છે, પણ એ કેવી રીતે થાય છે એ અંગેના કારણ પર બધા ખગોળશાસ્ત્રીઓ એકમત નથી. આ આભાને ‘ઍશન પ્રકાશ’ (ashen light) કહે છે.
પૃથ્વી અને અંદરના આ ગ્રહોની સાપેક્ષ ગતિને હિસાબે કહીએ તો હવે બુધ (કે શુક્ર) પશ્ચિમ તરફ સરકે છે, અથવા કહો કે સૂર્યથી દૂર ખસે છે. ઈન (સૂર્ય) + અપ (દૂર) + ગમ (જવાપણું) અર્થાત્, ગ્રહનું સૂર્યથી દૂર જવું તે ઈનાપગમ. આ ઈનાપગમ વખતે દૂરબીનમાંથી જોતાં ઈનાપગમી ગ્રહ ચંદ્રની જેમ કળા કરતો દેખી શકાય છે. અમાસ પછી બીજચંદ્રની જેમ શુક્ર(યા બુધ)નાં ચળકતાં, કમાનાકાર શૃંગ દેખાય છે, જે ધીમે ધીમે પહોળાં થતાં જઈને વધુ ચળકતાં લાગે છે. વળી તે દૂર જતો હોવાથી અગાઉની અપેક્ષાએ એનો ર્દશ્ય વ્યાસ (apparent diameter) ઘટતો જાય છે. પૃથ્વી ઉપરથી જોતાં, સૂર્ય અને આ ગ્રહ વચ્ચેનો કોણ ધીરે ધીરે વધતો જઈને મોટામાં મોટો બને ત્યારે ગ્રહ અર્ધકલા (dichotomy) દાખવે છે, એટલે કે અડધો પ્રકાશિત થયેલો દેખાય છે. આ વખતે સૂર્ય, પૃથ્વી અને ઈનાપગમી ગ્રહ વચ્ચેનો કોણ (અથવા બીજી રીતે કહીએ તો, સૂર્ય-પૃથ્વીને જોડતી રેખા અને પૃથ્વી-ગ્રહને જોડતી રેખા દ્વારા રચાતો કોણ) મોટામાં મોટો થાય છે.
ગ્રહનું સૂર્યથી કોણીય અંતર વધુમાં વધુ હોય તેને પરમ ઈનાંતર (greatest elongation) કહેવાય છે. આ વખતે ગ્રહનું સૂર્યથી પરમ ઈનાપગમ થયેલું હોય છે. આવું પરમ ઈનાંતર બંને ગ્રહ માટે અલગ અલગ હોય છે. જેમ કે બુધ 18થી 28 અંશ, અને શુક્ર માટે તે 47થી 48 અંશ પર્યંત છે. આનો સાદો અર્થ એ થયો કે બુધ સૂર્યથી 28 અંશથી વધુ દૂર જઈ શકતો નથી, જ્યારે શુક્ર માટે તે 48 અંશથી વધુ દૂર જઈ શકતો નથી. પશ્ચિમ તરફ સરકતા ગ્રહથી થતું આ પરમ ઈનાંતર ‘પરમ પશ્ચિમ ઈનાંતર’ (greatest western elongation) કહેવાય છે. આ સમયે શુક્ર (યા બુધ) પરોઢિયે પૂર્વાકાશમાં, સૂર્યોદય પહેલાં સૂર્ય તરફ મોં કરીને ઊભા રહીએ તો આપણી ડાબી યા સૂર્યથી જમણી બાજુએ દેખાય છે. પુરાકાળથી આને ‘પ્રાતસ્તારક’ યા ‘ભોરતારક’ (morning star) કહેવાય છે. ગુજરાતમાં ગામઠી બોલીમાં એને ‘ઢગલિયું’ પણ કહેવાય છે.
આ પછી સૂર્યનું ચક્કર મારતો ગ્રહ (બુધ કે શુક્ર) સૂર્યની પાછળ પહોંચે છે. આ વખતે તે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં હોવાથી, એટલે કે વચ્ચે સૂર્ય આવી જવાથી જોઈ શકાતો નથી. પૃથ્વીના સંદર્ભમાં કહીએ તો આ વખતે તે પૂર્ણ ખીલેલી અવસ્થામાં હોય છે. આને બહિર્યુતિ (superior conjunction) કહેવાય છે. આ બિંદુએ ગ્રહનું ઈનાંતર એટલે કે સૂર્યથી કોણીય અંતર ઓછામાં ઓછું હોય છે. આ પછી ગ્રહ કૃષ્ણપક્ષ(વદ)ના ચંદ્રની જેમ કળાઓ દાખવતો જઈને અર્ધકલા અવસ્થામાં આવે છે. આ એનું બીજું પરમ ઈનાંતર હોઈ તથા એ પૂર્વ દિશાએ થતું હોઈ, એને ‘પરમ પૂર્વ ઈનાંતર’ (greatest eastern elongation) કહેવાય છે. આ વખતે શુક્ર (કે બુધ) સાંજે સૂર્યાસ્ત પછી પશ્ચિમાકાશમાં દેખાય છે. પ્રાચીનકાળમાં આથી ઘણા એને ‘સાંધ્યતારક’ (evening star) તરીકે સંબોધતા. આ પછી તે સૂર્ય તરફ આવે છે અને મોટો થતો દેખાય છે. પૃથ્વી ઉપરથી જોતાં, સૂર્ય અને આ ગ્રહ વચ્ચેનું કોણીય અંતર શૂન્ય થઈ જાય છે.
અંદરના ગ્રહોની આવી આપેક્ષિક સ્થિતિ અથવા ગ્રહીય વિન્યાસ-(planetary configuration)ને કારણે આ ગ્રહો કેટલીક આગવી ખાસિયતો દર્શાવે છે; જેમ કે, ઉપર જોયું તેમ, બુધ સૂર્યથી 28 અંશથી વધુ દૂર જઈ શકતો ન હોવાથી તે સૂર્યોદય પહેલાં યા સૂર્યાસ્ત પછી માંડ બે કલાક પૂરતો જ દેખી શકાય છે. આ કારણે જ, બુધ પરોઢ, તેમજ પડતી રાતનો ગ્રહ કહેવાય છે. એનાં દર્શન કરવાના ઉત્તમ દિવસો પહેલી મે અને વીસમી ઑક્ટોબરની આસપાસના છે, કારણ કે આ વખતે તેનું પરમ ઈનાંતર થયેલું હોય છે. બુધ ક્યારેય મધ્યાકાશમાં દેખાતો નથી. શુક્રનું પરમ ઈનાંતર 48 અંશનું હોઈ, એેને સૂર્યોદય પહેલાં યા સૂર્યાસ્ત પછી ત્રણેક કલાક સુધી જોઈ શકાય છે. બુધની જેમ શુક્ર પણ ક્યારેય રાત્રે મધ્યાકાશમાં દેખાતો નથી. પણ આ ગ્રહ આપણી પાસે હોઈ તેમજ વધુ ચળકતો હોઈ, જો એનું સ્થાન ખબર હોય તો દિવસના પ્રકાશમાં, ક્ષિતિજથી ખાસ્સો ઊંચે, મધ્યાકાશમાં એને દેખી શકાય. જોકે આ માટે દૂરબીન જોઈએ તેમજ નરી આંખે જોવા માટે આંખો કેળવાયેલી હોવી જોઈએ. વળી, બુધ અને શુક્ર જેવી રીતે કળાઓ દાખવે છે એવી કળાઓ કોઈ અન્ય ગ્રહ દાખવતા નથી.
અંતર્યુતિ વખતે આ ગ્રહો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. જો આમ થાય તો આ અંદરના ગ્રહો વડે સૂર્ય ઢંકાઈ જઈને દરેક અંતર્યુતિ વખતે સૂર્ય-ગ્રહણ દેખાવું જોઈએ, અથવા કમસેકમ સૂર્યનું આંશિક ગ્રહણ તો થવું જ જોઈએ. પણ આમ થતું નથી, કારણ કે આ ગ્રહો, આપણા ચંદ્રને હિસાબે આપણાથી અત્યંત દૂર છે. એટલે કે એમના વડે સૂર્ય સંપૂર્ણ ઢંકાઈ ખગ્રાસ-ગ્રહણ થવાનો તો પ્રશ્ન જ નથી. વળી આ બંને ગ્રહોની કક્ષાનું સમતલ (plane of the orbits) પૃથ્વીની કક્ષાના સમતલ (ecliptic) સાથે અમુક ચોક્કસ અંશનો ખૂણો બનાવે છે; જેમ કે બુધ 7 અંશનો, તો શુક્ર 3.4 અંશનો કોણ બનાવે છે. અર્થાત્ અંતર્યુતિ વખતે પૃથ્વી અને આ ગ્રહો તથા સૂર્ય એક સીધમાં આવે છે ખરાં, પણ સમાન સમતલમાં આવતાં નથી. આગળ જોયું તેમ પૃથ્વી પરથી જોતાં ગ્રહ અને સૂર્યના વિષુવાંશ (right ascesion) એક જ બની જાય છે, પણ એમના અપક્રમ (declination) ભિન્ન રહે છે. આને પરિણામે, પૃથ્વી ઉપરથી જોતાં, આ ગ્રહો અને સૂર્યના બિંબ વચ્ચે ખાસ્સું અંતર પડી જાય છે. એટલે કે કાં તો એ સૂર્યના બિંબ (થાળી) ઉપરથી કે પછી એની નીચેથી પસાર થઈ જાય છે. પરંતુ, અંતર્યુતિ વખતે ગ્રહના અને સૂર્યના વિષુવાંશ તથા અપક્રમ એક જ થઈ જાય તો યુતિ પામેલો ગ્રહ (બુધ યા શુક્ર) સૂર્યના બિંબ ઉપરથી કાળા ટપકા રૂપે એક છેડેથી બીજા છેડે પસાર થતો દેખી શકાય છે. આ ઘટના એક રીતે સૂર્યનું આંશિક ગ્રહણ જ છે, પણ તેને જે તે ગ્રહનું અધિક્રમણ (transit) કહેવાય છે. આવી ઘટના અમુક વર્ષોના ગાળે, વર્ષના અમુક નિર્ધારિત મહિનાઓમાં જ જોવા મળે છે. વળી કેટલાંક કારણસર, બુધનાં અધિક્રમણની અપેક્ષાએ શુક્રનાં અધિક્રમણ વિરલ ગણાય છે. જેમ કે શુક્રનું છેલ્લું અધિક્રમણ 6 ડિસેમ્બર 1882ના રોજ થયું હતું, અને હવે પછીનું 8 જૂન 2004માં થવાનું છે. આની સામે બુધનાં અધિક્રમણ સદીમાં સરેરાશ 13 વખત થાય છે.
સુશ્રુત પટેલ