અધોભૌમ જળ (sub-surface water) : ભૂપૃષ્ઠ નીચેની કોઈ પણ ઊંડાઈના સ્તરે મળી આવતા, નરમ કે સખત ખડકોનાં પડોમાં, તડોમાં, ફાટોમાં, સાંધાઓમાં કે આંતરકણછિદ્રોમાં સંચિત થયેલું ભૂગર્ભજળ. વર્ષા, હિમવર્ષા, કરા વગેરે જેવા સપાટીજળસ્રોતોમાંથી થતો ભૂમિજન્ય સ્રાવ અધોભૌમ જળ સ્વરૂપે એકત્રિત થતો રહે છે. ભૂગર્ભજળસંચયનાં ઉત્પાદક પરિબળોમાં મુખ્યત્વે વર્ષા-હિમવર્ષા પ્રમાણ, ભૂપૃષ્ઠના ઢોળાવો, વનસ્પતિ-આવરણ, ખડકોની સછિદ્રતા-અછિદ્રતા, ભેદ્યતા-અભેદ્યતા, સ્તરોનાં ભૂસંચલનજન્ય સંરચનાત્મક લક્ષણો અને વાતાવરણના ભેજનો સીધી કે આડકતરી રીતે સમાવેશ કરી શકાય. ગરમ-ભેજવાળા પ્રદેશોમાં, આછા ઢોળાવવાળા કે અનિયમિત ભૂપૃષ્ઠવાળા પ્રદેશોમાં, વધુ વર્ષાવાળા પ્રદેશોમાં ભૂગર્ભજળસપાટી (underground water-table) ઓછી ઊંડાઈએ હોય છે (જુઓ ભૂગર્ભજળ). સૂકા-અર્ધસૂકા પ્રદેશોમાં, વધુ ઢોળાવવાળા પ્રદેશોમાં, ઓછી વર્ષાવાળા પ્રદેશોમાં તે વધુ ઊંડાઈએ હોય છે. પૃથ્વી પરના આબોહવાના પટ્ટાઓ મુજબ વર્ષાપ્રમાણના વધવા-ઘટવા સાથે ભૂગર્ભજળસપાટી ઊંચીનીચી જોવા મળે છે. આ બધાં પરિબળો અધોભૌમ જળપ્રમાણ માટે કારણભૂત બની રહે છે
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ