અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ

January, 2001

અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે ફાટોમાં તો જોવા મળતા હોય છે, પરંતુ ક્યારેક તે ગુફાઓમાં, ગહ્વરોમાં અને કોટરોમાં પણ જોવા મળે છે. આવી નિક્ષેપરચના પૈકી કૅલ્સાઇટ, એરેગોનાઇટ, ફ્લોરાઇટ, બેરાઇટ અને સિલિકાના વિવિધ પ્રકારો સ્થાનભેદે જોવા મળે છે. તે પૈકી બે ગુફાનિક્ષેપો ઉલ્લેખને પાત્ર છે : અધોગામી સ્તંભ અને ઊર્ધ્વગામી સ્તંભ.

ચૂનાખડકોમાં રહેલી તડો કે ફાટો જેવાં પોલાણોમાંથી સપાટીજળ પસાર થાય છે ત્યારે ચૂનાખડકોમાંનું ચૂનાયુક્ત દ્રવ્ય ધોવાતું જાય છે. પરિણામે પોલાણોનાં કદ વધતાં જાય છે. ક્યારેક અનુકૂળ સંજોગો મળી જતાં તેમાંથી ગુફાઓ બને છે. આવી ગુફાઓની છતમાં રહેલી સાંકડી તડો-ફાટોમાંથી ટીપે ટીપે પડતા જતા ચૂનાયુક્ત દ્રાવણમાંથી અવક્ષિપ્ત થઈ ક્ષારો નિક્ષેપજમાવટ રૂપે એકાદ કણને આધારે ઉપરાઉપરી જામે છે. આ ક્રિયા સતત ચાલુ રહે તો સમય જતાં ઉપરથી નીચે તરફ લટકતા સ્તંભો રચાય છે, જેને અધોગામી સ્તંભ કહે છે. ચૂનાખડકમાંનું કૅલ્શિયમ કાર્બોનેટ ખનિજજળના સંસર્ગથી દ્રવિત થતું રહે છે. ભૂગર્ભજળમાં કાર્બન ડાયૉક્સાઇડ પણ હોય છે, જે ચૂનાખડકો પરથી પસાર થતાં કૅલ્શિયમ બાયકાર્બોનેટ રૂપે દ્રવે છે. ગુફાની છતમાંથી ટપકતા દ્રાવણમાંનો કાર્બન ડાયૉક્સાઇડ પાણીનું બાષ્પીભવન થતાં મુક્ત થાય છે અને કૅલ્શિયમ કાર્બોનેટ, કૅલ્સાઇટ કે એરેગોનાઇટ સ્વરૂપે જામતાં છત પર ચીટકી રહે છે, પરિણામે મોટી, નક્કર કે પોલી, સળિયા કે દોરડા આકારની અથવા શંકુ આકારની, સખત અને બરડ રચનાઓ તૈયાર થતી રહે છે. આવી પ્રક્રિયા એકધારી ચાલે તો સ્તંભોની લંબાઈ પ્રતિવર્ષ 2 મિમી.ના દરથી વધતી રહે છે અને સ્થાનભેદે 5 મિમી.થી 1 મીટર સુધીની સ્તંભાકૃતિઓ રચાય છે. ટપકતા દ્રાવણમાં જુદી જુદી અશુદ્ધિઓ ભળેલી હોય તો તે અશુદ્ધિઓ મુજબ વિવિધરંગી સ્તંભોનું નયનરમ્ય દૃશ્ય પણ રચાઈ શકે છે.

આ દ્રાવણોનાં ટીપાં ક્યારેક સીધેસીધાં ગુફાના તળિયે પડે, ત્યારે ઉપર મુજબ જે સ્તંભો રચાય છે તેને ઊર્ધ્વગામી સ્તંભ કહે છે. આ રચના તળિયાથી છત તરફ વિકાસ પામે છે. ટીપાં નીચે પડતાં જ તેના જોશથી વધુ ટીપાંમાં વહેંચાઈ જાય છે અને તેનાં સૂક્ષ્મ પડ રચાય છે. વધારાનો કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત થતાં છત તરફ સ્ફટિકમય સ્તંભાકૃતિઓ વિકસતી જાય છે, જે ક્યારેક 10 મીટર ઊંચાઈવાળી અને 10 મીટર વ્યાસવાળી પણ હોઈ શકે છે.

ક્યારેક અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભો વિકાસ પામી જો ભેગા મળી જાય તો સળંગ સ્તંભરચના (column) પણ બને છે. આ પ્રકારની સ્તંભરચનાના શક્ય વિકાસ માટે નીચેનાં પરિબળો જરૂરી છે :

  1. ગુફા ઉપરના સ્તરો ચૂનાખડકના હોવા જોઈએ. 2. સપાટીજળની નીચે તરફ ગતિ હોવી જોઈએ. 3. ટીપે ટીપે સતત મળતો જતો દ્રાવણજથ્થો. 4. દ્રાવણમાંના પાણીનું સરળતાથી બાષ્પીભવન થઈ શકે અને કાર્બન ડાયૉક્સાઇડ મુક્ત થઈ શકે તે માટેની પૂરતી હવાવાળી ખાલી જગાની અનુકૂળતા પણ હોવી જોઈએ.

ગિરીશભાઈ પંડ્યા

જ્યોતેન પ્ર. વ્યાસ