અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક) : પ્રાણી શરીરના ફરતે બધાં જ અંગોનું બાહ્ય આવરણ તેમજ અંગોની અંદરની સપાટી રચતી પેશીને અધિચ્છદીય પેશી અથવા ઉપકલા ઉતક કહેવામાં આવે છે. દા. ત., ચામડી(ત્વચા)નું બાહ્યસ્તર, મુખગુહાનું અંત:સ્તર અથવા અસ્તર, પાચનમાર્ગનું અસ્તર, સ્રાવી ગ્રંથિઓ, હૃદય, ફેફસાં, આંખો, કાન, શ્વસનાંગોની સપાટીઓ તથા મૂત્રજનનતંત્રનાં તમામ અંગોનાં પોલાણ ઉપરાંત મગજના અમુક ભાગ અને કરોડરજ્જુની મધ્ય કેનાલિની મુક્ત સપાટી વગેરે અધિચ્છદીય પેશી વડે આવરિત હોય છે. અધિચ્છદીય પેશી રક્ષણ, શોષણ, ઘસારા સામે રક્ષણ, સ્રાવ સંવેદનાવહન અને આંતરકોષીય વહન જેવાં કાર્યો માટે ખૂબ જ વિશિષ્ટ સ્વરૂપની બનેલી છે. સ્થાન તથા કાર્યને અનુરૂપ તેના કોષોની ગોઠવણીમાં વૈવિધ્ય જોવા મળે છે. દા. ત., ચામડી (ત્વચા) તથા મોટા ભાગનાં અંગોની સપાટી અધિચ્છદીય કલાથી રક્ષણ માટે આવરિત હોય છે, જે બાહ્ય પર્યાવરણ દા. ત., વધુ પડતી શુષ્કતા, આર્દ્રતા, વિકિરણ, રોગકારક સૂક્ષ્મજીવો, ઝેરી પદાર્થો યાંત્રિક ઘસારા વગેરે સામે રક્ષણ આપે છે. જ્યારે કેટલીક અધિચ્છદીય સપાટીઓ શોષણ કરનારી અને સ્રાવી પણ હોય છે. દા. ત., પાચકગ્રંથિઓ, લાળગ્રંથિઓ.
અધિચ્છદીય પેશીના કોષો આધારકલા ઉપર ગોઠવાયેલા હોય છે. તે અકોષી સ્તર છે. તેમજ એકબીજા સાથે ખૂબ જ ઓછા આંતરકોષીય દ્રવ્ય વડે જોડાયેલા હોય છે. ઉપરાંત, આ કોષો વચ્ચે ત્રણ પ્રકારનાં જોડાણ (Junction) પણ જોવા મળે છે. તેઓ એકબીજા સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે. આમ તેઓ બાહ્ય પર્યાવરણ અને આંતરિક અંગો વચ્ચે ‘અભેદ્ય’ પડ રચે છે. બીજા પ્રકારના સંલગ્ન (adhering) જોડાણ વડે કોષો એકબીજા સાથે જોડાયેલા કે ચોંટેલા રહે છે. ત્રીજા પ્રકારનું જોડાણ અવકાશ (Gap) સંગમ છે. અધિચ્છદીય પેશીમાં જ્યાં નાના મોટા અણુઓ અથવા આયનોની આપ-લેની આવશ્યકતા (જરૂરિયાત) હોય ત્યાં કોષો વચ્ચે અવકાશ સંગમ હોય છે. જે પદાર્થોના વહનને સુલભ કે સરળ બનાવે છે.

આકૃતિ 1 : ચુસ્ત સંગમ
રચના અને કાર્યને આધારે અધિચ્છદીય પેશીઓ મુખ્ય બે ભાગ(જૂથ)માં વહેંચાયેલી છે. આચ્છાદિત અધિચ્છદીય પેશી અને ગ્રંથીય અધિચ્છદીય પેશી.
અધિચ્છદીય પેશીના વિવિધ પ્રકાર નીચે મુજબ છે :
કોષોના સ્વરૂપને અનુલક્ષીને પ્રકારો આ પ્રમાણે છે :
(1) લાદીસમ અધિચ્છદ (Squamosus epithelium) : આ પ્રકારની પેશીના કોષો બહુકોણીય (અધિક ખૂણાવાળા) ખૂબ જ પાતળા અને ચપટા હોય છે. કોષો એકબીજાની કિનારીઓને અડકે એ રીતે ગોઠવાઈને પાતળું આચ્છાદન રચે છે. કોષો સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે. ઉપરની સપાટીથી જોતા આ પેશીના કોષો લાદીની જેમ ગોઠવાયેલા દેખાય છે. તેથી તેને લાદીસમ અધિચ્છદીય પેશી કહે છે. કોષપટલ તરંગિત પણ હોઈ શકે છે. તેઓ મધ્યમાં ગોળાકાર કે અંડાકાર જેવા કોષકેન્દ્ર ધરાવે છે. તેનું મુખ્ય કાર્ય અંદર રહેલી પેશીનું રક્ષણ કરવાનું હોય છે.
સ્થાન : ત્વચા(ચામડી)ની બાહ્યસપાટી, ફેફસાંમાં વાયુકોષ્ઠોની અંત:સપાટી, રુધિરવાહિનીઓની અંત:સપાટી, મૂત્રિંપડની બાઉમેન કોથળી અને કોષ્ઠાવરણ રચે છે.
(2) ઘનાકાર અધિચ્છદ (cuboidal epithelium) : ઘનાકાર કોષો પેશીના ઊભા છેદમાં ચોરસ અને આડા છેદમાં બહુકોણીય જોવા મળે છે. રક્ષણ ઉપરાંત આ કોષો સ્રાવ (જઠર રસ, અંત:સ્રાવ વગેરે) ઉત્સર્જન અને અભિશોષણ જેવી ક્રિયાઓમાં પણ ભાગ લે છે. કોષો શોષકસપાટી પર તેમના મુક્ત (ખુલ્લા) છેડે કેટલીક વખત સૂક્ષ્મ રસાંકુર ધરાવે છે.
સ્થાન : મૂત્રિંપડની અગ્રસ્થ નલિકાઓ, લાળગ્રંથિઓ, સ્વાદુપિંડનળીઓ, થાઇરૉઇડ ગ્રંથિ, અંડપિંડ, યકૃતનલિકા અને પ્રસ્વેદગ્રંથિ.
(3) સ્તંભાકાર અધિચ્છદ (columnar epithelium) : આ પેશીના કોષો પહોળાઈ કરતાં વધારે ઊંચા અને સ્તંભ(થાંભલા) સ્વરૂપે એકબીજાને અડકીને ગોઠવાયેલા હોય છે. (અકૃતિ મુજબ)

આકૃતિ 2 : સ્તંભાકાર અધિચ્છદ
કોષોના આધારકલા તરફના છેડા સાંકડા પરંતુ (છૂટા) મુક્ત છેડા પહોળા હોય છે. કોષના મધ્યભાગમાં કે સાંકડા છેડા તરફ લંબગોળ કોષકેન્દ્ર હોય છે. સ્તંભાકાર અધિચ્છદનું કાર્યસ્રાવ અથવા અભિશોષણ હોય છે.
સ્થાન : અન્નમાર્ગના અંદરના સ્તરમાં, પિત્તાશય અને મૂત્રજનન અંગો તેમની નળીઓમાં શ્લેષ્મ કલાનું આચ્છાદન રચે છે.
(4) પક્ષ્મલ અધિચ્છદ (ciliated epithelium) : આ પેશી ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદના કોષોની મુક્ત સપાટી પર પ્રાથમિક જીવરસીય પ્રવર્ધો ધરાવે છે. જેને પક્ષ્મો કહે છે. (આકૃતિ મુજબ) (આકૃતિમાં ‘3’ની આકૃતિ અહીં મૂકવી) તેથી આ પેશી પક્ષ્મલ અધિચ્છદ તરીકે ઓળખાય છે. પક્ષ્મોના હલનચલનથી પ્રવાહ સર્જાય છે. તેના લીધે વિવિધ દ્રવ્યોનું વહન થાય છે. પક્ષ્મોનું કાર્ય સૂક્ષ્મ કણો, મુક્ત કોષો અને શ્લેષ્મને કોઈ ચોક્કસ દિશા તરફ ધકેલવાનું હોય છે.
સ્થાન : કર્ણનલિકા, મૂત્રિંપડ નલિકા અને શ્વસનમાર્ગ જેવાં અંગોમાં હોય છે.
(5) કુટસ્તૃત અધિચ્છદ : આ પેશી સાદી સ્તંભીય અધિચ્છદ જ છે. પરંતુ તેની કોષની થવી જોઈતી નિયમિત ગોઠવણી વિક્ષેપ પામેલી હોય છે. આ પ્રકારની અધિચ્છદીય પેશીમાં કોષો એકબીજાને વીંટાઈને આભાસી(કુટ) રચના ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં કોષોની ગોઠવણી એકસ્તરીય હોય છે. પરંતુ કોષોની ઊંચાઈ જુદી જુદી હોવાથી દેખાવ બહુસ્તરીય લાગે છે. આ પ્રકારની અધિચ્છદીય પેશી શ્વાસનળીમાં અને મોટી શ્વસનનલિકાઓની અંદરની સપાટી પર હોય છે. જે શ્લેષ્મ દૂર ખસેડવાનું કાર્ય (કામ) કરે છે.
દેવાંશી જોષી
ડી. સી. ભટ્ટ