અધિકનિવેશન (intercalation) : સૌરવર્ષની સાથે સામાન્ય તિથિપત્રનો સુમેળ સાધવા સારુ કરવામાં આવેલું દિવસોનું ઉમેરણ. દિવસ, માસ અને વર્ષ રૂપે કાળગણના કરતી વખતે સૌરવર્ષની સાથે સુમેળ બેસાડવા માટે નાના એકમ તરીકે એક કે વધુ દિવસો ઉમેરવા પડે છે. સામાન્ય વ્યવહારોપયોગી એવા સમયના એકમો અને તેમની સાથે સંકળાયેલી ખગોલીય ઘટનાઓ નીચે મુજબ છે :
(1) સૂર્ય સન્મુખ પૃથ્વીના ધરીભ્રમણથી બનતો 24 કલાકનો દિવસ. (2) પૃથ્વીની આસપાસ ચંદ્રના પરિભ્રમણથી બનતો, ચંદ્રકળા-આધારિત સરેરાશ 29.5 દિવસનો ચાંદ્રમાસ. (3) સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણથી બનતું, અને આપણા ઋતુચક્રને આવરી લેતું, 365.2422 દિવસનું સૌરવર્ષ (tropical year).
આવર્તનકાળની દૃષ્ટિથી જોતાં આ ત્રણે કાળમાપનના કુદરતી એકમો એકબીજાથી તદ્દન સ્વતંત્ર છે. મોટા એકમનું નાના એકમમાં વિભાજન કરતાં પૂર્ણાંક સંખ્યા મળતી નથી. આ ત્રણે એકમો આપણા રોજિંદા જીવનમાં એવા ઓતપ્રોત થઈ ગયા છે કે તેમના આવર્તનકાળની આ વિષમતા હોવા છતાં તેમનો ઉપયોગ ચાલુ રહ્યો છે. અમુક સમયને અંતરે નાના એકમનો ઉમેરો કરીને જુદા જુદા સમયમાપનના આ એકમો વચ્ચેનો તાલમેળ પુન:સ્થાપિત કરવાનો રિવાજ અપનાવવામાં આવ્યો છે.
(1) પ્લુત વર્ષ(લંબાવેલું વર્ષ, leap year)માં આવતો 29મી ફેબ્રુઆરીનો દિવસ, તેમજ (2) આપણા ચાંદ્ર-સૌરવર્ષમાં સરેરાશ 32 માસ પછી આવતો નિયત અધિકમાસ – એ અધિકનિવેશનનાં જાણીતાં ઉદાહરણો છે.
પ્ર. દી. અંગ્રેજી