અત્રે પ્રહલાદ કેશવ (આચાર્ય અત્રે) (જ. 12 ઑગસ્ટ 1898, કોઢા, જિ. પુણે; અ. 12 જૂન 1969, મુંબઈ) : હાસ્યરસિક મરાઠી કવિ અને નાટ્યકાર. કવિતા, નાટક, હાસ્ય, પત્રકારત્વ ઇત્યાદિ અનેક ક્ષેત્રો તેમણે સફળતાથી ખેડ્યાં છે. એમના પૂર્વજોએ શિવાજીના સમયમાં કરેલાં પરાક્રમોને કારણે એમનું કુટુંબ બહુ જાણીતું હતું. શાળાનું શિક્ષણ સાસવડમાં તથા કૉલેજશિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. 1919માં બી.એ, 1926માં બી.ટી. અને 1928માં લંડનની ટી.ડી.ની પદવી પ્રાપ્ત કરી શિક્ષણક્ષેત્રે નિષ્ઠાપૂર્વક 18 વર્ષ કાર્ય કર્યું. આ સમય દરમિયાન તેમણે હાસ્યપ્રધાન કવિતા તથા નાટકો લખ્યાં. ‘નવયુગ’ સાપ્તાહિકના સંપાદક બન્યા. 1940માં પુણે છોડીને મુંબઈ આવ્યા અને ત્યાં ‘મરાઠા’ નામનું દૈનિક શરૂ કર્યું. મૃત્યુ પર્યંત તેના તંત્રી રહ્યા. 1949માં તેમણે નવયુગ ચિત્રપટ કંપની સ્થાપીને તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. પછી ‘અત્રે પિક્ચર્સ’ નામની બીજી એક કંપની સ્થાપેલી. તેમનાં ‘શ્યામ ચી આઈ’ તથા ‘મહાત્મા ફૂલે’ એ બે ચિત્રપટોને રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો છે.
1916થી 1972 સુધીમાં એમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલા છે. ‘ગીતગંગા’ (1935) અને ‘ઝેંડૂચી ફૂલે’(1925, આઠમી આવૃત્તિ 1972)ની કવિતા હાસ્યપ્રધાન અને વ્યંગપૂર્ણ હોવાને કારણે અત્યંત લોકપ્રિય બની હતી. તેનાથી કવિ તરીકે અત્રેની ખ્યાતિ પ્રસરી. ઉત્તરવયમાં જ્યારે તેઓ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ્યા ત્યારે ‘આચાર્ય અત્રે’ના તખલ્લુસથી એમણે અનેક કટાક્ષકાવ્યો લખ્યાં હતાં.
પ્રખ્યાત નાટ્યકાર ગડકરીના સહવાસથી એમણે પાશ્ચાત્ય તેમજ મરાઠી નાટકોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં કિશોરનાટકો રચેલાં, જેમાં ‘ગુરુદક્ષિણા’ (1930), ‘વીરવચન’ (1932), ‘પ્રહલાદ’ (1933) નાટકો લોકપ્રિય થયાં. તે પછી પુણેની નાટકમંડળીઓના આગ્રહને વશ થઈને તેમણે રંગભૂમિ માટે નાટકો લખ્યાં. એમનું પહેલું નાટક ‘સાષ્ટાંગ નમસ્કાર’ સેંકડો વાર ભજવાયું. તેથી એમનો આત્મવિશ્વાસ દૃઢ થયો.
પ્રેક્ષકોની અભિરુચિ તથા રંગભૂમિનું સ્વત્વ બંનેના સમન્વય રૂપે એમણે અનેક નાટકો લખ્યાં, જે વર્ષો સુધી સફળતાથી ભજવાયાં હતાં. આજે પણ એમનાં નાટકો એટલાં જ લોકપ્રિય છે. ‘સાષ્ટાંગ નમસ્કાર’, ‘ભ્રમાચા ભોપળા’, ‘ઘરા બાહેર’, ‘ઉદ્યાચા સંસાર’, ‘લગ્નાચી બેડી’; ‘મી ઊભા આહે’ વગેરે નાટકો પ્રાથમિક કાળનાં છે. મધ્યકાળનાં ‘પાણિગ્રહણ’, ‘તો મી નવ્હેચ’, ‘મોરુચી માવશી’, ‘મી મંત્રી આહે’ અને ઉત્તરવયનાં ‘ડૉ. લાગૂ’, ‘બ્રહ્મચારી’, ‘પ્રીતિસંગમ’ વગેરે છે.
એમનાં નાટકોની સફળતાનું કારણ મહારાષ્ટ્રીઓની અભિરુચિ તથા મનોવ્યાપારની ઊંડી સમજ, પ્રયોગશીલતા, નાટકનું કૌટુંબિક વાતાવરણ, ભાવનામયતા, તારુણ્યસુલભ પ્રેમનો રંગ અને વ્યંગ તથા વિનોદનું પ્રાચુર્ય છે. એમાં ભિન્ન ભિન્ન સામાજિક સમસ્યાનું હળવી રીતે નિરૂપણ થયું છે. એમનો વિનોદ જીવનમાં દેખાતી વિસંગતિઓ અને માનવના મનના વૈચિત્ર્યમાંથી ફૂટે છે. મરાઠી રંગભૂમિના વિકાસમાં તેમનું યોગદાન ચિરસ્મરણીય છે.
પત્રકાર તરીકે એમનું લેખન નાટક જેટલું જ વૈવિધ્યપૂર્ણ છે. એમને લગભગ બધા જ વિષયો ઉપર લખવાનું આવતું. ‘મરાઠા’ દૈનિક શરૂ કર્યા પછી એમણે રાજકીય અને સામાજિક વિષયો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને અન્યાયનો જોરદાર શબ્દોમાં પ્રતિકાર કર્યો. સમાચારપત્રોમાંના લેખો ગ્રંથસ્થ થયા છે તેમાં ‘અત્રે ઉવાચ’ (નિબંધ–1942), ‘મી કસા ઝાલો’ (આત્મકથન—1953), ‘ચાંગુણા’ (નવલકથા–1954), ‘બત્તીશી આણિ ઇતર કથા’ (1954), ‘યુધે આણિ ગુધે’ (1956), ‘સિંહગર્જના’ (1957), ‘કર્હેચે પાણી’ (આત્મકથા) વગેરે ગ્રંથો મુખ્ય છે. ‘સમાધિ વરીલ અશ્રુ’ (1969) એ પોતે લખેલો પોતાનો મૃત્યુલેખ છે. અત્રેનું મરાઠી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન વ્યંગ અને વિનોદ છે. એઓ પોતાની જાત પર પણ હસે છે અને તેથી તેમાં રોચકતા આવી છે. જોકે ક્યારેક એમનો વ્યંગ આક્રમક હોય છે.
ઉષા ટાકળકર