અતિસાર યાને પ્રવાહિકા

January, 2001

અતિસાર યાને પ્રવાહિકા (આયુર્વેદ) : રોજિંદી ઝાડે જવાની નિયમિતતાને બદલે વધુ વખત, પીળા-રાતા-સફેદ કે પરુ-લોહીવાળા ઝાડા થવાનું દર્દ.

પ્રકારો : આયુર્વેદે અતિસારના કુલ છ પ્રકારો બતાવ્યા છે : 1. વાતાતિસાર (વાયુના ઝાડા), 2. પિત્તાતિસાર (ગરમીનાપિત્તના ઝાડા), 3. કફાતિસાર (શરદી, કફ-જળસના ઝાડા), 4. સંનિપાતાતિસાર (વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષો સાથે કોપવાથી થતા ઝાડા), 5. ભયાતિસાર (માનસિક ભયથી થતા ઝાડા) અથવા શોકાતિસાર (માનસિક શોકથી થતા ઝાડા), 6. આમાતિસાર (ખોરાકના ન પચેલા અંશ-‘આમ’દોષથી થતા કાચા ઝાડા).

લક્ષણો : અતિસાર કે ઝાડાનું દર્દ થવાનું હોય તે પહેલાં કેટલાંક લક્ષણો શરીરમાં પ્રગટે છે. જેમ કે  હૃદય, નાભિ, પડખાં, પેટ, મળાશય- (ગુદા)માં શૂળ-પીડા, અંગો ઢીલાં થવાં, વાછૂટ ન થવી, ઝાડાની કબજિયાત, અપચો તથા આફરો.

  1. વાતાતિસાર (વાયુદોષથી થતા ઝાડા) : ઝાડો આછા-ગુલાબી (શ્યામ) રંગનો, ફીણફીણવાળો, રુક્ષ (ચીકાશરહિત), વારંવાર અનેક વાર, થોડા થોડા પ્રમાણમાં થાય, પેટમાં દુખાવો (શૂળ) થાય અને ઝાડો અવાજ સાથે બહાર આવે તે ‘વાતાતિસાર’નાં લક્ષણો છે. તેની બે અવસ્થા થાય છે : (i) આમદોષયુક્ત, (ii) પક્વદોષયુક્ત (ગંઠાઈ ગયેલો ઝાડો થાય છે.)
  2. પિત્તાતિસાર (પિત્ત કે ગરમીના ઝાડા) : આ પ્રકારનો ઝાડો પીળા રંગનો, પ્રવાહી, ઝટ સરકી પડનાર અને ગરમ ગરમ હોય છે. આ પ્રકારમાં ઝાડાનો રંગ પીળો, લીલો, ભૂરો, કાળો, રાતો અને પિત્તદોષમિશ્રિત થઈ શકે છે. આ ઝાડામાં મળ ખૂબ દુર્ગંધ મારતો અને ઝટપટ થાય છે. તે સાથે દર્દીને તરસ તથા દાહ જણાવાં, પરસેવો થવો, ગુદામાં દાહ થવો, ગુદા પાકવી તથા વધુ ઝાડા વખતે મૂર્ચ્છા થવાની પણ શક્યતા રહે છે.

(3) કફાતિસાર (શરદી-કફના ઝાડા) : આ પ્રકારના ઝાડામાં મળ ચીકણો, લિસ્સો, ઠંડો (કફ-જળસ કે દૂધ જેવો, સફેદ, તાંતણાવાળો, ખૂબ વજનદાર (પાણીમાં ડૂબી જાય તેવો), આમવાળો, દુર્ગંધયુક્ત, કફવાળો, જોર કરતાં થોડો થોડો મળ ઊતરે, પેટ, ગુદા, પેડુ (મૂત્રાશય), સાથળ ભારે લાગવાં, ઝાડો થવા છતાં જાણે થયો જ નથી એમ લાગવું, રૂંવાડાં ઊભાં થવાં (રોમાંચ), મોળ ચડવી, ઊંઘ આવવી, આળસ થવી, અંગોમાં પીડા થવી અને ખાવા પ્રત્યે અરુચિ થવી એવાં લક્ષણો દેખાય છે.

(4) સંનિપાતાતિસાર (ત્રણે દોષના ઝાડા) : આ પ્રકારના દર્દમાં શરીરના ધારક એવા વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષો કોપીને, ત્રણેયનાં મિશ્ર લક્ષણોવાળા ઝાડા થાય છે. આ ઝાડામાં લોહી, માંસ જેવી સાતેય ધાતુઓ પણ ખૂબ વિકાસ પામે છે. તેથી જે જે દોષ કે ધાતુ વધુ બગડ્યાં હોય, તે મુજબ ઝાડા થાય છે. આ રોગમાં માંસ ધોયેલા પાણી જેવો, ચીકણી ચરબી જેવો, અનેક રંગનો ઝાડો પણ થાય છે. આ પ્રકાર ખૂબ કષ્ટથી મટે છે. આ દર્દીને તન્દ્રા, તરસ, મુખશોષ, ભ્રમ અને મોહ થાય છે.

(5) શોકાતિસાર, ભયાતિસાર : માનસિક કારણોસર શોક કે ભયના પ્રસંગથી શરીરનો વાયુદોષ એકદમ કોપી જાય છે અને તેથી દર્દીને ઝાડા થાય છે. આ પ્રકારના ઝાડામાં દર્દી સાવ ઓછો ખોરાક લઈ શકે છે. ક્યારેક સાદા તો ક્યારેક લોહીવાળા, ક્યારેક ગંધાતા તો ક્યારેક ગંધ વગરના, ક્યારેક એકલા લોહીના – એમ નિયમરહિત ઝાડા થાય છે. આ પ્રકારના ઝાડાનું દર્દ પણ કષ્ટથી મટે છે.

(6) આમાતિસાર (આહારનો કાચો રસ – ‘આમ’ના ઝાડા) : આ પ્રકારના ઝાડામાં અન્નનું અજીર્ણ ખાસ હોય છે, જેથી ખાધેલો ખોરાક બરાબર હજમ થતો નથી અને તે અર્ધો કાચો-અર્ધો પાકો થાય છે. અર્ધપક્વ આહારરસ તે જ ‘આમ’દોષ. તેના ઝાડામાં પેટમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક રંગનો, શૂળ-પીડા સાથે મળ વારંવાર થાય છે. મળ દુર્ગંધયુક્ત હોય છે. જે ઝાડો પાણીમાં ડૂબી જાય તે આમદોષવાળો કે કાચો જાણવો. જે ઝાડો ઉપર તરે તે ઝાડો પાકી ગયેલો અને આમદોષરહિત જાણવો. પાકો ઝાડો ચીકાશરહિત અને દુર્ગંધ ન હોય તેવો હોય છે.

રોગની અસાધ્યતાનાં લક્ષણો : ‘અતિસાર’-ઝાડાનું દર્દ ક્યારેક અસાધ્ય  ન મટે તેવી કક્ષામાં પહોંચે છે, ત્યારે દર્દીનો મળ લોહી જેવો રાતો, યકૃત(liver)ના ટુકડા જેવો પીળો, મેદ જેવો ચીકણો–સફેદ, માંસ ધોયેલા પાણી જેવો, દેડકાના રંગ જેવો, અભ્રક જેવી ચમકવાળો, અત્યંત દુર્ગંધ મારતો, સડેલા માંસ જેવી ગંધ જેવો કે પછી માછલા જેવી ગંધવાળો થાય છે. અસાધ્ય ઝાડામાં શરીરની કીમતી ધાતુઓ જતી જણાય છે. આ સાથે દર્દીને તાવ, દાહ, ખૂબ તરસ, ચક્કર, આંખે અંધારાં, હેડકી, શ્વાસ, આમળ નીકળવી, ગુદા પાકવી, લોહીની અછત થઈ જવી, તેમજ અચાનક તકલીફ મટી જવી-એવાં પણ લક્ષણો જણાય છે. આવા ઝાડામાં ખૂબ અનુભવી ચિકિત્સકની સલાહ જરૂરી બને છે.

પ્રવાહિકા (મરડો) : ઝાડાના દર્દ જેવું જ મળ-દોષનું બીજું દર્દ છે  ‘પ્રવાહિકા’. લોકભાષામાં તેને ‘મરડો’ કહે છે. અહિતકર આહાર-વિહારને કારણે શરીરનો વાયુદોષ કોપે છે અને કફદોષનો (મલાશયમાં) સંગ્રહ થાય છે. કોપેલો વાયુ સંચિત કફને ઝાડા માર્ગે લઈ જાય છે, અને તેથી પેટમાં ક્ષણે ક્ષણે ખૂબ જ વીંટ-આંટી-મરોડ આવીને થોડા થોડા પ્રમાણમાં ઝાડો થાય છે. તે ઝાડામાં કફ કે આમદોષ અથવા લોહી પડે છે. ક્યારેક લોહી અને પરુ બંને સાથે પડે છે. મળનું પ્રમાણ સાવ થોડું હોય છે, પણ પીડાનું પ્રમાણ ઘણું વધુ હોય છે. સામાન્ય ઝાડામાં પીડાઉદરશૂળ પેટમાં મરડાટ-આંટીવગેરે મોટેભાગે હોતાં નથી અને ઝાડામાં મળનું પ્રમાણ વધુ હોય છે તથા તે પીડારહિત બહાર આવે છે. જ્યારે મરડામાં પેટમાં મરડાટ-શૂળ ખાસ હોય છે, ઝાડાનું પ્રમાણ સાવ થોડું હોય છે, મળત્યાગની ખણસ વારંવાર થાય છે, ખૂબ જોર કરવા છતાં ઝાડો માંડ થોડો થાય છે. આ છે ‘મરડા’ કે ‘પ્રવાહિકા’નું ખાસ લક્ષણ. મરડામાં થતી શૂળ-પીડા વાયુદોષથી, તેમાં થતી દાહ-બળતરા પિત્તદોષથી, જળસ-કફ પડવાં કફદોષથી અને લોહી પડવું રક્તદોષથી થાય છે.

આ દર્દનાં લક્ષણો અને તેની ચિકિત્સા લગભગ ‘ઝાડા’ના દર્દ જેવાં જ હોય છે.

અતિસારની સારવાર અને તેના સામાન્ય સિદ્ધાંતો : સંગ્રહનિષેધ : આમાતિસારના દર્દમાં મળસંગ્રહ થાય તેવાં ઔષધો અપાતાં નથી. આ પ્રકારમાં મળના સંચયથી દોષો બીજા અનેક રોગ જેવા કે આફરો, સંગ્રહણી, હરસ, સોજા, પાંડુ, લીવર (પ્લીહા) દોષ, કોઢ, ગુલ્મ, ઉદરરોગ, તાવ વગેરે રહે છે. માટે આ દર્દમાં ઝાડા વાટે બહાર નીકળતા દોષોને ઝાડા અટકાવનારી દવા આપી અટકાવવા ન જોઈએ. આવી સ્થિતિમાં બહાર નીકળનારા દોષોને બહાર કાઢનારાં ઔષધો આપવાં પડે છે જેથી પ્રવૃત્ત થયેલા દોષો સહેલાઈથી બહાર નીકળી જઈને રોગ શાંત થાય છે, શરીર હળવુંફૂલ થાય છે અને જઠરાગ્નિ વધુ સતેજ થાય છે. જો ઝાડા મધ્યમ પ્રમાણમાં (ન થોડા, ન વધુ) હોય તો આવા દર્દીને ભૂખ ઉઘાડનાર (દીપન) અને ખાધેલું પચાવનાર (પાચન) ઔષધ અપાય છે. જો ઝાડામાં દોષો ઓછા હોય, તો દર્દીને ઉપવાસ (લંઘન) કરાવે છે. પણ પિત્તાતિસાર તથા રક્તાતિસારમાં ઉપવાસ કરાવવો હિતાવહ ગણાતો નથી.

પિત્તાતિસારમાં પણ પાચન કરનાર ઔષધો અને તરસ લાગે ત્યારે પિત્તશામક (ઠંડાં) ઔષધો સાથે ઉકાળેલું પાણી દર્દીને પીવા આપે છે. દર્દીને ઉપવાસ પછી ભૂખ લાગે ત્યારે પિત્તશામક દવાથી તૈયાર કરેલ રાબ કે સૂપ અપાય છે. તેને ભૂખ બરાબર લાગે પછી તેને દીપન, પાચન, પિત્તશામક અને મળસંગ્રહી આહાર, ઔષધ તથા વિહારનું સેવન કરાવાય છે. પિત્ત કે રક્તના ઝાડામાં જઠરાગ્નિ બરાબર જાગ્રત થયા પછી બકરીના દૂધ ઉપર દર્દીને રાખવાથી ઝાડા મટે છે, બળ તથા વર્ણ(તેજ)ની વૃદ્ધિ થાય છે. છતાં જો કદાચ ઝાડા ન મટે તો પંચકર્મના જ્ઞાતા વૈદ્ય પાસે ‘પિચ્છા બસ્તિ’ નામે એનિમા મુકાવવાથી લાભ થાય છે.

રક્તાતિસાર (લોહીના ઝાડા) : પિત્તદોષના ઝાડામાં ગરમ (પિત્તપ્રકોપક) અન્નપાનના સેવનથી ‘રક્તાતિસાર’ ઉત્પન્ન થાય છે. તેમાં દર્દીને તરસ, શૂળ, પેટમાં દાહ, ઝાડામાં લોહી પડવું તથા ભારે પીડાકારી ગુદાપાકનું દર્દ થાય છે. આ દર્દીની શાંતિ માટે બકરીના દૂધમાં સાકર તથા મધ નાખીને રોજ આપે છે. બકરીના દૂધથી જ ગુદાને ધોવાથી તથા દારૂહળદર, ઇન્દ્રજવ, દ્રાક્ષ જેવાં ઔષધો વાપરવાથી લાભ થાય છે.

કફાતિસાર : આ પ્રકારના ઝાડામાં દર્દીને પ્રથમ ઉપવાસ કરાવે છે. પછી દોષોનું પાચન થાય તેવાં ઔષધો આપે છે. આમાં આમાતિસાર દર્દની સારવાર તથા દીપન (ભૂખવર્ધક) ઔષધ અપાય છે. તે પછી કફદોષનો નાશ કરનારી ચિકિત્સા કરાવવામાં આવે છે. જો કફાતિસારમાં વાયુ અને કફનો અનુબંધ હોય, કફનો સ્રાવ બહુ જ થતો હોય, શૂળ અને મરડો હોય તો આવા દર્દીને ‘પિચ્છા બસ્તિ’ નામે એનિમા અપાય છે. તે બસ્તિમાં ચડાવેલી દવા બહાર નીકળી જાય પછી દર્દીને સ્નાન કરાવીને ભોજન અપાય છે. તે પછી બિલ્વ તેલની એનિમા અપાય છે.

દરેક અતિસારના દર્દમાં કફદોષનો ઘટાડો થવાથી વાયુ પોતાના સ્થાન(મોટા આંતરડા)માં પ્રકોપ પામે છે. આ રીતે કોપેલો વાયુ દર્દી માટે ક્યારેક ઘાતક બને છે. માટે ઝાડાના દર્દમાં વાયુદોષની શાંતિ માટે તરત સારવાર કરવાની સલાહ અપાય છે.

સંનિપાતજ અતિસારની સારવાર : જો વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષો સરખા પ્રમાણમાં કોપ્યા હોય તો પ્રથમ વાયુદોષની, પછી પિત્તદોષની અને છેલ્લે કફદોષની સારવાર થાય છે. જો દોષ વિષમ પ્રમાણમાં કોપ્યા હોય તો જે દોષ ખૂબ વધારે બળવાન થયો હોય તેની ચિકિત્સા કરવામાં આવે છે.

અતિસારમાં આહાર : ઝાડાના દર્દીને કોપેલા દોષો શાંત થાય ત્યારે ભોજનના યોગ્ય સમયે દર્દીને જલદી પચે તેવું હળવું અન્ન અપાય છે. તેમાં છાશ, સૂપ, ઘટ્ટ પ્રવાહી જેવી વસ્તુ, ભૂખ ઉઘાડનાર (દીપન) તથા ઝાડા બાંધનાર (ગ્રાહી) ઔષધ સાથે તૈયાર કરીને આપે છે. આમદોષનું પાચન થયા પછી પણ જો ઝાડા થાય અને તે સાથે શૂળ, અમળાટ સાથે વારંવાર થોડો થોડો ઝાડો નીકળતો હોય તો દર્દીને દહીં, દાડમનો રસ અને સ્નેહયુક્ત (તેલવાળું) ભોજન અપાય છે. જો દર્દીને વાયુ અને ઝાડાની કબજિયાત થાય અને તે સાથે શૂળ તથા મરડો હોય, લોહી અને જળસ પડતાં હોય તો દર્દીને ભરપેટ દૂધ આપવામાં આવે છે. તેથી શૂળ, મરડો અને કબજિયાતની તકલીફ શાંત થાય છે.

નીચેનાં લક્ષણો જણાયેથી ઝાડાનું દર્દ મટ્યું મનાય છે. અવાજ વગર ઝાડો થાય, પેશાબ થાય અને અપાનવાયુ (વાછૂટ) થાય, પેટમાં વાયુ સારી રીતે હરેફરે, ભૂખ સારી રીતે લાગે, વધુ પડતા ઝાડા બંધ થાય અને પેટ હળવું લાગે તે ઉપરથી અતિસાર મટ્યો છે એમ સમજાય છે.

અપથ્ય : ઝાડાનું દર્દ હોય તેણે સ્નાન કરવું, વરાળથી બાફ લેવો, માલિશ કરવું, ભારે અને ચીકણું ભોજન કરવું, વ્યાયામ-પરિશ્રમ કરવો તથા તાપ-તડકાનું સેવન કરવું, મૈથુન કરવું તથા ઝાડોપેશાબ પરાણે અટકાવવાં એ નિષિદ્ધ ગણાય છે.

ઝાડામાં ઘઉં, વટાણા, અડદ, જવ, ચોળા, કોળું, સરગવો, કંદશાક, નાગરવેલનું પાન, શેરડી, બોર, કેરી, કાકડી, સોપારી, ગોળ, નાળિયેર, ખાર, દ્રાક્ષ અને ખાટુંમીઠું જડ (વાસી) અન્ન અપથ્ય ગણાય છે.

પથ્ય : ઉપવાસ (લંઘન) કરવો, ઊલટી કરવી, ઊંઘ લેવી, આરામ કરવો (શ્રમ ત્યજવો), જૂના ચોખા, મમરા, મસૂર-દાળ, તુવેરદાળ, ઘી, મધ, દહીં, તેલ, દૂધ, છાશ, માખણ, કેળાનાં ફૂલનું શાક, જાંબુ, આદુ, કોઠાં, બોર વગેરેમાંથી દર્દના મુખ્ય દોષને સમજીને જે વધુ યોગ્ય હોય તે લેવામાં આવે છે. ભૂખ લગાડે એવો તથા પચવામાં હળવો ખોરાક તથા સૂપ જેવો પ્રવાહી પદાર્થ લેવાય છે.

ઝાડામાં લાગતી વધુ પડતી તરસની શાંતિ માટે ધાણા અને સુગંધી વાળાને પાણીમાં નાંખી ઉકાળેલું અને પછી ઠંડું કરેલું પાણી અપાય છે. આમના ઝાડામાં સૂંઠ–જીરું નાંખી ઉકાળેલું પાણી દર્દીને અપાય છે. અજીર્ણ  અને આમના ઝાડામાં ઉપવાસ કરાવ્યા પછી હલકું ભોજન અપાય છે.

મરડાના દર્દમાં અફીણવાળી દવા (જાતિફલાદિ વટી), કર્પૂરરસ, અહિફેનાસવ વગેરે તથા બીલાનો મુરબ્બો વગેરે સારું કામ આપે છે. અતિસાર–ઝાડાના દર્દમાં બિલ્વાદિ ચૂર્ણ, લઘુ ગંગાધર ચૂર્ણ, કુટજ ઘનવટી, કુટજારિષ્ટ, જાતિફલાદિચૂર્ણ, આનંદભૈરવરસ (આમાતિસારમાં), કર્પૂરરસ, કર્પૂરાસવ, કુટજાવલેહ જેવાં ઔષધો આયુર્વેદનાં સફળ ઔષધો ગણાય છે.

ચં. પ્ર. શુક્લ