અઝીઝ (દરવેશ) (જ. 1928) : આધુનિક કાશ્મીરી કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂંચમાં. સ્નાતકકક્ષા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. નાનપણથી જ કાવ્યરચના કરતા. કૉલેજમાં પણ શ્રેષ્ઠ કાવ્યપાઠ માટે પારિતોષિક મેળવેલું. આકાશવાણી કવિસંમેલનમાં અનેક વાર કાવ્યપઠન કરેલું. એમનો કાવ્યસંગ્રહ ‘જંગી ઝકુમ’ 1960માં પ્રગટ થયેલો. એમણે પાકિસ્તાની આક્રમણ સમયે દેશભક્તિનાં અને યુદ્ધોત્સાહનાં અનેક કાવ્યો લખેલાં, જેમાં એમનો ભારત માટેનો અઢળક પ્રેમ વ્યક્ત થયેલો છે. ઉક્ત કાવ્યસંગ્રહ માટે એમને રાજ્ય સરકાર તરફથી પારિતોષિક મળ્યાં છે અને 1968માં સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એમની કવિતા પર સામ્યવાદનો પ્રભાવ છે. દલિત, પીડિત, શોષિતને લગતી કવિતામાં ‘આક્રોશ’ સંભળાય છે. ઉત્કટ ઊર્મિલતાને વ્યક્ત કરતી ઓજસયુક્ત શૈલીને કારણે તેમની કવિતા લોકપ્રિય બનેલી છે.
ચન્દ્રકાન્ત મહેતા