અઝિમ પ્રેમજી (જ. 24 જુલાઈ 1945, મુંબઈ) : ભારતના ઉદ્યોગ, વ્યાપાર અને વાણિજ્યક્ષેત્રના અગ્રણી સાહસિક અને વિશ્વના ધનાઢ્ય તથા પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક. ઇસ્માઇલી બોહરા જ્ઞાતિમાં જન્મ. પરિવાર મૂળ કચ્છનો અને તેથી ગુજરાતી. વ્યવસાયનું સ્થળ બૅંગાલુરુ (કર્ણાટક). પિતાનું નામ મોહમ્મદહુસેન અને માતાનું નામ યાસ્મીનબીબી. ભારતની મોટામાં મોટી સૉફ્ટવેર કંપની ‘વિપ્રો’ ટૅક્નૉલૉજીના ચૅરમૅન તથા મુખ્ય કાર્યકારી અધિકારી (C.E.O.). શરૂઆતનું શિક્ષણ લીધું મુંબઈની એક મધ્યમવર્ગીય શાળામાં જ્યાં બધી જ કોમોનાં બાળકો એકસાથે ભણતાં હતાં. તેમાંથી અઝિમે જે સંસ્કાર ઝીલ્યા તેનાથી ભાવિ જીવનનું ઘડતર થયું. તેમના પિતા મુંબઈમાં વનસ્પતિ તેલનો વ્યાપાર કરતા હતા. એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં તેઓ દાખલ થયા; પરંતુ પિતાના આકસ્મિક અવસાનને લીધે સ્વદેશ પાછા આવ્યા અને માત્ર 21 વર્ષની વયે પરિવારના વ્યવસાયનું સંચાલન કરવાની જવાબદારી ઉપાડી. સમય જતાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સ્નાતક પદવી મેળવવા માટે પત્રાચારી અભ્યાસક્રમ(correspondence courses)ની પદ્ધતિથી વિનયન વિદ્યાશાખાની પદવી પ્રાપ્ત કરી.
સમયાંતરે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીની ઇલેક્ટ્રિકલ ઇજનેરીની પદવી પણ પ્રાપ્ત કરી. મૂલ્યઆધારિત (value based) વ્યવસાય કરવાના ધ્યેય સાથે તેમણે ‘વિપ્રો’ના સંચાલનની જવાબદારી સ્વીકારી, જેમાં શરૂઆતમાં વપરાશી ચીજવસ્તુઓ તથા હાઇડ્રોજનેટેડ કૂકિંગ ફૅટ્સનો જ વ્યાપાર કરવામાં આવતો. તે કંપની સમય જતાં અઝિમ પ્રેમજીની કુનેહ અને માર્ગદર્શન હેઠળ ભારતની મોટામાં મોટી સૉફ્ટવેર કંપની બની અને વિશ્વની 100 મોટામાં મોટી ટૅક્નૉલૉજી કંપનીઓમાં તેની ગણના થવા લાગી, જે વાર્ષિક 2.3 અબજ અમેરિકન ડૉલર કરતાં પણ વધુ રકમની લેવડ-દેવડ (turnover) કરતી થઈ હતી. આ સિદ્ધિમાં મૂલ્યોને વળગી રહેવાના તેમના વલણનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. સંશોધન અને વિકાસ (R & D) માટે સેવાઓ પૂરી પાડતી તેમના હસ્તકની ‘વિપ્રો’ કંપની તે ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી કંપની છે અને તેની શાખા BPO આઉટ સોર્સિંગ ક્ષેત્રમાં ભારતભરમાં પ્રથમ ક્રમ ધરાવે છે.
ફૉર્બ્સ દ્વારા દર વર્ષે થતા મૂલ્યાંકનમાં 1999થી 2005ના ગાળામાં ભારતભરમાં સૌથી વધારે ધનિક વ્યક્તિ તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું હતું; પરંતુ નવેમ્બર 2006માં ફૉર્બસે જે ગણતરી કરી છે તે મુજબ લક્ષ્મી મિત્તલ પહેલા ક્રમે છે. મુકેશ અંબાણી બીજા ક્રમે છે. અનિલ અંબાણી ત્રીજા ક્રમે છે અને અઝિમ પ્રેમજી ચોથા ક્રમે છે. ‘બિઝનેસ ઇન્ડિયા’એ વર્ષ 2000 માટે ‘બિઝિનેસમૅન ઑવ્ ધી ઇયર’ તરીકે તેમને પસંદ કર્યા હતા. તે જ વર્ષે ‘એશિયા વીક’ નામના જાણીતા સામયિકે અઝિમ પ્રેમજીને વિશ્વના 20 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં મૂક્યા હતા તથા ફૉર્બસ દ્વારા વર્ષ 2001થી 2003ના ગાળા માટે વિશ્વના 50 સૌથી વધારે ધનાઢ્ય લોકોમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. એપ્રિલ, 2004માં ‘ટાઇમ’ સામયિકે તેમની ગણના વિશ્વના સૌથી અધિક 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં કરી હતી. જાન્યુઆરી 2006માં કરવામાં આવેલ ગણતરી મુજબ અઝિમ પ્રેમજી વિશ્વના સૌથી વધારે ધનિક લોકોમાં દસમા ક્રમે આવે છે. ‘ફૉર્ચ્યુન’ સામયિકે વર્ષ 2003માં તેમને અમેરિકાની બહારના વિશ્વમાંના ધંધા-વ્યાપારના ક્ષેત્રના સૌથી સશક્ત 25 નેતાઓમાંના એક તરીકે જાહેર કર્યા હતા. ‘બિઝનેસ વીકે’ વર્ષ 2003માં તેમને ‘ઇન્ડિયન ટૅક્નિકલ કિંગ’ તરીકે ઓળખાવ્યા હતા. વર્ષ 2004માં ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સે’ તેમની ગણના જેમણે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ગણાય તેવાં સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તનો લાવવા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કર્યો હોય તેવા અબજપતિઓમાં કરી હતી.
અઝિમ પ્રેમજીએ પોતાની કારકિર્દીમાં ચાર મુખ્ય બાબતો પર ભાર મૂક્યો છે : (1) મૂળભૂત નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા; (2) ભવિષ્યમાં હાંસલ કરવાના આદર્શો સતત નજર સમક્ષ રાખવા; (3) ઉત્પાદનમાં શ્રેષ્ઠતમ ગુણવત્તાની જાળવણી અને (4) નેકીના પાયા પર આર્થિક વ્યવહારોનું આયોજન અને સંચાલન. કંપનીના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ખામી ધરાવતી ચીજવસ્તુઓ કે સેવાઓ ન જ આપવા પર તેઓ સતત ભાર મૂકતા હોય છે. ઉચ્ચ કોટિના વ્યાવસાયિક વ્યવહાર માટે તેમણે દસ સિદ્ધાંતો સ્વીકાર્યા છે : (1) વધારેમાં વધારે પરિશ્રમ કરવાની તૈયારી, (2) વ્યવહારમાં સ્વાભાવિકતા, એટલે કૃત્રિમતાનો સદંતર અભાવ, (3) સફળતાની પેલી પાર જોવાની દૃષ્ટિ, (4) ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ, (5) ભૂલો સુધારવાની તૈયારી, (6) હકારાત્મક અભિગમ પ્રત્યે કટિબદ્ધતા, (7) નેતૃત્વમાં ઉદારતા અને પરિવર્તનશીલતાનો સ્વીકાર, (8) વ્યાવસાયિક નૈપુણ્યનો આગ્રહ, (9) પોતાની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાની તત્પરતા, અને (10) પાયાનાં મૂલ્યોના જતન માટે ગમે તે ભોગ આપવાની તૈયારી.
વર્ષ 2000માં મણિપાલ અકાદમી ઑવ્ હાયર એજ્યુકેશન તથા રુરકીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીએ પ્રેમજીને ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરી હતી તથા વર્ષ 2005માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ઍવોર્ડથી નવાજ્યા હતા. ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી માટે ભારતના પ્રધાનમંત્રીએ નીમેલ સલાહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘વિપ્રો ટૅક્નૉલૉજિઝ’માં અઝિમ પ્રેમજી 84 ટકા અસ્કામતો ધરાવે છે, જ્યારે બાકીની 16 ટકા અસ્કામતો કંપનીના સહસંસ્થાપક પાસે છે.
અઝિમ પ્રેમજીએ આપેલ દાનમાંથી ‘અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન’ સ્થાપવામાં આવેલ છે. તેઓ દૃઢપણે માને છે કે કોઈ પણ દેશની પ્રગતિ અને વિકાસમાં શિક્ષણ એ સૌથી મહત્ત્વનું ઘટક હોય છે. સરકાર અને સંબંધિત ઘટકસંસ્થાઓની સહાયથી ખાસ ઓળખી કાઢેલ સામાજિક સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં અસરકારક નીવડી શકે તેવો સહિયારો પ્રયત્ન થવો જોઈએ. તેની રૂએ શાળાઓમાં ભણવાની ગુણવત્તા સુધારવા માટે તથા શાળાઓના સંચાલનમાં સંતોષકારક ગણાય તે સ્તરની સામાજિક માલિકી દાખલ કરવા માટે આ ફાઉન્ડેશન કાર્યરત છે. વળી, આંધ્રપ્રદેશની શાળાઓમાં કમ્પ્યૂટર-આધારિત મૂલ્યાંકન દાખલ કરવામાં આ ફાઉન્ડેશને પહેલ કરી છે અને વર્ષ 2005ની શરૂઆતમાં રાજ્યના 50,000 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમના માટે એક ખાસ ‘ભણતર બાંયધરી કાર્યક્રમ’ (Learning Guarantee Programme) દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપર્યુક્ત ફાઉન્ડેશન દ્વારા ‘લર્નિંગ કર્વ’ નામથી એક સમાચારપત્ર (News letter) પ્રકાશિત કરવામાં આવે છે. સર્વસામાન્ય શિક્ષણની અને ખાસ કરીને ગ્રામવિસ્તારના શિક્ષણની ગુણવત્તા સુધારવાનું ફાઉન્ડેશનનું મુખ્ય ધ્યેય છે અને સાથોસાથ તે ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી શિક્ષણનો પ્રચાર-પ્રસાર પણ કરે છે. ભારતમાં પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક બને તે ધ્યેયને આ ફાઉન્ડેશન વરેલું છે. ફાઉન્ડેશને વર્ષ 2005માં ભારતીય શાળાઓ માટે પાંચ નવી શૈક્ષણિક સી.ડી. તૈયાર કરી છે. અંગ્રેજીમાં ‘ફ્રેન્ડલી ઍનિમલ્સ ઍન્ડ જર્ની ઑન ધ ક્લાઉડ્ઝ’, ‘સ્વતંત્ર દિવસ’, ‘ફન વિથ ચિંકુ’ (ગણિત વિષયમાં) અને ‘ખેલ-મેળ’ (હિંદી ભાષામાં) – આ પાંચ સી.ડી. સાથે શૈક્ષણિક હેતુથી ફાઉન્ડેશને તૈયાર કરેલી સી.ડી.ની કુલ સંખ્યા 70 જેટલી થઈ છે; પરંતુ તેની ભાષાવાર ગણતરી કરતાં તેમાંથી 68 કન્નડ ભાષામાં, 42 તેલુગુ ભાષામાં, 35 તમિળ ભાષામાં, 18 ઉર્દૂમાં, છ ઉડિયા ભાષામાં, 14 ગુજરાતીમાં, 3 પંજાબીમાં અને એક મલયાળમમાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે કેટલીક સી.ડી. એક કરતાં વધુ ભાષામાં ઉતારવામાં આવી છે.
અઝિમ પ્રેમજી ફાઉન્ડેશને સમગ્ર દક્ષિણ ભારતમાં શિક્ષણના ક્ષેત્રમાં પ્રભાવશાળી કાર્ય કરી બતાવ્યું છે અને તેની રૂએ અઝિમ પ્રેમજી માત્ર ઉદ્યોગપતિ જ નહિ; પરંતુ કેળવણીકાર પણ છે.
તેમના તાબા હેઠળની ‘વિપ્રો’ કંપનીને વિશ્વની દસ સર્વશ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન મળે તે માટે તેના મૅનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અઝિમ પ્રેમજી મથામણ કરી રહ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે