અઝહરુદ્દીન, મોહમ્મદ (જ. 8 ફેબ્રુઆરી 1963, હૈદરાબાદ) : ભારતીય ક્રિકેટ ટીમનો મજબૂત જમોડી બૅટ્સમૅન, ચપળ ફિલ્ડર અને સફળ સુકાની. ટેસ્ટ-ક્રિકેટમાં મોહમ્મદ અઝહરુદ્દીનનો પ્રવેશ અતિ ભવ્ય ગણાય છે. 1984ના ડિસેમ્બરમાં ડૅવિડ ગાવરની ઇંગ્લૅન્ડની પ્રવાસી ટીમ સામે રમતાં કૉલકાતાની પોતાની સર્વપ્રથમ ટેસ્ટમાં અઝહરુદ્દીને 110 રન કર્યા. એ પછીની ચેન્નઈની ટેસ્ટમાં 48 અને 105 રન અને ત્યારબાદ કાનપુરની ટેસ્ટમાં 122 અને 54 (અણનમ) રન કર્યા. વિશ્વક્રિકેટમાં કોઈ પણ બૅટ્સમૅને અઝહરુદ્દીનની માફક પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટમાં સદીઓ નોંધાવી નથી. અઝહરુદ્દીનનો પ્રવેશ એ સિદ્ધિનો ક્ષણિક ચમકારો બનવાને બદલે સમય જતાં એ ભારતીય ક્રિકેટનો શક્તિશાળી બૅટ્સમૅન અને સફળ સુકાની બન્યો. મધ્યમ ઝડપી સ્વિંગ ગોલંદાજ તરીકે ક્રિકેટ ખેલવાની શરૂઆત કરનાર અઝહર હૈદરાબાદ સ્કૂલ્સ તરફથી રમવા લાગ્યો ત્યારે એની કલાત્મક ફટકાબાજી જોવા મળી. નિઝામ કૉલેજ અને ઑસ્માનિયા યુનિવર્સિટીમાં ભણેલા અઝહરે બૅંકમાં નોકરી સ્વીકારી.
1981–82માં એ હૈદરાબાદની ટીમ તરફથી રણજી ટ્રૉફી મૅચ રમ્યો અને એની છટાદાર બૅટિંગ દર્શકોને આકર્ષી ગઈ. દડાને ખૂબ મોડો રમી શકવાની શક્તિ ધરાવનાર અઝહર સુંદર ટાઇમિંગ સાથે પિચની બંને બાજુ ફિલ્ડર વિનાના સ્થાને દડાને ફટકારી શકે છે અને છેક છેલ્લી ક્ષણે કાંડાને ઘુમાવીને દડાની દિશા બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. ચપળ ફિલ્ડર તરીકે અઝહરુદ્દીને ભારતીય ટીમમાં આગવું સ્થાન મેળવ્યું છે. 1984–85માં ઇંગ્લૅન્ડ સામે બૅંગાલુરુમાં પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો. 1985–86માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં નિષ્ફળ જનાર અઝહરે 1986માં ઇંગ્લૅન્ડ સામે મજબૂત રમત બતાવી ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું. 1988ના ડિસેમ્બરમાં ન્યૂઝીલૅન્ડની ટીમ સામે વડોદરામાં રમતાં અઝહરે 62 દડામાં કરેલી સદી વન-ડે ક્રિકેટની એક ઝડપી સદી ગણાય છે. 1990માં અઝહરને સુકાનીપદ મળ્યું અને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં લોર્ડ્ઝના મેદાન પર શાનદાર બૅટિંગથી 121 રન કર્યા તેમજ આ ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ઓલ્ડ ટ્રેફર્ડની ટેસ્ટમાં પ્રભાવક બૅટિંગથી 179 રન કર્યા. 1991માં વિસ્ડનના વર્ષના પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓમાં અઝહરને સ્થાન મળ્યું.
સુકાની તરીકે પ્રથમ બે ટેસ્ટ-શ્રેણીમાં 75 અને 85 રનની સરેરાશ ધરાવનાર અઝહર 1992–93માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ખેલાડી અને સુકાની તરીકે નિષ્ફળતા પામ્યો. એનું સુકાનીપદ ગુમાવવાની અણી પર હતો ત્યાં એણે ગ્રેહામ ગૂચની આગેવાની હેઠળ આવેલી ઇંગ્લૅન્ડની ટીમ સામે 179 રન કરીને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ભારતના ભવ્ય વિજયનો પાયો નાખી આપ્યો. 1994 સુધીમાં અઝહરે ટેસ્ટ ખેલતા તમામ દેશો સામે ખેલવાનું માન મેળવ્યું. ઇંગ્લૅન્ડની ડર્બિશાયર કાઉન્ટી તરફથી 1991 અને 1994ની સીઝનમાં રમ્યો. 1996ના ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ક્ષુબ્ધ અંગતજીવનની સમસ્યાને કારણે પાંચ ટેસ્ટદાવમાં માત્ર 42 રન કર્યા. પરિણામે 1996ના ઑક્ટોબરમાં સચિન તેંડુલકરને ભારતનું સુકાનીપદ સોંપવામાં આવ્યું, પરંતુ સુકાની સચિન તેંડુલકરની બૅટિંગ-નિષ્ફળતાને કારણે 1998માં અઝહરની સુકાની તરીકે પુન: પસંદગી થઈ અને એની આગેવાની હેઠળ ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડનો પ્રવાસ ખેડ્યો. 1992, 1996 અને 1999ના વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇવ લૉઇડની માફક ત્રણ ત્રણ વાર સુકાનીપદ મેળવનાર અઝહર સરિયામ નિષ્ફળ ગયો એને સ્થાને ભારતીય ટીમનું સુકાનીપદ સચિન તેંડુલકરને આપવામાં આવ્યું. અઝહરની ઑક્ટોબર 2000 સુધીની ક્રિકેટ-કારકિર્દી આ પ્રમાણે છે : 99 ટેસ્ટ, 147 દાવ, 6215 રન, સૌથી વધુ રન 199, 45.04ની સરેરાશ, 22 સદી અને 105 કૅચ; 334 વન-ડે, 308 દાવ, 9,378 રન, સૌથી વધુ રન 153 (અણનમ), 36.92ની સરેરાશ, 7 સદી અને 155 કૅચ.
અઝહરુદ્દીન પર મૅચ ફિક્સ કરવા માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ, ભારતીય ક્રિકેટ બોર્ડ કે એને સંલગ્ન મંડળમાં કોઈ પણ હોદ્દો ધરાવવા પર પ્રતિબંધ મુકાયો હતો.
આજીવન પ્રતિબંધ સામે અઝહરે કોર્ટમાં લાંબી લડત ચલાવી હતી. 2012માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આજીવન પ્રતિબંધને અયોગ્ય ગણાવતો ચુકાદો આપ્યો હતો.
અઝહરુદ્દીને 2009માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 2009ની લોકસભાની ચૂંટણીમાં અઝહરે કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશના મોરાદાબાદની બેઠક પરથી વિજય મેળવ્યો હતો. કૉંગ્રેસે અઝહરને તેલંગણા પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે.
2016માં અઝહરુદ્દીનના જીવન પર ‘અઝહર’ નામની એક ફિલ્મ બની હતી, જેમાં અઝહરની ભૂમિકા ઇમરાન હાશ્મીએ ભજવી હતી.
કુમારપાળ દેસાઈ