અજમ (ઈરાન) : અરબ દેશ સિવાય બીજો દેશ, ખાસ કરીને ઈરાન અને તુર્કસ્તાન. અરબી ભાષા ન જાણવાના કારણે ઈરાની લોકો આરબ લોકો સામે ચૂપ રહેતા હતા, તેથી આવાં માણસોને અરબસ્તાનમાં મૂંગાં કે પ્રાણી જેવાં કહેવામાં આવતાં. તેથી ‘અજમી’નો અર્થ જે અરબસ્તાનનો રહીશ ન હોય તે અર્થાત્ ઈરાની કે તુરાની થતો. પાછળથી અજમનો અર્થ ઈરાન દેશ પ્રચલિત થઈ ગયો. ભારતમાં અને મુખ્યત્વે ગુજરાતમાં વસતા પારસીઓના વડીલોની પ્રાચીન માતૃભૂમિ અજમ-ઈરાન છે.

અજમ કે ઈરાન એક અતિ પ્રાચીન દેશ છે. ત્યાંના મહાન સમ્રાટો સાઇરસ (ઈ. સ. પૂ. 558થી 529), દારા (ઈ. સ. પૂ. 521થી 486) અને ન્યાયી નૌશીરવાને (ઈ. સ. 531થી 579) દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. પ્રાચીન ઈરાન શૂરવીર યોદ્ધા રુસ્તમનાં નામ, શૌર્ય અને પરાક્રમોનું પ્રતીક બની ગયું છે. પયગંબર જરથુષ્ટ્રે ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં ઝરથોસ્તી ધર્મની સ્થાપના કરી હતી. પારસીઓ તેમને પોતાના પયગંબર તરીકે આદર આપે છે. પ્રાચીન ઈરાનની ભવ્યતા તેનાં ખંડેરો ઉપરથી સ્પષ્ટ તરી આવે છે. ભારત અને ઈરાન આર્ય સંસ્કૃતિનાં પ્રાચીન સ્વરૂપો છે અને વેદ તથા અવસ્તા ઇન્ડો-યુરોપીય સાહિત્યના સૌથી પ્રાચીન નમૂનાઓ ગણાય છે. ઝરથોસ્તી અને હિંદુ ધર્મ અતિ પ્રાચીન કાળના ઇન્ડો-ઈરાની ધર્મની શાખાઓ છે. બંને પ્રજાઓ આર્ય છે. ઈરાન નામ જ ‘‘અઇરાનવએજો’’ અથવા ‘આર્યાવર્ત’નો અર્થ ધરાવે છે. ઈરાની સમ્રાટ મહાન દારાએ પોતાના શિલાલેખોમાં પોતે આર્ય હોવા વિશે સગર્વ ઉલ્લેખ કર્યો છે.

ઈ. સ. પૂ. વર્ષો પહેલાં જ્યારે મધ્યએશિયામાંથી આર્યો નીચે ઊતરી આવ્યા ત્યારે એક ટોળું, જે ત્રીડ નામે ઓળખાતું, તે ઈરાનના વાયવ્ય ખૂણામાં મીડિયામાં જઈ વસ્યું. બીજું ટોળું ઈરાનીઓનું હતું તેણે ઈરાનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વસવાટ કર્યો, જ્યારે એક ત્રીજું ટોળું છેક નીચે ઊતરી આવ્યું અને સિંધુ નદીના પ્રદેશમાં ગોઠવાયું. તેને હિંદુ નામ મળ્યું. પરસિસ અથવા પાર્સ પ્રાંતના નામ ઉપરથી ઈરાન આખાનું નામ પાર્સ (ફાર્સ) અથવા ગ્રીક ઇતિહાસકારો લખે છે તેમ ‘પરશ્યા’ પડ્યું અને લોકો પારસી કહેવાયા.

વૈદિક અને અવસ્તામાંથી અનુક્રમે ઊતરી આવેલી ‘સંસ્કૃત’ અને ‘પર્શિયન’ ઇન્ડો-ઈરાની ભગિનીભાષાઓ છે અને બંને ભાષાઓમાં ઘણું સામ્ય રહેલું છે. જેમ સંસ્કૃતમાં લખાયેલું મહાકાવ્ય ‘મહાભારત’ છે તેમ પર્શિયનમાં મહાકવિ ફિરદૌસીનું ‘શાહનામા’ છે. ભગવાન શ્રીકૃષ્ણે આપેલું હિંદુ ધર્મપુસ્તક ‘ગીતા’ છે. પયગંબર ઝરથુષ્ટ્રનો પારસી ધર્મગ્રંથ ‘ગાથા’ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ