અચપલ : અઢારમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક અને કવિ. તેઓ ઉચ્ચ કોટીના ગાયક હતા તથા અસાધારણ કવિત્વશક્તિ ધરાવતા હતા. તેઓ ‘અચપલ’ તખલ્લુસથી કાવ્યો લખતા અને પોતે રચેલાં ગીતોને શાસ્ત્રીય સંગીતની બંદિશોમાં ઢાળતા. ખયાલ ગાયક તરીકે તેમણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમની કવિતામાં ભક્તિરસનું પ્રાધાન્ય રહેતું. ભારતની પ્રાચીન ગુરુશિષ્ય-પરંપરાના તેઓ આગ્રહી હતા તેથી તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા માગતા દરેક શિષ્યને તેમની સાથે જ રહેવું પડતું. રાગ અને તાલની શુદ્ધતા પ્રત્યે તેઓ ચુસ્ત હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યા છે; જેમાં ગ્યાનદત્ત, શંભુનાથ અને નંદલાલ વિશેષ ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે