અઘેડી (કાળી) : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Peristrophe bicalyculata Nees. [સં. अपामार्ग, काकजंघा, नदीक्रान्ता; હિં. अत्रीलाल, चीरचीरा; ગુ. અઘેડી (કાળી)] છે.
પડતર જમીન ઉપર અથવા વાડ તથા ઝાંખરાં પર ચડતા 1થી 1.5 મી. ઊંચા, ચારથી છ ખૂણાવાળા, ફેલાતા છોડવાઓ. સાદાં રુવાંટીવાળાં અંડાકાર ઘટ્ટ પર્ણો. ગુલાબી કે જાંબુડિયા રંગનાં પુષ્પો ત્રિશૂળ જેવાં (trichotomous) ત્રણ પાંખિયાંવાળાં, દંડ ઉપર ઑક્ટોબરથી એપ્રિલ માસ દરમિયાન નીકળે. ફળ ઉપર નાની આછી રુવાંટી. તેમાં ચાર બીજ હોય. વેલાળ છોડને બી આવતાં નથી એવી માન્યતાને કારણે તેને બોડી અઘેડી કહે છે. પણ આ છોડને બીજ તો છે જ. અઘેડો એ જુદી વનસ્પતિ છે.
આયુર્વેદ અનુસાર પિત્ત, કષ્ટપ્રસૂતિ, જ્વર, કૉલેરા, અનિદ્રા વગેરેમાં આ વનસ્પતિનો પ્રભાવ તાત્કાલિક પરિણામદાયી છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન