અગ્નિરોધક ખનિજો (refractory minerals) : 15000 સે. કે તેથી વધુ તાપમાનના પ્રતિકારની ક્ષમતા ધરાવતાં ખનિજો. આધુનિક ધાતુક્રિયામાં જુદાં જુદાં ધાતુખનિજોને એકલાં, કે તેમાં જરૂરી પદાર્થો ઉમેરીને, અત્યંત ઊંચા તાપમાને ભઠ્ઠીઓમાં પિગાળવામાં આવે છે. આ માટે ભઠ્ઠીઓની અંદરની બાજુની દીવાલો વિશિષ્ટ પ્રકારની અગ્નિરોધક ઈંટોથી તૈયાર કરવામાં આવે છે. અથવા તો તેના ઉપર અગ્નિરોધક ખનિજોના ભૂકાનું પડ ચઢાવવામાં આવે છે, જેથી દીવાલો પીગળી ગયા વિના ઊંચા તાપમાનનો પ્રતિકાર કરી શકે. આ રચના માટે અગ્નિરોધક ખનિજો વપરાય છે. આવાં ખનિજોમાં નીચે મુજબના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો પણ હોવા જોઈએ : (1) ભઠ્ઠીની દીવાલો અંદર પીગળતા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહિ; (2) પીગળતાં ધાતુખનિજોના દબાણ કે વજનને કારણે તે તૂટી ન પડે; (3) તાપમાનના ફેરફારો કે વધઘટને કારણે તેમાં તડ ન પડે, પ્રસરણ કે સંકોચન ન થાય અને સ્થિરતા જળવાય; વળી (4) તેમાંથી જરૂરિયાત મુજબ ઈંટો કે અન્ય બીબાંઢાળ આકાર આપી શકાય તેવી તેમનામાં સુઘટ્યતા (plasticity) હોય. કેટલાંક અગ્નિરોધકો ભઠ્ઠીઓ સિવાય પણ ઊંચું તાપમાન જરૂરી હોય તેવી અન્ય ઉદ્યોગ-પ્રવિધિઓમાં પણ ઉપયોગમાં લેવાય છે; જેમ કે રીટોર્ટનું નિર્માણ, વિદ્યુત-ઉત્પાદન તેમજ માટી-ઉદ્યોગ અને વાયુ-ઇંધનનો ઉદ્યોગ વગેરે.
અગ્નિરોધક ખનિજોમાં મુખ્યત્વે અગ્નિજિત માટી, સિલિકા, એલ્યૂમિના, મૅગ્નેસાઇટ વર્ગનાં ખનિજો જેવાં કે ક્વાર્ટ્ઝ, અબરખ, કેઓલિનાઇટ, કાયનાઇટ, સિલિમેનાઇટ, ઍન્ડેલ્યુસાઇટ, બૉક્સાઇટ, મૅગ્નેસાઇટ, ડૉલોમાઇટ વગેરેનો સમાવેશ થાય છે. અગ્નિરોધક ખનિજોનો ઉપયોગ નીચે દર્શાવેલ પ્રમાણમાં વિવિધ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ 50%; વિદ્યુત-ઉત્પાદન, વાયુ-ઇંધન ઉત્પાદન, રેલવેનાં વરાળ એન્જિનો વગેરે જેવા જાહેર જીવન માટેની ઉપયોગિતાનાં એકમો 20%; બિનલોહ ધાતુઓ 6%; ચૂના સિમેન્ટ ઉદ્યોગ 5%; કાચ-ઉદ્યોગ 5%; તેલશુદ્ધીકરણ 4%; માટીઉદ્યોગ 3%; અન્ય ઉદ્યોગો 7%.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ