અગ્નિકૃત ખડકો (igneous rocks) : જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર ગણી શકાય એવા ખડકો. પૃથ્વીના પોપડાના ખડકોને તેમની ઉત્પત્તિ તેમજ પ્રાપ્તિના સંજોગો મુજબ અગ્નિકૃત, જળકૃત અને વિકૃત એવા મુખ્ય ત્રણ ખડક સમૂહોમાં વહેંચવામાં આવેલા છે. ક્લાર્ક અને વૉશિંગ્ટનના મત મુજબ, પોપડાની પ્રથમ 15 કિમી.ની જાડાઈમાં 95% અગ્નિકૃત અને 5% જળકૃત ખડકો છે, વિકૃત ખડકો તો અગ્નિકૃત કે જળકૃત ખડકોમાંથી રૂપાંતરિત થઈને બન્યા હોવાથી તેમને મૂળ પ્રકારોમાં સમાવિષ્ટ ગણવાના છે. એ જ રીતે પોપડાના ઉપરના 15 કિલોમીટર પૈકીના 99%થી વધુ અગ્નિકૃત ખડકો ઑક્સિજન, સિલિકોન, ઍલ્યુમિનિયમ, લોહ, કૅલ્શિયમ, સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, ટાઇટેનિયમ, હાઇડ્રોજન, ફૉસ્ફરસ, કાર્બન, મૅંગેનીઝ, ગંધક, બેરિયમ તેમજ અન્ય તત્ત્વોના ઑક્સાઇડના સંયોજનથી બનેલા છે. પોપડાનો ખંડીય ભાગ મુખ્યત્વે સિયાલ (SIAL), સિલિકા અને એલ્યૂમિનાનાં સંયોજનોનો બનેલો હોય છે. તે સિલિસિક-એસિડિક બંધારણવાળો છે. તેની વિશિષ્ટ ઘનતા ઓછી હોઈ ખંડીય ભાગ બનાવે છે, જ્યારે સમુદ્રતલ વિભાગ સિમા (SIMA), સિલિકા અને મૅગ્નેશિયાનાં સંયોજનોથી બનેલો છે, તે બેઝિક-મેફિક બંધારણવાળો હોય છે. તેની વિશિષ્ટ ઘનતા વધુ હોઈ સમુદ્રતલીય ભાગ રચે છે.
વિવિધ પ્રકારનાં અસંખ્ય નિરીક્ષણોને આધારે એવું પ્રસ્થાપિત કરવામાં આવેલું છે કે ભૂગર્ભીય ખડકોનું તાપમાન દરેક 30 મીટરના ઊંડાઈના વધારાએ 10 સે.ના દરે ક્રમશ: વધતું જાય છે, જોકે તાપમાનના વધારાનો આ દર ઊંડાઈ વધવાની સાથે પ્રમાણમાં ઘટતો જાય છે; તેમ છતાં ઉપર રહેલાં ખડક-આવરણોના અત્યંત બોજને લીધે ઉત્પન્ન થતા ઉગ્ર દબાણને પરિણામે ભૂગર્ભીય ખડકો પોતાની મૂળભૂત ઘનસ્થિતિ જાળવી રાખી શકે છે. ક્યારેક પોપડાના કોઈક ભાગમાં ભૂસંચલનની ક્રિયાને કારણે જો સમતુલા ન જળવાય તો ત્યાં દબાણ ઘટી જાય છે, ત્યારે ભૂગર્ભીય ખડકો એકાએક પીગળી જાય છે. આ રીતે તૈયાર થતા ભૂરસને ‘મૅગ્મા’ (magma) તરીકે અને આ જ ભૂરસ જ્યારે ભૂપૃષ્ઠનાં પડો તોડીને સપાટી પર બહાર આવે છે ત્યારે તેને ‘લાવા’ (lava) તરીકે ઓળખાવાય છે. ‘લાવા’ કે ‘મૅગ્મા’, જ્યાં સુધી ભૌતિક-રાસાયણિક પર્યાવરણસ્થિતિ બદલાય નહિ ત્યાં સુધી, પોતાની પ્રવાહી સ્થિતિ યથાવત્ જાળવી રાખી શકે છે. જેમ જેમ તાપમાન, દબાણ કે રાસાયણિક બંધારણ જેવા સંજોગોમાં ફેરફાર થતો જાય તેમ તેમ મૅગ્મા કે લાવા ઘનસ્થિતિ પ્રાપ્ત કરતો જાય છે. આ રીતે તૈયાર થતા ખડકોને અગ્નિકૃત કે પ્રાથમિક ખડકો કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે મૅગ્મા કે લાવાના ઠરવાથી જે અગ્નિકૃત ખડકો અસ્તિત્વમાં આવે છે તેમને તેમના ઉત્પત્તિસ્થાન મુજબ પેટાપ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. મૅગ્મામાંથી તૈયાર થતા ખડકો અંતર્ભેદિત ખડકો (intrusive rocks) તરીકે, અને લાવામાંથી તૈયાર થતા ખડકો બહિર્ભૂત કે પ્રસ્ફુટિત અથવા જ્વાળામુખી ખડકો (extrusive or volcanic rocks, ઉદા., બૅસાલ્ટ) તરીકે ઓળખાય છે. વધુ ઊંડાઈએ બનતા અંતર્ભેદિત ખડકોને અંત:કૃત ખડકો (plutonic rocks, ઉદા., ગ્રૅનાઇટ) અને છીછરી ઊંડાઈએ બનતા અંતર્ભેદિત ખડકોને ભૂમધ્યકૃત ખડકો (hypabyssal rocks, ઉદા., પેગ્મેટાઇટ, ડૉલેરાઇટ) કહે છે. ઘસારા તેમજ ધોવાણ જેવાં પ્રાકૃતિક બળોની અસરથી અગ્નિકૃત ખડકો ઉપરનાં ખડક-આવરણો દૂર થવાને કારણે અથવા ભૂસંચલનની ક્રિયાને કારણે, પોપડાની અંદર ઉત્પન્ન થયેલા અંતર્ભેદિત ખડકો, કાળક્રમે ભૂપૃષ્ઠ પર વિવૃત થયેલા જોવા મળે છે.
ઘનીભવનની ક્રિયા દરમિયાન મૅગ્મા જો ધીમે ધીમે ઠંડો પડે તો સ્ફટિકીકરણ થવા માટે પૂરતો સમય મળી રહેવાથી સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture) ઉત્પન્ન થાય છે. લાવા બહાર આવ્યા પછી અત્યંત ઝડપથી ઠરી જાય તો સ્ફટિકીકરણ માટે સમય રહેતો નથી અને સંપૂર્ણ કાચમય કણરચના (holohyaline texture) બને છે. આ ઉપરાંત મૅગ્મા કે લાવાના ઠંડા પડવાના સમયગાળા અને સંજોગો અનુસાર વિવિધ પ્રકારની અન્ય કણરચનાઓ બને છે. આમ કણરચના પરથી અગ્નિકૃત ખડકોનાં ઉત્પત્તિસ્થાન નક્કી કરી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા
જ્યોતેન પ્ર. વ્યાસ