અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (1992) : મહાદેવભાઈ દેસાઈનું એમના સુપુત્ર નારાયણ દેસાઈ દ્વારા વિરચિત બૃહદ્ જીવનચરિત્ર. આ ચરિત્રમાં ગાંધીજીના ગણેશ અને હનુમાન લેખાતા મહાદેવભાઈની જન્મથી અવસાન પર્યંતની, 1892થી 1942 સુધીની, ભક્તિયોગ તથા કર્મયોગના ઉત્કૃષ્ટ સમન્વયરૂપ જીવનયાત્રાનું સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ – એવા 5 ખંડકોમાં, 44 પ્રકરણોમાં ચલચિત્રાત્મક રીતનું દસ્તાવેજી નિરૂપણ છે.
પ્રસ્તુત ચરિત્ર મહાદેવભાઈના જીવન અને સંસ્કારઘડતરની કથા સાથે ગાંધીજીની આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓની ગાંધીયુગ અથવા સ્વાતંત્ર્યયુગનીયે કથા બની રહે છે, જે કોઈ પણ યુદ્ધકથા કરતાં વધુ રમ્ય ને રોમાંચક છે.
આ ચરિત્રમાં મહાદેવભાઈ અને ગાંધીજી ઉપરાંત હરિભાઈ, નરહરિભાઈ, દુર્ગાબહેન, સરદાર પટેલ વગેરેનાંયે ચિત્રો જીવંત શૈલીમાં આકર્ષક રીતે રજૂ થયાં છે. ગાંધીજી સાથેના મહાદેવભાઈના ભક્તિપૂત સંબંધની તો દુર્ગાબહેન સાથેના ‘ભર્યાં ભર્યાં સ્નેહધામ’ના અનુભવરસવાળા સંયમમધુર સંબંધની અહીં સમુચિત પ્રસંગો દ્વારા જે અભિવ્યક્તિ થઈ છે તેમાં ચરિત્રકારનું દર્શન-વર્ણનનું સામર્થ્ય પ્રગટ થાય છે. આ ચરિત્રમાં મહાદેવભાઈની બહુમુખી પ્રતિભાનું પ્રમાણભૂત દર્શન પ્રાપ્ત થાય છે. ગાંધીજીના રહસ્યમંત્રી અને બોઝવેલ જેવા થવાની ખ્વાહિશ ધરાવતા ડાયરી-લેખક, લોકધર્મી મૂલ્યનિષ્ઠ પત્રકાર, શ્રેયોધર્મી સમાજસેવક, ધર્મ-અધ્યાત્મના પથ્ય રસના આસ્વાદક અને ચિંતક, પ્રશિષ્ટ સાહિત્યના રસિક વાચક, વિચારક અને આલેખક, સત્યાગ્રહી અને આશ્રમી જીવનના સંયમી સાધક – એમ જૂજવે રૂપે મહાદેવભાઈનાં જે પોત-પ્રતિભા પ્રગટ્યાં છે તેનું નારાયણભાઈએ તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી, ઉદાત્ત જીવનવિવેક ને કલાવિવેક દાખવીને દર્શન કરાવ્યું છે તે અનેકના સત્ત્વસભર ને પ્રેરણાદાયી છે.
ચરિત્રનાયકે તપોમૂર્તિ ગાંધીજીના અગ્નિકુંડ જેવા સાન્નિધ્યમાં રહીનેય પોતાના આંતરબાહ્ય વ્યક્તિત્વનું ગુલાબીપણું જે રીતે જાળવ્યું ને વિકસાવ્યું તેની સિલસિલાબંધ માહિતી અનેક પત્રો, નોંધો, મુલાકાતો આદિની પ્રચુર સંદર્ભસામગ્રીનું અવલંબન લઈને અહીં રજૂ કરી છે. પોતાના મુલાયમ સ્વભાવથી અને ઋજુ વ્યવહારથી સૌને જીતી લેતા મહાદેવભાઈના વ્યક્તિત્વનું ગુલાબ અહીં શબ્દપાંખડીઓમાં સરસ રીતે ઉદ્ઘાટિત કરી આપ્યું છે.
પ્રસ્તુત ચરિત્રગ્રંથમાં મહાદેવભાઈ નિમિત્તે ગાંધીજીની અને એ બંને નિમિત્તે સત્યાગ્રહના સત્ત્વ-સામર્થ્યનો જે સાક્ષાત્કાર થાય છે તે અનન્ય છે. અહીં સત્ય અને કલાનો કાંચન-સુરભિયોગ સહજતયા સધાયો છે. ગુજરાતના ઉત્તમ ચરિત્રગ્રંથોમાં આ ગ્રંથ સીમાસૂચક સ્તંભરૂપ છે. આ ગ્રંથ ગાંધીસાહિત્યમાંયે નારાયણ દેસાઈનું બહુમૂલ્ય અર્પણ લેખાય એવો છે. આ ગ્રંથને દિલ્હીની સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તકનો ઍવૉર્ડ 1994માં મળ્યો હતો. વળી તે અન્ય સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા પણ પુરસ્કૃત થયો છે.
ગુજરાતના એક સમર્થ વિવેચક નવલરામ પંડ્યા દ્વારા નિર્દિષ્ટ શોધ, સત્ય, વિવેક ને વર્ણનશક્તિ – આ ચાર ચરિત્રકારના મહત્ત્વના ગુણોના વિનિયોગે રચાયેલી આ મનભર ને મનહર જીવનકથામાં નારાયણ દેસાઈની ચરિત્રકાર તરીકેની શક્તિનો ઉત્તમ હિસાબ મળ્યો છે. ગાંધીભક્ત ચરિત્રનાયકના સત્ત્વમધુર વ્યક્તિત્વ સાથે જ એમના ગાંધીભક્ત પુત્ર નારાયણ દેસાઈના ચરિત્રકાર તરીકેના જીવનરસિક, વિનોદરસિક ને સાહિત્યરસિક વ્યક્તિત્વનોયે અહીં પ્રસન્નકર પરિચય થાય છે.
ચન્દ્રકાન્ત શેઠ